બાંગ્લાદેશ, પાક. અને મ્યાંમાર થકી ચીને ભારત પર ભીંસ વધારી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

અધધ લોન આપીને અને વિવિધ પ્રોજેક્ટમાં રોકાણ કરીને ચીને બાંગ્લાદેશને ગુલામ બનાવી દીધું હવે તેના દ્વારા ભારતની જાસુસી, ઘેરાબંદી કરવા ઈચ્છે છે
મોંગલા અને ચટગાંવ બંદરો ચીનને આપવા પાછળ માત્ર વેપાર કારણ નથી. ચીન અહીંયા જે આધુનિક ક્રેન અને લોજિસ્ટિક ડેવલપમેન્ટ કરી રહ્યુ છે તે બંગાળની ખાડીમાંથી પસાર થતા દરેક જહાજ અને સામાનની તથા સૈન્ય સપ્લાયની પણ પળેપળની માહિતી મેળવવા માગે છે : આ જગ્યા ભારતના કોલકાતાથી માત્ર ૮૦ કિ.મી દૂર આવેલી છે. ભારતીય સરહદની આટલી નજીક ખંધા ચીનની એન્ટ્રી ઘણા સમીકરણો બદલી શકે છે. જાણકારો માને છે કે, ચીન અહીંયા કોઈ માલગાડી ચલાવવાનું નથી કે વેપારી જહાજો પણ આવવાની નથી. ચીન અહીંયા જાસુસી સિસ્ટમ ડેવલપ કરવા માગે છે. તે પોતાની એડવાન્સ મરિન સર્વેલન્સ સિસ્ટમ અને ઈલેક્ટ્રોનિક જાસુસી સિસ્ટમ અહીંયા લાગવી દેશે : મોંગલા બંદર ભારતના હાથમાંથી જતું રહેતા જ ભારતનો મલ્ટિ મોડલ ટ્રાન્ઝિટ પ્લાન ઠપ થઈ ગયો છે. અહીંયાથી જ આપણા ઉત્તર-પૂર્વના રાજ્યોનો તમામ માલસામાન સસ્તા ભાવે વિદેશોમાં જતો હતો. આ ઉપરાંત આ દરિયાઈ રસ્તે જ થાઈલેન્ડ, વિયેતનામ, ઈન્ડોનેશિયા જેવા બજારોમાં પણ ભારત પોતાની પહોંચ વધારવા માટે સજ્જ હતું પણ હવે આ સપનું તૂટી ગયું છે
ચીન દાયકાઓથી ભારતને મિત્રતાની વાતો કરીને ફસાવી રહ્યો છે અને ભારત તેની જાળમાં ફસાતું પણ આવ્યું છે. અરુણાચલની જમીન હોય કે પછી લદાખના મેદાનો કે પછી ઘાટીઓ ચીને કાયમ ભારતને છેતર્યું છે. તેણે અત્યાર સુધી પાકિસ્તાનને પોતાનો હાથો બનાવેલો હતો. તેણે કંગાળ પાકિસ્તાનને અબજો રૂપિયાની લોન આપીને અને ત્યાં રોકાણ કરીને તેને ગુલામ બનાવી દીધું છે. હવે તેણે આવી જ રણનીતિ સાથે બાંગ્લાદેશને શકંજામાં લીધું છે. હકિકતે તે પાકિસ્તાન બાદ હવે બાંગ્લાદેશને ગુલામ બનાવીને ભારતી ઘેરાબંદી કરવા પ્રયાસ કરી રહ્યું છે. બંગાળની સાથે વેપાર, રોકાણ અને લોનના નામે તે એવી રણનીતિ બનાવી રહ્યું છે કે, ભારતને બંગાળની ખાડીમાં અને તેના પૂર્વત્તોર રાજ્યોને સરળતાથી નુકસાન પહોંચાડી શકાય.
હાલમાં સૌથી મોટી ચિંતા મોંગલા બંદરની છે. અહેવાલો પ્રમાણે બાંગ્લાદેશે આ બંદરની ૧૧૦ એકર જમીન ઈકોનોમિક ઝોનના નામે ચીની સરકારી કંપનીને આપી દીધી છે. આશ્ચર્યની વાત એ છે કે, ૨૦૧૫ના સોદા પ્રમાણે આ જગ્યા ભારતને આપવાનું નક્કી થયું હતું પણ બાંગ્લાદેશની નવી સરકારે વિશ્વાસઘાત કરીને ચીનને આ જગ્યા ભેટ ધરી દીધી છે.
આપણા સુરક્ષા અધિકારીઓ હવે જણાવે છે કે, મોંગલા અને ચટગાંવ બંદરો ચીનને આપવા પાછળ માત્ર વેપાર કારણ નથી. ચીન અહીંયા જે આધુનિક ક્રેન અને લોજિસ્ટિક ડેવલપમેન્ટ કરી રહ્યુ છે તે બંગાળની ખાડીમાંથી પસાર થતા દરેક જહાજ અને સામાનની તથા સૈન્ય સપ્લાયની પણ પળેપળની માહિતી મેળવવા માગે છે. તે વેપારના નામે ભારતની જાસુસી કરવા માગે છે. જાસુસીનો ભય માત્ર દરિયામાં જ નથી. તે બાંગ્લાદેશમાં રહીને ભારતીય સેનાના સિગ્નલોની પણ જાસુસી કરી શકે છે. તે એવા ઈલેક્ટ્રોનિક ડિવાઈસ લગાવી શકે છે જે પશ્ચિમ બંગાળના સુકનામાં આવેલા આપણા સૈન્યના રેડિયો અને રડાર સિગ્નલો સરળતાથી પકડી લે.
ઉલ્લેખનીય છે કે, ભારતે ઘણા સમયતી જે એક્ટ ઈસ્ટ પોલિસી બનાવી છે અને પૂર્વની સુરક્ષાના જે ચક્રવ્યૂહ તૈયાર કર્યો છે તેને બાંગ્લાદેશ અને ચીનની આ મિલિભગતથી મોટો ઝાટકો લાગી શકે તેમ છે. બાંગ્લાદેશે જે રીતે એકાએક પોતાની પોલિસીઓ બદલીને મોંગલા પોર્ટ ભારતના બદલે ચીનને આપી દીધો તે જણાવે છે કે, ચીનના પૈસા આગળ બાંગ્લાદેશ વેચાઈ ગયું છે. તેણે મોંગલા, ચટગાંવ ખાતે ચીનને રડાર અને સોનાર સિગ્નલના પરમેનન્ટ ઠેકાણા આપી દીધા છે. સ્થિતિ એવી થઈ છે કે, હવે કોલકાતાથી હલ્દિયા સુધી ચીન સરળતાથી ભારત ઉપર જાસુસી કરી શકશે. આ સિવાય કોલકાતા કે વિશાખાપટ્ટનમથી કોઈ જહાજ કે સૈન્ય જહાજ નીકળશે તો ચીન સરળતાથી તેને ટ્રેસ કરી શકશે અને તેની તમામ ગતિવિધિઓ ઉપર નજર રાખી શકશે.
મહત્ત્વની વાત એ છે કે, બાંગ્લાદેશે એકાએક ચીનને જે ભેટ આપી દીધી છે તે ભારત માટે અત્યંત જોખમી છે. ચાઈના સિવિલ એન્જિનિયરિંગ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન નામની ચીની સરકારી કંપની દ્વારા મોંગલા પોર્ટનું ડેવલપમેન્ટ અને કન્ટ્રોલનું કામ લેવામાં આવ્યું છે. આ લોકેશન ચીન પાસે જવાથી તેના ભયસ્થાનો મોટાપાયે વધી ગયા છે. આ જગ્યા ભારતના કોલકાતાથી માત્ર ૮૦ કિ.મી દૂર આવેલી છે. ભારતીય સરહદની આટલી નજીક ખંધા ચીનની એન્ટ્રી ઘણા સમીકરણો બદલી શકે છે. જાણકારો માને છે કે, ચીન અહીંયા કોઈ માલગાડી ચલાવવાનું નથી કે વેપારી જહાજો પણ આવવાની નથી. ચીન અહીંયા જાસુસી સિસ્ટમ ડેવલપ કરવા માગે છે. તે પોતાની એડવાન્સ મરિન સર્વેલન્સ સિસ્ટમ અને ઈલેક્ટ્રોનિક જાસુસી સિસ્ટમ અહીંયા લાગવી દેશે. ચીની સેના કોલકાતા અને હલ્દિયા પોર્ટની તમામ જાણકારી મેળવી શકશે. એક સમયે ભારત માટે મિત્ર ગણાતું મોંગલા પોર્ટ હવે ચીની જાસુસીનો અડ્ડો બની જશે.
આંતરરાષ્ટ્રીય સ્તરે પણ જાણકારો માને છે કે, તારિક રહેમાન સરકારે સમજી વિચારીને આ ગેમ પ્લાન બનાવ્યો છે. બાંગ્લાદેશ હવે કોઈપણ ભોગે ભારતના ટ્ર્રાન્સપોર્ટ અને ટ્રાન્ઝિટ નેટવર્ક ઉપર પોતાની નિર્ભરતા ઓછી કરવા માગે છે. બાંગ્લાદેશ માને છે કે, ચીન દ્વારા કરોડો યુઆનનું રોકાણ કરીને મોંગલા પોર્ટને અત્યાધુનિક બનાવી દેવાશે. તેના પગલે તે કોલકાતા પોર્ટને ઠેંગો બતાવવા માગે છે. તે પોતાનો તમામ વૈશ્વિક વેપાર હવે ચીનના ઈશારે ચાલતા સામુદ્રિક રસ્તે જ કરવા સજ્જ થઈ ગયું છે. તેના કારણે જ તેણે મોંગલા પાસે ૧૧૦ એકર જમીન પણ ચીની કંપનીને રિઝર્વ કરીને આપી દીધી છે. ચીનના લોકો અને ખાસ કરીને સૈનિકો અને મજૂરોને બાંગ્લાદેશમાં લાવવા અને ત્યાં રોકાવા માટે બાંગ્લાદેશે પોતાની સ્થાનિક સ્કૂલોમાં ચીની ભાષા શીખવવાની શરૂઆત કરાવી દીધી છે. હકિકતે આ આંતરરાષ્ટ્રીય કૂટનીતિ નહીં પણ ચીનની રીતસરની ગુલામી જ છે.
ચિંતાજનક વાત એ છે કે, મોંગલા બંદર ભારતના હાથમાંથી જતું રહેતા જ ભારતનો મલ્ટિ મોડલ ટ્રાન્ઝિટ પ્લાન ઠપ થઈ ગયો છે. ભારત વરસોથી પોતાની એક્ટ ઈસ્ટ પોલિસી હેઠળ મોંગલાને પોતાના જાદુઈ રસ્તા જેવું મનાતું હતું. અહીંયાથી જ આપણા ઉત્તર-પૂર્વના રાજ્યોનો તમામ માલસામાન સસ્તા ભાવે વિદેશોમાં જતો હતો. આ ઉપરાંત આ દરિયાઈ રસ્તે જ થાઈલેન્ડ, વિયેતનામ, ઈન્ડોનેશિયા જેવા બજારોમાં પણ ભારત પોતાની પહોંચ વધારવા માટે સજ્જ હતું પણ હવે આ સપનું તૂટી ગયું છે. ભારતે જે અબજો રૂપિયાનું રોકાણ અહીંયા કર્યું હતું તેની સામે અનેકગણું રોકાણ ચીને કરીને બાંગ્લાદેશ પાસેથી મનમાની કરાવવાનું શરૂ કરી દીધું છે. તેના કારણે જ ભારતની ઈસ્ટ બિઝનેસ પોલિસીને પણ વ્યાપક નુકસાન જાય તેવું દેખાઈ રહ્યું છે.
ચીન માત્ર એક જ બંદર લઈને શાંત નથી બેસી રહ્યું. તેણે ભારતને ચારે તરફથી ઘેરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેણે ભારતના પૂર્વોત્તરના રાજ્યોનો સકંજો કસવાની શરૂઆત કરી હોય તેમ દેખાઈ રહ્યું છે. જેવું બાંગ્લાદેશ તેને ઘુંટણીયે પડયું કે તેણે તરત જ તીસ્તા નદી ઉપર એક વિવાદિત અને વિશાળ ડેમ બનાવવાની કામગીરીની ઝડપ વધારી દીધી છે. તીસ્તા નદીનું પાણી ભારત માટે કેટલું મહત્ત્વનું છે તે ચીન જાણે છે તેથી જ તેણે આ જગ્યા દબાવવા માટે આ મેલી મથરાવટી ઘસી છે. આ ઉરપાંત તેણે ચીન-મ્યાંમાર-બાંગ્લાદેશ ઈકોનોમિક કોરિડોરની કામગીરીમાં પણ તેજી લાવી દીધી છે. તે દરિયા, નદી અને રસ્તા દ્વારા ભારતની પૂર્વી સરહદોને ઘેરવા માગે છે. ત્યાં તે પોતાના રસ્તા, રડાર, બ્રિજ, મિલિટરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવીને ભારત માટે મોટા પડકારોનું સર્જન કરી રહ્યું છે. હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે, બાંગ્લાદેશ હવે ભારતનું મિત્ર નથી. તે ચીની પૈસા આગળ ઘુંટણીયે પડી ગયું છે. તેના માટે તેણે ચીનને ભારતની સરહદોની નજીકના વિસ્તારો ભેટ ધરી દીધા છે.
ભારતની કૂટનીતિ અને વિદેશનીતિ નહીં સુધરે તો મોટું નુકસાન થશે
ભારતની નેબરહુડ ફર્સ્ટની નીતિને પગલે બાંગ્લાદેશે ઘણું નુકસાન કર્યું છે. હજી પણ તે મોટું નુકસાન કરવાની ફિરાકમાં છે. ભારતમાં જે રીતે છેલ્લાં એક દાયકાથી વિદેશનીતિ અને કૂટનીતિની સ્થિતિ ખરાબ થયેલી છે તેના પગલે ભારતની વૈશ્વિક અસરો ઘટી ગઈ છે. ભારતની જે છબી હતી, ભારતની વાતનું જે વજન પડતું હતું તેમાં ઘણો ઘટાડો જોવા મળી રહ્યો છે. ભારતની વિદેશનીતિની નિષ્ફળતાના પાપે હવે સ્થાનિક ધોરણે પણ ઘણા પડકારો ઊભા થવા લાગ્યા છે. હાલમાં બાંગ્લાદેશે જે ચીન સાથે સોદા કર્યા છે તેના પગલે ભારતને હવે માત્ર સરહદ સુરક્ષિત કરવાથી કોઈ લાભ થવાનો નથી. ભારતે હકિકતે તો રાજકીય ચર્ચા, આથક સહયોગ અને જનસંપર્ક સ્તરે બાંગ્લાદેશને પોતાની તરફ ખેંચી લેવું જોઈએ. પાડોશી દેશો જે રીતે ધીમે ધીમે ભારતના વિરોધીઓ સાથે જોડાઈ રહ્યા છે તે અત્યંત જોખમી સ્થિતિ છે. તેમાંય બાંગ્લાદેશે જે રીતે જેએફ-૧૭ સોદો કર્યો છે તે સાઉથ એશિયામાં સૌથી મોટું શક્તિ સંતુલન વિખેરી શકે છે. ભારત માટે એક સમયે આ વિમાન પણ મોટો ખતરો નથી પણ પાડોશમાં રહેલા મિત્રના નામે શત્રુઓના ગુલામો વધારે જોખમી છે. તેણે તાકીદે રણનીતિ બદલીને ભારતને સાથ આપવો પડશે તેવું દબાણ લાવવું પડશે નહીંતર ભારતને ખૂબ જ નુકસાન જશે.
ચીન હવે બાંગ્લાદેશની સેના ઉપર પણ કન્ટ્રોલ ઈચ્છી રહ્યું છે
સ્પષ્ટપણે જાણકારો માને છે કે, ચીનની રણનીતિ માત્ર રોકાણ કરવાની કે પ્રોજેક્ટ શરૂ કરવાની હોતી નથી. તે બાંગ્લાદેશને મોટાપાયે હથિયારો પણ વેચે છે. બીજી તરફ આવા રોકાણ કરીને, પ્રોજેક્ટ વિકસાવીને તે બાંગ્લાદેશ ઉપર લાંબા સમય સુધી પોતાનો પ્રભાવ વધારવા માગે છે. બાંગ્લાદેશ ઘણા વખતથી ચીની હથિયારો ખરીદી રહ્યું છે. હાલમાં પણ બાંગ્લાદેશની નૌસેનામાં ચીની સબમરીન, ફ્રિગેટ્સ અને કોર્વેટ્સ છે. તે ઉપરાંત બાંગ્લાદેશની સેના પાસે જે હથિયારો છે તેમાંથી મોટાભાગના હવે ચીની હથિયારો થઈ ગયા છે. એક અહેવાલ જણાવે છે કે, જો હવે બાંગ્લાદેશ ચીન-પાકિસ્તાનના જેએફ-૧૭ ઉપર આધાર રાખવા લાગે તો બાંગ્લાદેશની એરફોર્સ ઉપર પણ તેનો કબજો થઈ જશે. આ રીતે બાંગ્લાદેશના સૈન્યની તમામ પાંખ ઉપર ચીનનો કબજો વધારે મજબૂત થશે. ધીમે ધીમે આ તમામ સાધનો લીધ બાદ તેના સ્પેરપાર્ટ્સ, સોફ્ટવેર અપડેશન, ટ્રેનિંગ અને મેન્ટેનન્સ માટે બાંગ્લાદેશે ફરજિયાત ચીન ઉપર જ આધાર રાખવો પડશે. તેના થકી ચીન ભારતની નજીક આવેલી સરહદો ઉપર પોતાની સૈન્ય પકડ મજબૂત બનાવી લેશે. જે ભવિષ્યમાં ભારત માટે મોટો પડકાર બની શકે છે.









