ગ્લોબલ વોર્મિંગ : યુરોપમાં ગરમી બાદ હવે અન્ન અને જળસંકટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- છેલ્લાં બે-ત્રણ મહિનામાં પડેલી કાળઝાળ ગરમીના પગલે 90 લાખ ટન અનાજ બળી ગયું, નદીઓ સુકાઈ ગઈ
- યુરોપમાં ગરમીના કારણે ખેડૂતોને આશરે 2 અબજ યુરોનું નુકસાન થયું છે. સંગઠનનું કહેવું છે કે, પાકમાં ઘટાડો થવાને કારણે બજારમાં ખાદ્યપદાર્થોની અછત સર્જાશે, જેની સીધી અસર કિંમતો પર પડશે. ઘઉં, જવ, મકાઈ અને ઓટ્સ જેવા પાકોની ઉપજને મોટું નુકસાન થયું છે. બ્રિટનમાં પણ આ વખતે મોટા પાયે પાકને અસર થઈ છે : યુરોપિયન યુનિયનના 27 દેશો અને બ્રિટનમાં 2018 પછી સૌથી ઓછું અનાજ ઉત્પાદન થશે. ફ્રાન્સમાં જ 34 લાખ ટન મકાઈનો પાક નષ્ટ થવાનો અંદાજ વ્યક્ત કરાયો છે. આ ઉપરાંત હંગેરીમાં 24 લાખ ટન અને સ્પેનમાં 14 લાખ ટન પાકને નુકસાન થવાની આશંકા છે. જાણકારોમાં ચર્ચા છે કે, ફ્રાન્સમાં સોયાબીન જેવા પાકોમાં 50થી 70 ટકા સુધીનું ઉત્પાદન ઘટયું છે : યુરોપના 10 દેશોની તરસ છીપાવતી ડેન્યૂબ હાલમાં પોતાના અસ્તિત્વ ઉપર મોટું જોખમ સહન કરી રહી છે. આ નદી સુકાવાના કારણે મોટા માલવાહક જહાજો ચાલી શકતા નથી. ખેતી માટે સિંચાઈની જરૂરિયાત પૂરી થઈ રહી નથી. ઘણા શહેરોમાં પીવાના પાણીની તંગી શરૂ થવા લાગી છે. હંગેરી જેવા દેશે 44 વર્ષ બાદ પોતાનો ન્યૂક્લિયર પ્લાન્ટ બંધ કરવાની ફરજ પડી છે
દુનિયાભરના દેશો હાલમાં ગ્લોબલ વોર્મિંગની આફતનો ભોગ બની રહ્યા છે. ક્યાંક અસહ્ય ગરમી પડી રહી છે તો ક્યાંક ભયાનક વરસાદને પગલે પૂરની આફત આવી રહી છે. અલનિનોની અસર હોવા છતાં ભારતમાં ભયાનક વરસાદ વરસી રહ્યો છે અને બીજી તરફ યુરોપમાં ભયાનક ગરમી પડી રહી છે. અમેરિકા પૂર અને ગરમી બંને આફત સામે લડી રહ્યું છે. આ બધા વચ્ચે હવે યુરોપ ઉપર વધુ એક મોટી આફત આવી ગઈ છે. જાણકારોના મતે યુરોપમાં અન્ન અને પાણીનું મોટું સંકટ ઊભું થવાની ચેતવણી ઉચ્ચારવામાં આવી છે. તીવ્ર તડકા અને ભીષણ ગરમીના કારણે આ વખતે ૯૦ લાખ ટન અનાજ બળી ગયું છે. આ અનાજ વડે ઓસ્ટ્રિયા, આયરલેન્ડ અને નેધરલેન્ડ જેવા ત્રણ દેશો આખું વર્ષ પોતાનું પેટ ભરી શકાય તેમ છે. સ્થિતિ એટલી ખરાબ છે કે યુરોપના અનેક સંગઠનોએ અત્યારથી જ ચેતવણી આપવાનું શરૂ કરી દીધું છે. સંગઠનોના જણાવ્યા અનુસાર, આ વખતે યુરોપિયન યુનિયનમાં સામેલ લગભગ તમામ દેશોએ ખાદ્ય સંકટનો સામનો કરવો પડશે. જેના કારણે બજારમાં ભાવ વધશે અને અમીર ગણાતા દેશોમાં પણ ભૂખમરાથી મોતના દિવસો જોવા મળી શકે છે. યુરોપના અનાજ અને તેલીબિયાં વેપાર સંગઠન 'કોસેરલ' અનુસાર, યુરોપમાં ગરમીના કારણે ૯૦ લાખ ટન પાક નષ્ટ થઈ ગયો છે. આનાથી ખેડૂતોને આશરે ૨ અબજ યુરોનું નુકસાન થયું છે. સંગઠનનું કહેવું છે કે, પાકમાં ઘટાડો થવાને કારણે બજારમાં ખાદ્યપદાર્થોની અછત સર્જાશે, જેની સીધી અસર કિંમતો પર પડશે. સંગઠને આ અહેવાલ ઘઉં, જવ, મકાઈ અને ઓટ્સ જેવા પાકોની ઉપજના મૂલ્યાંકન બાદ જારી કર્યો છે. ખાસ વાત એ છે કે બ્રિટનમાં પણ આ વખતે મોટા પાયે પાકને અસર થઈ છે.
ઉલ્લેખનીય છે કે, યુરોપે આ વખતે ભીષણ ગરમીનો સામનો કર્યો છે. જર્મની, ડેનમાર્ક અને ચેક રિપબ્લિકમાં તો કુલર અને AC ખરીદવા માટે દોડધામ મચી ગઈ હતી. ફ્રાન્સમાં જૂનના ઇતિહાસમાં તાપમાન ૪૦થી ૪૫ ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. તે ઉપરાંત દુનિયાના અત્યંત ઠંડા અને ખુશનુમા ગણાતા દેશ સ્વિત્ઝરલેન્ડમાં ૩૮થી ૪૧ ડિગ્રી સુધી ગરમી નોંધાઈ હતી. આ સિવાય ડેનમાર્ક અને ચેક રિપબ્લિકમાં ૧૮૭૪ પછી પહેલીવાર તાપમાન ૩૬.૬ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું હતું. આમ જોવા જઈએ તો ભારતમાં આટલું તાપમાન સામાન્ય ગણાય છે, પરંતુ આ દેશોમાં તેનાથી હાહાકાર મચી ગયો છે કારણ કે આ દેશો સામાન્ય રીતે ઠંડા રહે છે. અહીનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઠંડા હવામાનને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે, જે ગરમીના કારણે યોગ્ય રીતે કામ નથી કરી રહ્યું.
યુરોપ માટે તો ચિંતાજનક સ્થિતિ એવી થઈ છે કે, ઘણા દેશોમાં અત્યાર સુધી ખાસ લોડ આવતો નહોતો પણ આ ભિષણ ગરમીને પગલે ACના વધુ પડતા ઉપયોગથી ગ્રીડ પર લોડ વધ્યો અને પાવર ગ્રીડ ઠપ થઈ ગયા. પાવર પ્લાન્ટ્સને ઠંડા રાખવા માટે જે નદીઓના પાણીનો ઉપયોગ થતો હતો, તે નદીઓ પોતે જ ગરમ થઈ ચૂકી છે. રેલવેના લોખંડના પાટા વળી ગયા છે અને ઓવરહેડ વીજળીના વાયરો તૂટી રહ્યા છે. ઘણા દેશોમાં હજુ પણ રાહત મળી નથી. તાજેતરમાં જ હંગેરીના વડાપ્રધાન પીટર મેગ્યારે વીજ વપરાશ ઘટાડવા, ઉર્જા બચાવવા અને સુશોભન માટેની રોશની બંધ કરવાની અપીલ કરી છે. સ્લોવાકિયાની રાજધાની બ્રાતિસ્લાવામાં અધિકારીઓએ એર કન્ડીશનીંગ અને મફત પીવાના પાણીની સુવિધાવાળા ૩૦થી વધુ 'કોલ્ડ સેન્ટર' ખોલ્યા છે. ઓસ્ટ્રિયામાં મોટા વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી દેવાયો છે. ઓસ્ટ્રિયાઈ હવામાન એજન્સીનું કહેવું છે કે આ વર્ષે અત્યાર સુધીમાં ૩૦% ઓછો વરસાદ થયો છે, જેનાથી આગામી સમયમાં પાણીની અછત અને જંગલમાં આગ લાગવાનો ખતરો વધી ગયો છે.
યુરોપના વેપાર સંગઠનના જણાવ્યા મુજબ, ૯૦ લાખ ટન પાક બરબાદ થવાનો અર્થ એ છે કે યુરોપિયન યુનિયનના ૨૭ દેશો અને બ્રિટનમાં ૨૦૧૮ પછી સૌથી ઓછું અનાજ ઉત્પાદન થશે. આ નુકસાન એટલું મોટું છે કે તે ઓસ્ટ્રિયા, આયરલેન્ડ અને નેધરલેન્ડના અંદાજિત કુલ ઉત્પાદન કરતાં પણ વધુ છે. સંગઠનનું કહેવું છે કે પાકની બરબાદી જૂન મહિનામાં પડેલી ભીષણ ગરમીના કારણે થઈ છે. ખાસ કરીને ઘઉંના પાકને તે સમયે ભેજની જરૂર હોય છે. એનર્જી એન્ડ ક્લાઇમેટ ઇન્ટેલિજન્સ યુનિટ થિંક ટેંક અનુસાર, વર્તમાન બજાર કિંમતોના આધારે નષ્ટ થયેલા અનાજના પાકની કિંમત લગભગ ૨ અબજ યુરો છે. આમાં શાકભાજી, પશુપાલન અને અન્ય કૃષિ ક્ષેત્રોને થયેલા નુકસાનનો સમાવેશ થતો નથી.
જાણકારોના મતે આ પરિસ્થિતિની સીધી અસર ખેડૂતોની આવક પર પડશે અને યુરોપની ખાદ્ય સુરક્ષા પ્રભાવિત થશે. બ્રિટનની જ વાત કરીએ તો, આ દાયકામાં અત્યાર સુધીની રેકોર્ડ પાંચ સૌથી ખરાબ સિઝનમાંથી ત્રણ જોઈ ચૂક્યું છે. આનાથી ખાદ્યપદાર્થોના ભાવ વધવાની પણ શક્યતા છે. તેવી જ રીતે ફ્રાન્સમાં જ ૩૪ લાખ ટન મકાઈનો પાક નષ્ટ થવાનો અંદાજ વ્યક્ત કરાયો છે. આ ઉપરાંત હંગેરીમાં ૨૪ લાખ ટન અને સ્પેનમાં ૧૪ લાખ ટન પાકને નુકસાન થવાની આશંકા છે. જાણકારોમાં ચર્ચા છે કે, ફ્રાન્સમાં સતત કેટલાક અઠવાડિયા સુધી તાપમાન ૩૮ ડિગ્રી રહેવાને કારણે સોયાબીન જેવા પાકોમાં ૫૦થી ૭૦ ટકા સુધીનું ઉત્પાદન ઘટયું છે. બ્રિટનમાં પણ કેટલાક વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી દેવાયા છે. સૌથી વધુ અસર 'ઈસ્ટ એંગ્લિયા' અને દક્ષિણ-પૂર્વ ઈંગ્લેન્ડના કેટલાક ભાગોમાં જોવા મળી છે. એગ્રીકલ્ચર એન્ડ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ બોર્ડ (AHDB)માં અનાજ અને તેલીબિયાં બાબતોના મુખ્ય વિશ્લેષકે જણાવ્યું કે, પાકનો સ્ટોક પહેલેથી જ મર્યાદિત હતો, હવે નવો પાક ખરાબ થવાથી એક નવું ખાદ્ય સંકટ ઊભું થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, ખેતી વિષયક જાણકારોના મતે, આ વર્ષે બ્રિટનના કુલ પાકનું આખરી પરિણામ હજુ અસ્પષ્ટ છે. ગરમ અને શુષ્ક હવામાનને કારણે ઘણા ખેડૂતોને સામાન્ય સમય કરતાં પહેલાં લણણી શરૂ કરવી પડી છે. 'નેશનલ ફાર્મર્સ યુનિયન'ના ઉપાધ્યક્ષ પોલ ટૌમ્પકિન્સે જણાવ્યું કે, ૨૦૨૪ અને ૨૦૨૫માં દુષ્કાળ અને પૂર જેવી ચરમ આબોહવાકીય ઘટનાઓ પછી, આ ઘણા ખેડૂતો માટે વધુ એક મુશ્કેલ અને મોંઘી સીઝન સાબિત થઈ શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે પાકના નુકસાનને કારણે યુરોપને અનાજની આયાત પર વધુ નિર્ભર રહેવું પડી શકે છે, જેનાથી વૈશ્વિક કોમોડિટી કિંમતો પર દબાણ વધશે.
ક્લાઈમેટ ચેન્જ્ની અસર સાથે સાથે એશિયા તરફ પણ વધારે આકરી થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. તાજેતરમાં સાઉથ કોરિયામાંથી ભિષણ ગરમીના અહેવાલો આવી રહ્યા છે. અહીંયા પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે. સાઉથ કોરિયાના સાઉથ ઈસ્ટમાં આવેલા યાંગસન શહેરમાં તાજેતરમાં ગરમીનો પારો ૪૨.૫ ડિગ્રી પહોંચી ગયો છે. તેના કારણે લોકોની સ્થિતિ કફોડી થઈ ગઈ છે. જાણકારોના મતે રવિવારે પડેલી આ ગરમીએ ૧૨૨ વર્ષનો રેકોર્ડ તોડયો છે. અહીંયા છેલ્લાં કેટલાક દિવસમાં ૨૦૦૦થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડયા છે જ્યારે ૧૪ લોકોનાં મોત થયા છે. અહીંયા પણ ગરમીને પગલે એસી અને કુલિંગ સિસ્ટમનો વપરાશ એકાએક વધી ગયો છે.
યુરોપની ગંગા ગણાતી ડેન્યૂબ સુકાવા લાગી, ૧૦ દેશો ઉપર સંકટ
યુરોપની જીવનરેખા કહેવાતી અને યુરોપની બીજા ક્રમની સૌથી લાંબી નદી એવી ડેન્યૂબ નદી હાલમાં ક્લાઈમેટ ચેન્જનો ભીષણ માર સહન કરી રહી છે. યુરોપના ૧૦ દેશોની તરસ છીપાવતી ડેન્યૂબ હાલમાં પોતાના અસ્તિત્વ ઉપર મોટું જોખમ સહન કરી રહી છે. આ વખતે ભયાનક ગરમી અને હિટવેવને પગલે નદીનો પટ નાનો થઈ જઈ રહ્યો છે. તેમાં પાણીનું સ્તર એટલું ઓછું થઈ ગયું છે કે, જહાજોની અવરજવર બંધ કરવાનો વારો આવ્યો છે. તેના પગલે ખેતીને પણ વ્યાપક નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. ડેન્યૂબને યુરોપની ગંગા કહેવાય છે. ભારતમાં જેમ ગંગા નદી ખૂબ જ લાંબી અને કરોડો લોકોના જીવન, સંસ્કૃતિ, વિકાસ અને અર્થવ્યવસ્થાનો ભાગ છે તેવી જ રીતે ડેન્યૂબ પણ યુરોપના ૧૦ દેશોની સંજીવની છે. આ નદી ડેન્યૂબ જર્મનીના બ્લેક ફોરેસ્ટમાંથી ઉદભવે છે અને ત્યાંથી રોમાનિયા અને યૂક્રેન વચ્ચે આવેલા ડેન્યૂબ ડેલ્ટામાંથી પસાર થઈને કાળા સમુદ્રમાં સમાઈ જાય છે. આ દરમિયાન તે જર્મની, ઓસ્ટ્રિયા, સ્લોવેકિયા, હંગેરી, ક્રોએશિયા, સર્બિયા, બુલ્ગારિયા, રોમાનિયા, મોલ્દોવા અને યુક્રેન જેવા ૧૦ દેશોમાંથી પસાર થાય છે. આ નદીની કુલ લંબાઈ ૨૮૫૦ કિલોમીટર છે. તેનું જળક્ષેત્ર ૧૯ દેશોને અસર કરે છે. ઉલ્લેખનીય છે કે, આ વખતે પડેલી ભયાનક ગરમી અને હીટવેવને પગલે નદીના પાણીનું ઝડપી બાષ્પિભવન થઈ ગયું. તે ઉપરાંત વરસાદ યોગ્ય રીતે પડયો નહીં અને બેસિન વિસ્તાર ખાલી રહ્યો તેનાથી જળસ્તર ઘટવા લાગ્યું. ક્લાઈમેટ ચેન્જના કારણે ગરમી વધી રહી છે અને વરસાદ ઘટી રહ્યો છે જેથી નદીનું કુદરતી સ્તર ઓછું થવા લાગ્યું છે. આ નદી સુકાવાના કારણે મોટા માલવાહક જહાજો ચાલી શકતા નથી.
ખેતી માટે સિંચાઈની જરૂરિયાત પૂરી થઈ રહી નથી. ઘણા શહેરોમાં પીવાના પાણીની તંગી શરૂ થવા લાગી છે. તે ઉપરાંત માછલીઓ અને અન્ય જળચર પ્રાણીઓના કુદરતી નિવાસ ઉપર જોખમ સર્જાયું છે. આ સિવાય ટૂરિઝમ ઈન્ડસ્ટ્રીને પણ મોટું નુકસાન થયું છે. હંગેરી જેવા દેશે ૪૪ વર્ષ બાદ પોતાનો ન્યૂક્લિયર પ્લાન્ટ બંધ કરવાની ફરજ પડી છે.









