ટીકા કરવી એ વિરોધ નથી પણ લોકશાહીનો સાચો મર્મ છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

બોમ્બે હાઈકોર્ટ પોલીસને ઝાટકણી કાઢી હતી : સરકારની ટીકા કરવી એ વિરોધ નથી, પણ સુધારાની હિંમત છે; લોકશાહીની અસલી કસોટી આ જ છે
સૌથી મહત્ત્વની વાત એવી છે જે અત્યારે દુનિયાના ઘણા દેશોમાં ઘર કરી ગઈ છે. આ દેશોમાં એવું જડ તંત્ર સંચાલનમાં આવી ગયું છે કે, દેશની સરકારના નિર્ણયો, તેની નીતિઓ કે અભિગમનો તેઓ વિરોધ કરે છે ત્યારે તેમને દેશદ્રોહી માની લેવામાં આવે છે. આ માનસિકતાએ જ લોકશાહીના પાયાને હચમચાવી નાખ્યા છે : આજે લોકોની માનસિકતા જ એવી કરી નાખવામાં આવી છે જેમાં કોઈપણ બાબતની ટીકા કરવી તે વફાદારીનો વિરોધ કરવા જેવી સ્વીકારી લેવામાં આવી છે. એવું માની લેવામાં આવ્યું છે કે સમર્થનનો અર્થ માત્ર પ્રશંસા છે, અંધભક્તિ છે અને શરણાગતિ છે જ્યારે બીજી તરફ અસંમતિનો અર્થ માત્ર વિરોધ અને વિદ્રોહ માનવામાં આવે છે : અંગ્રેજોના દમનથી શરૂ કરીને, કોંગ્રેસકાળની કટોકટી લાગુ થવી કે પછી વર્તમાન સમયમાં સીએએનો વિરોધ, ખેડૂત આંદોલન, એમ્નેસ્ટિ ઈન્ટરનેશનલ કેસ, દિશા રવિ કેસ, વિનોદ દુઆ કેસ, પત્રકાર વિનિત નારાયણ શર્મા કેસ જેવા કેસમાં સરકારી ટીકાને દેશદ્રોહ બનાવી દેવામાં આવ્યા હતા
બોમ્બે હાઇકોર્ટે તાજેતરમાં એક કેસમાં પોલીસની આકરી ઝાટકણી કાઢી હતી. તેમાં એક વ્યક્તિને તડીપારની સજા કરવામાં આવી હતી. તે વ્યક્તિનો ગુનો એવો હતો કે, તેણે સરકારની ટીકા કરી હતી, બંધારણીય પદ ઉપર રહેલા કેટલીક વ્યક્તિઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને સરકારી નીતિઓનો વિરોધ કર્યો હતો. આ માટે તેની સામે પાંચ જેટલી ફરિયાદ નોંધાઈ હતી. તેના માટે આ વ્યક્તિને ગત ડિસેમ્બર મહિનાથી તડીપાર કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, બોમ્બે હાઈકોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં રાજકીય કાર્યકર્તા વિરુદ્ધના તડીપારના આદેશને રદ કરી દીધો છે. કોર્ટે પોલીસની કડક શબ્દોમાં ઝાટકણી કાઢતા ટિપ્પણી કરી હતી કે, નાગરિકો સાથે 'ભારત સરકારના ગુલામો' જેવો વ્યવહાર કરી શકાય નહીં. જસ્ટિસ માધવ જામદારની સિંગલ બેન્ચે સોશિયાલિસ્ટ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા (SDPI)ના જનરલ સેક્રેટરી સઈદ અહેમદ અબ્દુલ વાહીદ ચૌધરીની અરજી પર આ ચુકાદો આપ્યો હતો. ડિસેમ્બર ૨૦૨૫માં મુંબઈ પોલીસે સઈદ અહેમદને ૧૨ મહિના માટે તડીપાર કરવાનો આદેશ આપ્યો હતો, જેને કોંકણ ડિવિઝનના કમિશનરે પણ માર્ચ ૨૦૨૬માં યથાવત રાખ્યો હતો. પોલીસે સીએએ (CAA) અને જ્ઞાનવાપી મસ્જિદ મામલે કેન્દ્ર સરકારના નિર્ણયો વિરુદ્ધ દેખાવો કરવા બદલ નોંધાયેલી ૫ એફઆઈઆરના આધારે આ કાર્યવાહી કરી હતી.
ચિંતાજનક બાબત એવી છે કે, આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ, જ્યાં કોઈ વ્યક્તિ, વિચાર, સંસ્થા કે પરંપરાની ટીકા કરવામાં આવે કે તેના વિરુદ્ધ ટિપ્પણી કરવામાં આવે તો અવારનવાર જે-તે વ્યક્તિનો આ અંગત વિરોધ છે અથવા તે નફરત કરે છે તેમ સમજી લેવામાં આવે છે. જાહેર જીવનમાં આ પ્રવૃત્તિ એટલી ઊંડી ઉતરી ચૂકી છે કે લોકો કોઈપણ અસંમતિને વિરોધમાં ગણાવી લે છે. હાલમાં સામાજિક અને રાજકીય સ્થિતિ એવી ભયાનક સ્તરે પહોંચી ગઈ છે કે તેમાં માત્ર બે જ બાબત બચી છે, કાં તો તમે સંપૂર્ણ સમર્થનમાં છો, અથવા સંપૂર્ણ વિરોધમાં. જાણે વચગાળાની કોઈ જગ્યા જ બચી નથી. તમારે આંધળુકિયા કરીને કોઈપણ બાબત સ્વીકારી લેવાની અથવા તમે અસહમતી દર્શાવો તો તમે વિરોધી અને વિદ્રોહી છો તેવું ટેગ તમારા ઉપર લગાડી દેવામાં આવે. પરંતુ શું ખરેખર એવું છે? શું કોઈ વસ્તુની આલોચના કરવી એટલે તેનો અસ્વીકાર કરવો થાય? શું સુધારાની ઈચ્છાને હંમેશા વિદ્રોહ તરીકે જ જોવી જોઈએ?
આધુનિકતાની સૌથી મહત્વપૂર્ણ લાક્ષણિકતાઓમાંથી એક છે આત્મચિંતન અથવા સેલ્ફ-રિફ્લેક્શન. તેનો અર્થ એ છે કે માત્ર તમારી આસપાસની દુનિયાને જ નહીં, પણ તમારી જાતને પણ આલોચનાત્મક દ્રષ્ટિથી જોવી. આ પ્રક્રિયા અસ્વીકારની નથી, પરંતુ સુધારાની છે. તેનો ઉદ્દેશ્ય કોઈ સંબંધને તોડવાનો નહીં, પરંતુ તેને વધુ ન્યાયપૂર્ણ અને સાર્થક બનાવવાનો છે. તેમે જ્યારે કોઈ બાબતને, કોઈ સંબંધને, કોઈ કાર્યને કે પછી તમારી જાતને પણ જૂઓ છો ત્યારે સીધા જ તેની સાથે સહમત થવાના બદલે જો કંઈક બદલાયેલું જણાય અથવા તો ન્યાયસંગત ન લાગે ત્યારે તેની ટીકા કરો છો તો તે સુધારા તરફ દોરી જતી અથવા તો આત્મમંથનની તક આપતી બાબત છે. તેનાથી તમે વિરોધી થઈ ગયા છો કે તમે વિદ્રોહા કરો છો તેવું માની લેવું ભુલ ભરેલું છે.
કોઈપણ બાબતમાં અસહમતી કે ટીકા અથવા તો ટિપ્પણી કરવી તેને જો સમજવા હોય તો સૌથી પહેલાં પરિવારના સંદર્ભે સમજવા જોઈએ. એક દીકરો પોતાના પિતાને પ્રેમ કરે છે, તેમનો આદર કરે છે, તેમને પોતાના જીવનનો આધાર માને છે. તેનો અર્થ એ નથી કે પિતાની દરેક વાત, દરેક નિર્ણય અને દરેક વર્તનને આંખો બંધ કરીને સાચું માની લેવું. ઘણીવાર દીકરો પોતાના પિતાની કોઈ આદત, કોઈ નિર્ણય કે કોઈ દ્રષ્ટિકોણની ટીકા કરે છે અથવા તો તેના અંગે પોતાનો વ્યક્તિગત મત પણ રજૂ કરે છે. આ ટીકા અથવા તો ટિપ્પણી કે વ્યક્તિગત મત તેમના પ્રત્યેની નફરતમાંથી નહીં, પરંતુ એ વિશ્વાસમાંથી પેદા થાય છે કે સંબંધ એટલો મજબૂત છે કે તેમાં સુધારાની વાત કહી શકાય છે.
આ તો માત્ર પરિવારની વાત થઈ. પરિવારમાં આવું થવું ખૂબ જ સાહજિક છે. હવે આ જ વાત સંસ્થાઓ અને સમુદાયો ઉપર પણ લાગુ પડે જ છે. કોઈ સંસ્થાના સભ્ય હોવું એ માત્ર તેના ગુણગાન ગાવાની જવાબદારી નથી. સભ્યપદનો અર્થ એ પણ છે કે વ્યક્તિ સંસ્થાની અંદર રહેલી ખામીઓને ઓળખે અને તેને છતી કરવાની અને સંસ્થાના ઉપરીઓ કે સંચાલકો સામે રજૂ રાખવાની હિંમત કરે. જો કોઈ વિદ્યાર્થી પોતાની સ્કુલની કે પછી યુનિવર્સિટીની નીતિઓ પર સવાલ ઉઠાવે છે, તો તેનો અર્થ એ નથી કે તે સ્કૂલ અથવા તો યુનિવર્સિટીનો વિરોધી છે. તેવી જ રીતે ઓફિસમાં કે કોર્પોરેટ વર્લ્ડમાં પણ જો કોઈ કર્મચારી કંપનીની નીતિઓ અંગે પોતાનો મત વ્યક્ત કરે છે તો તે કંપનીનો વિરોધ નથી કરતો પણ તેને જ્યાં ખામી જણાય છે તેને અભિવ્યક્ત કરે છે. પરસ્પર સમજાવટથી કે અનુકુલનથી તેને દૂર કરવાનો સભાનતા સાથે પ્રયાસ થવો જોઈએ.
આ તમામ બાબતો શહેર, રાજ્ય કે દેશને પણ લાગુ પડે જ છે. શહેરમાં થઈ રહેલા ફેરફાર, વહિવટી તંત્રની નીતિઓ, રાજ્ય સરકારના નિર્ણયો, કેન્દ્ર સરકારની નીતિઓ કે પછી નિયમોના અમલીકરણ સામે સામાન્ય પ્રજાને વાંધો પડે ત્યારે તેને પહેલાં સાંભળવો અને સમજવો પડે. સૌથી મહત્ત્વની વાત એવી છે જે અત્યારે દુનિયાના ઘણા દેશોમાં ઘર કરી ગઈ છે. આ દેશોમાં એવું જડ તંત્ર સંચાલનમાં આવી ગયું છે કે, દેશની સરકારના નિર્ણયો, તેની નીતિઓ કે અભિગમનો તેઓ વિરોધ કરે છે ત્યારે તેમને દેશદ્રોહી માની લેવામાં આવે છે. તેઓ દેશ, સમાજ, સમુદાયો અને દેશની પ્રજાનો વિરોધ કરનારા આતંકીઓ જેવા જાહેર કરી દેવામાં આવે છે. ઘણી વખત કોઈ વ્યક્તિ પોતાના ધાર્મિક સમુદાય અથવા સંપ્રદાયના નિયમો કે પરંપરા અંગે પોતાનો મત વ્યક્ત કરે ત્યારે તેને પણ નાસ્તિક અને વિધર્મી જાહેર કરી દેવામાં આવે છે.
અફસોસની વાત એ છે કે આજે લોકોની માનસિકતા જ એવી કરી નાખવામાં આવી છે જેમાં કોઈપણ બાબતની ટીકા કરવી તે વફાદારીનો વિરોધ કરવા જેવી સ્વીકારી લેવામાં આવી છે. એવું માની લેવામાં આવ્યું છે કે સમર્થનનો અર્થ માત્ર પ્રશંસા છે, અંધભક્તિ છે અને શરણાગતિ છે જ્યારે બીજી તરફ અસંમતિનો અર્થ માત્ર વિરોધ અને વિદ્રોહ માનવામાં આવે છે. કોઈ વ્યક્તિ, સંસ્થા કે વિચાર પ્રત્યે સૌથી ઊંડું જોડાણ ઘણીવાર એ જ વ્યક્તિને હોય છે, જે તેની ખામીઓને ઓળખવાની અને તેને સુધારવાની ચિંતા કરે છે.
દેશમાં એવા ઘણા કેસ બન્યા છે જેમાં અસહમતી અને ટીકાને સીધો જ દેશદ્રોહ માની લેવામાં આવ્યો છે. આધુનિક ઈતિહાસની જ વાત કરીએ તો ભીમા કોરેગાંવ કેસમાં માનવાધિકાર કાર્યકરો, વકીલો અને લેખકો પર સરકારને ઉથલાવી પાડવાના અને હિંસા ભડકાવવાના આરોપો હેઠળ UAPA લગાવવામાં આવ્યો. નાગરિકત્વ સુધારા કાયદા (CAA) ના વિરોધ પ્રદર્શનો દરમિયાન અનેક વિદ્યાર્થી નેતાઓ અને કાર્યકરોની ધરપકડ UAPA હેઠળ થઈ.
આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા પર મુખ્યમંત્રીઓ કે વડાપ્રધાનની નીતિઓ અથવા વ્યક્તિગત આલોચના કરવા બદલ FIR થવી કે અટકાયત થવી સામાન્ય બની ગઈ છે. પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રીના મીમ શેર કરવા બદલ કે ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં શાસક પક્ષના નેતાઓની આકરી આલોચના કરતી પોસ્ટ લખવા બદલ સામાન્ય નાગરિકો કે રાજકીય કાર્યકરો પર ત્વરિત કાયદાકીય પગલાં લેવાયાના અગણિત દાખલા છે, જેને સુપ્રીમ કોર્ટે પણ ઘણીવાર વ્યક્તિગત સ્વતંત્રતા પર તરાપ ગણાવી છે. આવા તો અધધ દાખલા છે.
અંગ્રેજોના કાયદાની કલમ ૧૨૪-એનો ભારતમાં ભરપૂર દૂરુપયોગ થયો છે
જાણકારોના મતે સરકારી નીતિઓની ટીકા કરવી કે તેના વિશે કંઈ પણ અસહમતી વ્યક્ત કરવી તેને સરકારનો અને દેશો વિરોધ કે વિદ્રોહ કર્યાનું માની લેવું અંગ્રેજો દ્વારા શરૂ કરાયું હતું. ભારતને વર્ષો સુધી ગુલામ રાખનારા અંગ્રેજ અમલદારોએ પોતાની ટીકા કે અસહમતીને બ્રિટિશ રાજનો વિરોધ માની લીધો હતો. તેના કારણે જ આવા ભારતીયો સામે, ક્રાંતિકારીઓ સામે આકરા પગલાં લેવાતા અને દેશદ્રોહમાં અનેકને કાળાપાણીની સજા કરાતી અથવા મૃત્યુદંડ આપવામાં આવતો હતો. આઝાદી બાદ આ પ્રથા ભારતમાં નવા સ્વરૂપે આવતી ગઈ. સમયાંતરે વિવિધ સરકારોએ પોતાનાથી અસહમતી રજૂ કરનારને પકડવા કે તેમને વિદ્રોહી જાહેર કરવાના અવનવા રસ્તા શોધી કાઢયા હતા.
લોકોમાં ચર્ચા છે કે, દેશમાં કટોકટી લાગુ કરવામાં આવી તે પણ આવી જ એક નીતિનો ભાગ હતો. તે સમયે કલમ ૧૨૪-એ હેઠળ લાખો લોકો સામે પગલાં લેવામાં આવ્યા હતા. ૨૦૧૨-૧૩માં કુડનકુલમ અણુમથકનો વિરોધ કરનારા હજારો લોકો સામે સરકારે દેશદ્રોહના કાયદા હેઠળ ફરિયાદ દાખલ કરાવીને ઘણી લોકોની ધરપકડ કરી હતી. ૨૦૧૨માં ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન સમયે કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદી દ્વારા ભ્રષ્ટાચાર પર બનાવાયેલા કાર્ટૂનને રાજદ્રોહ ગણી ધરપકડ કરાઈ હતી. એ જ રીતે વિભિન્ન રાજ્યોમાં સરકારની વહીવટી નિષ્ફળતા કે કોવિડ-૧૯ના મિસમેનેજમેન્ટ પર અહેવાલ લખનારા પત્રકારો સામે પણ દેશદ્રોહ કે શાંતિ ડહોળવાના ગુના નોંધાયાના કિસ્સા સામે આવ્યા છે. જાણકારોના મતે અગ્રેજોની આ વિવાદિત કલમનો ઉપયોગ ૨૦૨૨ સુધી મનફાવે તેની સામે અને તેવી રીતે કરવામાં આવ્યો છે. સુપ્રીમની સતત ટકોર બાદ કેન્દ્ર સરકારે તેમાં ફેરફાર કર્યા છે.









