લોહીથી ખરડાયેલી સત્તા અને પાંગળું ન્યાયતંત્ર : માણસની કિંમત નજીવા રૂપિયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- દેશમાં ઈમારતોમાં આગ લાગવી કે ઈમારત પડવા જેવી ઘટનાઓમાં માત્ર જવાબદારીઓની ખો અપાય છે, પગલાં લેવાતા નથી
- સત્તાધીશો તેને 'દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત' ગણાવીને શોક સંદેશા પાઠવે છે, વળતરના ચેક વહેંચે છે અને તપાસ સમિતિઓના નામે ઢાંકપિછોડો કરી દે છે. લોકોમાં સ્પષ્ટ રોષ છે કે, આ કોઈ અકસ્માતો નથી; આ ભારતના સડેલા, ભ્રષ્ટ વહીવટીતંત્ર, કઠપૂતળી સમાન બની ગયેલા કાયદા અને ગોકળગાયની ગતિએ ચાલતા ન્યાયતંત્ર દ્વારા આચરવામાં આવતી સુનિયોજિત સંસ્થાકીય હત્યાઓ છે : દેશમાં ગાયની રક્ષા માટે સેંકડો કાયદા બની શકે છે, રાજકીય વિરોધીઓને જેલભેગા કરવા રાતોરાત કાયદા બની શકે, રાજકીય વિરોધીઓ કે વિચારધારાના વિરોધીઓના ઘરે, ઓફિસે કે પછી અન્ય સ્થળોએ અડધી રાતે બુલડોઝર દોડી શકે છે, પણ નિર્દોષ નાગરિકોને અગ્નિકુંડ કે કાટમાળમાં હોમાતા બચાવવા માટે કોઈ કાયદો બનતો નથી.
દિલ્હીમાં જે હોસ્ટેલ પડવાની ઘટના બની તેના પગલે સાત નિર્દોષોએ જીવ ગુમાવ્યા છે. હવે આ કેસમાં વારંવાર કાયદાની ઢાંકપીછોડ ચાલશે, નિર્દોષો અથવા તો ઓછા દોષિત અધિકારીઓની શોધ કરવામાં આવશે, તેમની બદલી કરવામાં આવશે અથવા સસ્પેન્ડ કરવામાં આવશે. જે મોટા ગુનેગારો છે તે એસી કેબિનોમાં બેસીને આ ઘટના વિશે શોક વ્યક્ત કરશે, સોશિયલ મીડિયામાં છાજીયા લેશે અને પ્રજાની સહાનુભુતી મેળવવાના ધતિંગ કરશે.
હકિકતે દેશની રાજધાની દિલ્હીથી લઈને ગુજરાતના ઔદ્યોગિક શહેરો અને દેશના અન્ય મોટા અને નાના શહેરો સુધી, ઈમારતોના કાટમાળ નીચે કચડાઈને મરતા લોકો, હોસ્પિટલોના આઈસીયુમાં જીવતા ભુંજાઈ ગયેલા નવજાત શિશુઓ અને બેઝમેન્ટમાં ડૂબી ગયેલા આશાસ્પદ યુવાનોના મોતના અહેવાલો હવે રોજિંદા સમાચાર બની ગયા છે. સત્તાધીશો તેને 'દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત' ગણાવીને શોક સંદેશા પાઠવે છે, વળતરના ચેક વહેંચે છે અને તપાસ સમિતિઓના નામે ઢાંકપિછોડો કરી દે છે. લોકોમાં સ્પષ્ટ રોષ છે અને ચર્ચા છે કે, આ કોઈ અકસ્માતો નથી; આ ભારતના સડેલા, ભ્રષ્ટ વહીવટીતંત્ર, કઠપૂતળી સમાન બની ગયેલા કાયદા અને ગોકળગાયની ગતિએ ચાલતા ન્યાયતંત્ર દ્વારા આચરવામાં આવતી સુનિયોજિત સંસ્થાકીય હત્યાઓ છે.
આ દેશમાં ગાયની રક્ષા માટે સેંકડો કાયદા બની શકે છે, રાજકીય વિરોધીઓને જેલભેગા કરવા રાતોરાત કાયદા બની શકે, રાજકીય વિરોધીઓ કે વિચારધારાના વિરોધીઓના ઘરે, ઓફિસે કે પછી અન્ય સ્થળોએ અડધી રાતે બુલડોઝર દોડી શકે છે, પણ નિર્દોષ નાગરિકોને અગ્નિકુંડ કે કાટમાળમાં હોમાતા બચાવવા માટે કાયદાઓ અસ્તિત્વમાં છે પરંતુ ન્યાયતંત્ર એટલું પાંગળું છે કે ન્યાય હવે ન્યાયાધીશની મનસુફી પર અપાય છે. આ દેશમાં પૈસા સંપત્તિ સત્તાના જોરે ગુનેગારો માટે ન્યાયતંત્ર એ કવચ છે, ઢાલ બની રહ્યું છે અને માટે જ આ દેશમાં ગુનેગારી ફુલીફાલી રહી છે.
માત્ર કાગળના વાઘ અને અથવા તો નહોર વગરના વાઘ જેવા આ કાયદા હોય છે જેમાં મેળાપીપણા સિવાય કોઈ કામ થતું નથી.
દેશમાં છેલ્લા પાંચ વર્ષોમાં બનેલી અકસ્માતની આવી જ મોટી ઘટનાઓ કોઈ આકસ્મિક આપત્તિ નહોતી. તે દરેક ઘટના પહેલાં સિસ્ટમને ચેતવણીઓ અપાઈ હતી, અરજીઓ થઈ હતી અને અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. પરંતુ લાંચના પેકેટ સામે તંત્રના કાન અને આંખ બંને બંધ હતા. ગુજરાતની જ વાત કરીએ તો ૨૦૨૪માં રાજકોટમાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ થયો હતો. ભ્રષ્ટાચારની ભઠ્ઠીમાં ૨૭ નિર્દોષ જીવ હોમાઈ ગયા હતા. રાજકોટમાં કોઈપણ પ્રકારની ફાયર એનઓસી, બાંધકામ મંજૂરી કે ઈમરજન્સી એક્ઝિટ વગર એક વિશાળ ટીનશેડમાં ગેમઝોન ચાલતો રહ્યો. મ્યુનિસિપલ કમિશનર, ટાઉન પ્લાનિંગ ઓફિસરો અને પોલીસ અધિકારીઓ ત્યાં તાળીઓ પાડીને ફોટા પડાવતા રહ્યા. જ્યારે આગ લાગી ત્યારે ૨૭ નિર્દોષ માણસો, જેમાં માસુમ બાળકો પણ સામેલ હતા, જીવતા ભૂંજાઈ ગયા. તેમના શબ એટલી હદે બળી ગયા કે ઓળખવા માટે ડીએનએ ટેસ્ટ કરવા પડયા. દુર્ઘટના પછી શું થયું? બે-ચાર નીચલા સ્તરના એન્જિનિયરો સસ્પેન્ડ થયા, થોડા દિવસ મોટો દેખાડો થયો અને આજે મામલો ફાઈલોમાં ધૂળ ખાઈ રહ્યો છે.
તેવી જ રીતે ૨૦૨૪માં જ દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્ર નગર ખાતે ેંઁજીભ પાસ કરવા આવેલા શ્રેયા, તાન્યા અને નવીન નામના ત્રણ તેજસ્વી યુવાનો બેઝમેન્ટમાં ડૂબી ગયા હતા.
દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્ર નગરમાં એક કોચિંગ સેન્ટરના ગેરકાયદે બેઝમેન્ટમાં લાઈબ્રેરીમાં અભ્યાસ કરતા હતા. ગટર અને ડ્રેનેજ સિસ્ટમની નિષ્ફળતાને કારણે ગણતરીની મિનિટોમાં બેઝમેન્ટમાં ગંદુ પાણી ભરાઈ ગયું અને ત્રણેય વિદ્યાર્થીઓ ડૂબીને મરી ગયા. તેવી જ રીતે તે જ વર્ષે દિલ્હીના વિવેક વિહાર ખાતે ગેરકાયદે હોસ્પિટલમાં આગ લાગતા સાત નવજાતો ભુંજાઈ ગયા હતા. તંત્ર ત્યારે પણ રમત કરતું રહ્યું ન્યાતંત્ર તારીખોના કેલેન્ડર અને કલમો અને કાગળોની કડકાઈમાં અટવાતું રહ્યું.
આ પહેલાં ૨૦૨૨માં દિલ્હીના મુન્ડકા મેટ્રો સ્ટેશન નજીકની એક ચાર માળની ઈમારતમાં લાગેલી આગમાં ૨૭ લોકોએ જીવ ગુમાવ્યા. બિલ્ડિંગમાં બહાર નીકળવાનો માત્ર એક જ સાંકડો રસ્તો હતો. ફાયર સેફ્ટીના નામે ત્યાં કશું જ નહોતું. આ ઘટનાનું કોઈ કાયદાકિય પરિણામ આવ્યું નથી. તેવી જ રીતે ગુજરાતના મોરબીમાં ઘડિયાળ બનાવતી કંપની 'ઓરેવા'ને કોઈ પણ ટેન્ડરિંગ વગર, ફિટનેસ સર્ટિફિકેટ વગર સદી જૂનો પુલ ચલાવવા સોંપી દેવાયો. ક્ષમતા ૧૦૦-૧૫૦ માણસોની હતી અને ટિકિટો હજારોની સંખ્યામાં વેચાઈ અને વહેંચાઈ. પરિણામે મોરબીનો એ ઝુલતો પુલ તૂટયો અને ૧૩૫ લોકો મચ્છુ નદીમાં ડૂબીને મરી ગયા. આરોપીઓ જામીન ઉપર બહાર છે અને લોકોએ તો સ્વજનો ગુમાવી દીધા. અહીંયા ન્યાય તો થયો જ નથી.
ચિંતાજનક બાબત એ છે કે, જ્યારે પણ આવી કોઈ ભયાનક ઘટના બને છે, ત્યારે સરકાર અને વહીવટીતંત્ર લોકઆક્રોશ શાંત કરવા માટે એક પૂર્વ-નિર્ધારિત સ્ક્રિપ્ટ મુજબ કામ કરે છે. સૌથી પહેલાં તો જાડી ચામડીના અને સંવેદનાહીન નેતાઓ ધતિંગના ભાગ રૂપે એરકન્ડિશન્ડ ચેમ્બરમાં બેસીને સોશિયલ મીડિયામાં શોક વ્યક્ત કરે છે. ત્યારબાદ સ્થાનિક સરકાર દ્વારા કે વધીને કેન્દ્ર સરકાર દ્વારા ભીખ અપાતી હોય તેવી સહાય જારી કરાય છે.
મૃતકોના પરિવારજનોને ૨ લાખ કે ૪ લાખ રૂપિયા આપીને સરકાર એવો આભાસ ઊભો કરે છે કે જાણે માનવ જિંદગીની કિંમત ચૂકવી દેવાઈ.
ત્યારબાદ પટાવાળા, જુનિયર સબ-ડિવિઝનલ એન્જિનિયર કે કારકુનને સસ્પેન્ડ કરી દેવાય છે. પરંતુ જે મ્યુનિસિપલ કમિશનરો, આઈપીએસ કે મંત્રીઓની મંજૂરીથી આ ગેરકાયદે સામ્રાજ્ય ચાલતું હતું, તેમની સામે કોઈ આંગળી પણ ચીંધી શકતું નથી.
તેમાં વધુ એક ધતિંગ ઉમેરાય છે સિટની રચના. એક એવી સમિતિ બનાવાય છે, જેનો રિપોર્ટ ક્યારેય સાર્વજનિક થતો નથી અને જ્યારે તે આવે ત્યાં સુધીમાં લોકો બધું ભૂલી ચૂક્યા હોય છે. આ સિવાય દેખાડા પૂરતી અઠવાડિયું કે પંદર દિવસની એક ડ્રાઈવ કરવામાં આવે છે જેમાં મળતિયા ન હોય તેવા લોકોને પકડીને દંડ કરાય છે કે ત્યાં બુલડોઝર ચલાવાયા છે અને પછી બધું રાબેતા મુજબ ચાલવા લાગે છે.
પ્રજાનો પોકાર : ભ્રષ્ટ અધિકારીઓના બંગલા પર ક્યારે બુલડોઝર ફરશે
ભ્રષ્ટ અને પાંગળા સરકારી તંત્ર તથા ન્યાયતંત્ર સામે લોકોમાં આક્રોશ વધતો જાય છે. લોકોનું માનવું છે કે, ખરેખર દેશમાં નાગરિકોના જીવનું સન્માન કરવું હોય, તો હવે પોકળ આશ્વાસનો અને તપાસ પંચોથી આગળ વધવું પડશે. લોકોની સૌથી મોટી અને પહેલી માગણી છે કે, જો ગરીબ ફેરિયા કે સામાન્ય માણસના ગેરકાયદે ઓટલા પર બુલડોઝર ફરી શકતું હોય, તો જે ટાઉન પ્લાનર, ફાયર ઓફિસર કે કમિશનરની સહીથી આવી ગેરકાયદે મોતની ઈમારતો ઊભી થઈ હોય, તેમની કરોડોની બેનામી મિલકતો જપ્ત કરીને તેમના ઘરો પર બુલડોઝર કેમ નથી ચાલતું? લોકો એવું પણ કહી રહ્યા છે કે, કોઈપણ દુર્ઘટના બને ત્યારે સૌથી પહેલી એફઆઈઆર એ વિસ્તારના વોર્ડ ઓફિસર અને ફાયર ઓફિસર સામે 'સદોષ મનુષ્યવધ' હેઠળ નોંધાવી જોઈએ. સસ્પેન્શન એ કોઈ સજા નથી, એ તો પગાર સાથેની રજા સમાન છે. તેમાં સંડોવાયેલા પટાવાળાથી માંડીને નેતા સુધી તમામની સામે ફરિયાદ થવી જોઈએ અને તેમને કડક સજા થવી જોઈએ. આવા કેસોની સુનાવણી માટે વિશેષ ફાસ્ટ ટ્રેક અદાલતો સ્થપાવી જોઈએ, જેમાં ૯૦ દિવસની અંદર તમામ પુરાવા અને સાક્ષીઓની તપાસ પૂર્ણ કરી આજીવન કેદ સુધીની સજા ફટકારવી જોઈએ. લોકોનું માનવું છે કે, શહેરો અને રાજ્યોના નગરપાલિકા કે શહેરી વિકાસ મંત્રીઓ જ્યાં સુધી રાજીનામા નહીં આપે અને પોતાની નૈતિક જવાબદારી સ્વીકારશે નહીં, ત્યાં સુધી સરકારી તંત્ર ક્યારેય ગંભીર નહીં બને. જો આજે આપણે આ ભ્રષ્ટ અને નઘરોળ સિસ્ટમ, લાંચિયા બાબુઓ અને નિષ્ક્રિય ન્યાયતંત્ર સામે અવાજ નહીં ઉઠાવીએ, તો આપણે પણ આ સામૂહિક સંસ્થાકીય હત્યાઓના મૂક સમર્થક ગણાઈશું. હવે સરકારના દંભી આશ્વાસનો નહીં, ન્યાયના નામે દાખલારૂપ સજા જોઈએ છે!
ન્યાયતંત્રની આંખે પાટા : સામાન્ય માનવી માટે અંધ અને બહેરી અદાલતો
આ સમગ્ર દુર્ઘટનાઓમાં સૌથી મોટો ગુનેગાર જો કોઈ હોય, તો તે આપણું પાંગળું અને નબળું ન્યાયતંત્ર છે.
આવા કેસોમાં તારીખો આપવી, સરકારને લાલ આંખ બતાવવી અને તંત્રને કાગળ ઉપર ડરાવવું તેના સિવાય ન્યાયતંત્રમાં કશું જ થતું નથી. અત્યાર સુધી કોઈ અદાલતે કોઈપણ નેતા, મંત્રી કે સીએમ, પીએમને સજા ફટકારી હોય, કોઈ ઉચ્ચ અધિકારીને જેલમાં ધકેલી દીધો હોય તેવા કોઈ કિસ્સા નથી. આશ્ચર્યની વાત એ છે કે, ૧૯૯૭માં બનેલા ઉપહાર સિનેમા કાંડના પીડિતો ૨૫ વર્ષ સુધી કોર્ટના પગથિયાં ઘસતા રહ્યા. અંતે કરોડપતિ અંસલ બંધુઓને માત્ર દંડ ભરીને કે સામાન્ય જેલ ભોગવીને મુક્તિ મળી ગઈ. શું આને ન્યાય કહેવાય? બીજી કરુણતા એવી છે કે, ગરીબ માણસ ચોરીના આરોપમાં વર્ષો સુધી જેલમાં સબડે છે, પરંતુ સેંકડો લોકોને અગ્નિકુંડમાં હોમી દેનારા બિલ્ડરો અને ભ્રષ્ટ અમલદારો માટે દેશની ટોચની અદાલતોના દરવાજા રવિવારે પણ ખુલી જાય છે અને તેમને અઠવાડિયામાં આગોતરા કે નિયમિત જામીન મળી જાય છે. હવે તો આવા ગુનાઓને નવા કાયદાની નબળી કલમનોનો આધાર મળી ગયો છે.
નવા ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૬ હેઠળ આવી ઘટનાઓને સામાન્ય ગુનો ગણવામાં આવે છે, જેમાં સરળતાથી જામીન મળી જાય છે. જ્યાં સુધી આવા નરસંહારોને સદોષ માનવવધ કે હત્યા તરીકે ગણીને ફાંસી કે આજીવન કેદની સજા ફટકારવામાં નહીં આવે, ત્યાં સુધી ન તો બિલ્ડરો ડરશે કે ન તો ભ્રષ્ટ અધિકારીઓ કે પછી નેતાઓ અને રાજકારણીઓમાં કોઈ સુધારો આવે. ન્યાયાધીશો મોટી-મોટી ટિપ્પણીઓ કરે છે, સરકારોને 'ફટકાર' લગાવે છે, પણ અંતે એ ફટકાર માત્ર અખબારોની હેડલાઇન બનીને રહી જાય છે. જમીન પર કોઈ કડક સજા થતી નથી.




