Get The App

ભારતની વિદેશનીતિમાં દેવાળિયું : કોણ દોસ્ત કોણ વિરોધી સમજાતું જ નથી!

Updated: Jun 16th, 2026

GS TEAM

Google News
Google News
ભારતની વિદેશનીતિમાં દેવાળિયું : કોણ દોસ્ત કોણ વિરોધી સમજાતું જ નથી! 1 - image

- ભારત સરકારે છેલ્લાં એક દાયકામાં બધાને ખુશ રાખવા મથામણ કરી અને હવે બધી બાજુ હાથ ફેલાવવા પડે છે અથવા તો લપડાક પડે છે 

- રશિયા અને યુક્રેનના યુદ્ધમાં ભારત પોતાનું કોઈ સ્ટેન્ડ લઈ શક્યું નહીં. હાલમાં ઈઝરાયેલ અને ઈરાન તથા અમેરિકાનું યુદ્ધ ચાલે છે. તેમાં પણ ભારતનું કોઈ સ્પષ્ટ વલણ નથી. તે પડદા પાછળ કૂટનીતિ કરવા જાય છે જે સફળ થઈ નથી. ઈઝરાયેલનો પક્ષ લેતા નથી જેથી ઈઝરાયેલ નારાજ છે, બીજી તરફ ઈરાનની પાસેથી ક્રૂડ લેવા જાય છે તો અમેરિકા હુમલા કરે છે : અમેરિકાને દબડાવવા થોડા સમય પહેલાં ભારતે ચીન તરફ મિત્રતાનો હાથ વધાર્યો હતો. પ્રેક્ટિકલી વિચારીએ તો ચીન પહેલેથી જ ભારત વિરોધી માનસિકતા ધરાવે છે. થોડા સમય પહેલાં પણ ચીની તજજ્ઞાોએ કહ્યું હતું કે, ભારતના પીએમ કે વિદેશમંત્રી ભલે અહીંયા આવે, સંબંધ સુધારવા મહેનત કરે પણ ચીન પોતાની નીતિ બદલશે નહીં. ચીન જે રીતે કામ કરે છે તે રીતે જ કરશે  :  વૈશ્વિક પરિસ્થિતિ જોઈએ તો અમેરિકા, રશિયા અને ચીન હાલમાં દુનિયાની ત્રણ જ મહાસત્તાઓ છે. તેઓ ધારે તેમ દુનિયાને ફરેવી રહ્યા છે. આ ત્રણેય મહાસત્તાઓ માત્ર પોતાના સ્વાર્થ અનુસાર કામ કરે છે. તેઓ ગમે ત્યારે એકબીજાનો વિરોધ કરે છે અને ગમે ત્યારે આ દેશોના વડા એકબીજાના દેશની મુલાકાત ગોઠવી લે છે. ભારતને આ બાબત દેખાતી જ નથી, સમજાતી જ નથી અથવા તો ભારતની વિદેશનીતિ તેની અવગણના કરી રહી છે 

ઈરાન અને અમેરિકા જેવા આખલાઓની લડાઈમાં ભારતનો સોથ વળી ગયો છે. ભારત પાસે ઓઈલ મગાવવા માટે પૂરતો સ્ત્રોત નથી અને દુનિયાભરના દેશો સાથે જોડાણ કરવું પડે છે, ભઈબાપા કરવા પડે છે ત્યારે ૪૧ દેશો પાસેથી થોડું થોડું ક્રૂડ દેશમાં આવે છે. રશિયા પાસેથી ક્રૂડ લઈ શકાય તેમ નહોતું, અમેરિકાનું ક્રૂડ મોંઘુ પડતું હતું, ઈરાનના ક્રૂડ ઉપર અમેરિકાએ પ્રતિબંધ મુકી દીધો છે, ખાડી દેશોમાંથી ક્રૂડ આવે તેવી સ્થિતિ નથી. હોર્મુઝની ખાડીમાંથી ભારતના બે જહાજે નીકળવા ગયા તો મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પની સેનાએ હુમલો કરી દીધો. ભારતીયોના મોત થયા અને દેશમાં તેની કોઈ ચર્ચા જ નથી. વિદેશ મંત્રી પાસે કોઈ જવાબ નથી, વેપારની કોઈ નક્કર નીતિ નથી, જવાબ આપવા માટે સરકાર પોતે સજ્જ નથી અથવા તો ઈચ્છતી જ નથી, પીએમ વિદેશ પ્રવાસે છે અને પ્રજા પોતાની પીડાનો ઉત્સવ ઉજવી રહી છે. 

ઉલ્લેખનીય છે કે, રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારથી ભારતનું જે રીતે વૈશ્વિક મુદ્દે વલણ રહ્યું છે તે ચિંતાજનક છે. આમ તો ભાજપના રાજમાં છેલ્લાં બાર વર્ષોમાં વિદેશ મંત્રીએ વિદેશ પ્રવાસો કરવા સિવાય અથવા તો પાકિસ્તાન, ચીન કે ભારત વિરોધી તાકાતોને જડબાતોડ જવાબ આપવા સિવાય ખાસ કોઈ મહત્ત્વના કામ કર્યા નથી. હાલમાં ભારતમાં ક્રૂડની સખત અછત ઊભી થયેલી છે, ગેસની પણ અછત વર્તાઈ રહી છે છતાં તેને કાબુ કરી શકે અથવા તો તેનો ઉકેલ લાવી શકે તેવી કોઈ નક્કર નીતિ જ નથી. ભારતના બે જહાજો ઉપર મિત્ર ગણાતા અમેરિકાએ જ હુમલા કર્યા અને ચોખ્ખી ધમકી આપી કે અમારી મંજૂરી વગર કોઈનું પણ જહાજ હોર્મુઝમાંથી નીકળશે નહીં. તેમ છતાં ભારતે કોઈ રિએક્શન આપ્યું નહીં. ભારત સંપૂર્ણ રીતે અમેરિકાના સામ્રાજ્યવાદ અને મૂડીવાદના ઘુંટણીયે પડેલું દેખાય છે. મોટી સંખ્યામાં ભારતીયો ત્યાં વસે છે, ત્યાં વેપાર થાય છે અને બીજી જરૂરિયાતો પૂરી થાય છે એટલે ભારત હાલમાં અમેરિકાને કશું જ કહી શકતું નથી. વિદેશમંત્રી માત્ર વાટાઘાટો અને ચર્ચા-વિચારણાની વાતો કરે છે પણ તેમની વાત અમેરિકામાં કોઈ જ સાંભળતું હોય તેમ લાગતું નથી. 

ભારતની છેલ્લાં બાર વર્ષથી જે મલ્ટિ એલાઈન્મેન્ટ નીતિ છે તેણે ભોપાળું વાળ્યું છે. જાણકારો માને છે કે, વિદેશમંત્રાલય દ્વારા છેલ્લાં એક દાયકામાં એવી કોઈ નક્કર નીતિ બનાવવામાં આવી જ નથી જેના દ્વારા ભારત અન્ય દેશ ઉપર પોતાનું પ્રભુત્વ જમાવી શકે. એક સમય હતો જ્યારે વિદેશોમાં ભારતનું માન હતું અને કોઈપણ આંતરરાષ્ટ્રીય સ્થિતિમાં ભારતનું માન જાળવવામાં આવતું હતું. ભારત પોતાની રીતે દબાણ ઊભું કરી શકતું હતું. હાલમાં ભારત ચારે તરફથી દબાયેલું જોવા મળે છે. આ કેસમાં પણ ભારત અને અમેરિકાનું જોડાણ વધારે જૂનું અને મજબૂત છે. ભારત હાલમાં એવા સ્તરે છે કે, અમેરિકાને છોડી નહીં શકે અને તેને કશું કહી પણ શકે નહીં. તે મધ્યમ રસ્તો પસંદ કરવા જાય છે પણ તેમાં તેની શાખને જ અસર પડી રહી છે. એક વાત સ્પષ્ટ છે કે, અમેરિકા અહીંયાથી અટકી ગયું તો વાંધો નથી પણ જો આ સંઘર્ષ લાંબો ચાલ્યો તો ભારતની એનર્જી પોલિસીને ચોક્કસ અસર પડશે. તેના નાગરિકોના જીવ જોખમમા મુકાશે. ભારતે હાલમાં તો અમેરિકા સાથે સંતુલન સાધીને પોતાના હિત સચવાય તેવો રસ્તો શોધવો અને અમલમાં મુકવો પડશે. વિદેશમંત્રાલય તે કરી શકતું નથી અને કદાચ કરવા પણ માગતું નથી. તેને તો બસ બધાને ખુશ રાખવા છે.

ભારતની નીતિઓની નિષ્ફળતા જોઈએ તો તેણે રશિયાને પોતાનો જૂનો મિત્ર દેશ ગણાવ્યો, ઈઝરાયેલને મિત્ર ગણાવ્યો, ઈરાનને મિત્ર કહ્યો, અમેરિકા તેનો મિત્ર દેશ છે, આ સિવાય ભારતના પીએમ જે પણ દેશના પ્રવાસે જાય તેનો ભારત સાથે સદીઓ જૂનો ગાઢ સંબંધ હોવાની વાતો થાય છે. વાસ્તવિકતા એવી છે કે, રશિયા અને યુક્રેનના યુદ્ધમાં ભારત પોતાનું કોઈ સ્ટેન્ડ લઈ શક્યું નહીં. હાલમાં ઈઝરાયેલ અને ઈરાન તથા અમેરિકાનું યુદ્ધ ચાલે છે. તેમાં પણ ભારતનું કોઈ સ્પષ્ટ વલણ નથી. તે પડદા પાછળ કૂટનીતિ કરવા જાય છે જે સફળ થઈ નથી. ઈઝરાયેલનો પક્ષ લેતા નથી જેથી ઈઝરાયેલ નારાજ છે, બીજી તરફ ઈરાનની પાસેથી ક્રૂડ લેવા જાય છે તો અમેરિકા હુમલા કરે છે, અમેરિકાનો સાથ લેવા જાય છે તો રશિયા પાસેથી ક્રૂડ લેવાનું બંધ કરવું પડે તેમ છે. અમેરિકા દબડાવી જાય તો રશિયા પાસેથી ક્રૂડ લેવાનું વધારી દેવાય છે. ભારત નક્કી જ કરી શકતો નથી કે તેણે ખરેખર કોની સાથે જોડાવું છે, ક્યાં જવું છે અને કોનો વિરોધ કરવો છે. 

વૈશ્વિક પરિસ્થિતિ જોઈએ તો અમેરિકા, રશિયા અને ચીન હાલમાં દુનિયાની ત્રણ જ મહાસત્તાઓ છે. તેઓ ધારે તેમ દુનિયાને ફરેવી રહ્યા છે. ભારતને આ બાબત દેખાતી જ નથી, સમજાતી જ નથી અથવા તો ભારતની વિદેશનીતિ તેની અવગણના કરી રહી છે. આ ત્રણેય મહાસત્તાઓ માત્ર પોતાના સ્વાર્થ અનુસાર કામ કરે છે. તેઓ ગમે ત્યારે એકબીજાનો વિરોધ કરે છે અને ગમે ત્યારે આ દેશોના વડા એકબીજાના દેશની મુલાકાત ગોઠવી લે છે, તેમની સાથે બેઠક યોજી નાખે છે અને દુનિયા કશું જ કરી શકતી નથી. તમામ સ્તરના સંસાધનો આ ત્રણેય દેશો પાસે છે. તેઓ આર્થિક રીતે પણ સક્ષમ છે. ભારત આ દેશોની સરખામણી કરી શકે તેમ જ નથી.

સમજવા જેવી વાત એ છે કે, અમેરિકા થોડા સમય પહેલાં રશિયાનો વિરોધ કરતું હતું, તેના જહાજો અટકાવતું હતું અને તેને યુદ્ધ અટકાવવા સમજાવતું હતું. આ જ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ બીજી તરફ યુક્રેનને હથિયારો આપીને યુદ્ધ લડવાનું ચાલુ રાખવા સમજાવતા હતા. રશિયા પણ યુક્રેન સાથે લડે છે પણ અમેરિકા સાથે વેપાર કરવા રાજી છે. પોતાના ક્રૂડનું વેચાણ થાય તેના માટે વાટાઘાટો કરી લે છે. ચીન તો હવે ત્રીજા વિશ્વના પાયામાં આવી ગયું છે. તે પણ ગમે ત્યારે અમેરિકા અને રશિયાને આવકારીને પોતાની મહેમાનગતિનો આનંદ આપે છે. ટ્રમ્પ જ્યારે યુરોપમાં જાય તો પુતિનને ગાળો ભાંડે છે અને બીજી તરફ તેના જ ક્રૂડના વેચાણ માટે આંતરરાષ્ટ્રીય નિયમો હાળવા કરાવે છે. આ જ અમેરિકા ચીનને ગાંળો ભાંડે છે પણ રેર અર્થ મિનરલ્સ મુદ્દે ચીનની સાથે જોડાણ કરીને તેના વખાણ કરે છે. ભારતને આ ત્રણેય મહાસત્તાઓના સ્વાર્થનો પડદા પાછળનો બર્મુડા ટ્રાયેંગલ દેખાતો પણ નથી અને સમજાતો પણ નથી. તેના કારણે ભારતીય વિદેશનીતિનું જહાજ અહીંયા ડૂબી જાય છે અને નુકસાન કરી બેસે છે. 

ભારત મલ્ટિ એલાઈન્મેન્ટ નીતિના પોતાના જ ચક્કરમાં અટવાઈ ગયું છે

તમે વિશ્વગુરુ થવાની વાત કરો છો પણ બીજો દેશ આવીને તમને ડરાવી જાય છે, દબડાવી જાય છે અને તમે પ્રતિકાર કરવા જેટલા પણ સક્ષમ નથી તો તમારી વિદેશનીતિ કાચી પડી રહી છે. અમેરિકાએ તાજેતરમાં ભારતના બે જહાજો ઉપર હુમલા કર્યા, તેની પહેલાં ટેરિફ લાદ્યા તેની પહેલાં વીઝા નીતિ અપનાવી તેમાં પણ ભારતને ઘણું ભોગવવાનું આવ્યું હતું. માઈગ્રેશન પોલિસી લાગુ કરવા દરમિયાન અમેરિકાએ ભારતીયોનું ભયાનક અપમાન કર્યું, તેમને કેદીઓની જેમ સાંકળો બાંધીને ભારત મોકલાવ્યા, તેમની સાથે અમાનવીય વ્યવહાર કર્યા, ઈમિગ્રન્ટ્સને તેમના કેમ્પોમાં સબડાવ્યા છતાં ભારત તેનો વિરોધ કરી શક્યો નહીં. અમેરિકીમાં જ ૫૨ લાખથી વધારે ભારતીયો વસે છે, ત્યાંની ઈકોનોમી, પોલિટિક્સ અને બીજી વ્યવસ્થામાં તેમનું પ્રબળ યોગદાન છે છતાં અમેરિકાના દબાણમાં ભારત આવી જાય છે. હવે વિચાર કરીએ કે જે અમેરિકાને દબડાવવા થોડા સમય પહેલાં ભારતે ચીન તરફ મિત્રતાનો હાથ વધાર્યો હતો. પ્રેક્ટિકલી વિચારીએ તો ચીન પહેલેથી જ ભારત વિરોધી માનસિકતા ધરાવે છે. 

થોડા સમય પહેલાં પણ ચીની તજજ્ઞાોએ કહ્યું હતું કે, ભારતના પીએમ કે વિદેશમંત્રી ભલે અહીંયા આવે, સંબંધ સુધારવા મહેનત કરે પણ ચીન પોતાની નીતિ બદલશે નહીં. ચીન જે રીતે કામ કરે છે તે રીતે જ કરશે. પાકિસ્તાનને સપોર્ટ કરવાની તેની નીતિમાં કોઈ ફરેફાર થશે નહીં. તે પાકિસ્તાનને જે મદદ મોકલાવવા માગે છે તેમાં પણ કોઈ ઘટાડો થશે નહીં. તેમ છતાં ભારતની પીએમ અને વિદેશમંત્રી તથા બીજા અધિકારીઓ ત્યાં ધક્કા ખાઈ આવ્યા. બીજી તરફ રશિયાને મિત્ર તરીકે ખુશ રાખવું છે પણ સાથે સાથે યુક્રેનને તકલીફ ન પડે તેના માટે પણ ટકોર કરતા રહેવું છે. ઈઝરાયેલને મિત્ર ગણાવવું છે પણ તેના હિંસક વલણ અંગે મૌન રહીને શાંતિની વાતો કરવી છે. ઈરાન વિશે પણ કશું બોલવું નથી બીજી તરફ ગાઝામાં શાંતિ સ્થપાય તેની વાત કરવી છે. જાણકારો માને છે કે, દરેકને ખુશ રાખવા મથતા અને દરેકને મિત્ર ગણાવવા મથતા ભારતની આ નીતિ જોખમી સાબિત થઈ રહી છે. તેનાથી ભવિષ્યમાં હજી વધારે જિયોપોલિટકલ વિસંગતતાઓ આવશે તેનો સામનો કરવો ભારત માટે મુશ્કેલ થશે.