News Focus

ડિગ્રીઓનો ઢગલો, કૌશલ્યનો દુકાળ અને રોજગારીના નામે પકોડા

By GS Team
27 Sep 20268 mins read
TukuTouch Logo
નીતિ આયોગના રિપોર્ટ મુજબ, ભારતમાં 15થી 29 વર્ષના આશરે 8.75 કરોડ યુવાનો NEET (Not in Education, Employment, or Training) સ્થિતિમાં છે. આ યુવાનો શિક્ષણ, રોજગાર કે તાલીમમાંથી કોઈ પણ ક્ષેત્રે સક્રિય નથી. 91.75% ગ્રેજ્યુએટ્સને લાયકાત મુજબ કામ નથી મળતું. આ સ્થિતિ દેશ માટે સામાજિક-આર્થિક જ્વાળામુખી સમાન છે, જે તેમને હતાશા અને ગુનાખોરી તરફ ધકેલી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ડિગ્રીઓનો ઢગલો, કૌશલ્યનો દુકાળ અને રોજગારીના નામે પકોડા
  • ૮.૭૫ કરોડ વસતી સાવ નિષ્કિય : યુવાનો નોટ ઈન એજ્યુકેશન, એમ્પ્લોયમેન્ટ ઓર ટ્રેઈનિંગ (NEET)ની સ્થિતિમાં
  • ઘરમાં નવરો બેઠેલો ગ્રેજ્યુએટ યુવાન ધીમે ધીમે પોતાના જ પરિવાર પર આર્થિક બોજ બનવા લાગે છે. પિતાની આંખોમાં રહેલી લાચારી અને સમાજના મહેણાં-ટોણાં તેને ધીમે ધીમે ઊંડી લઘુતાગ્રંથિ તરફ ધકેલે છે. માનસિક હતાશા, ચિંતા અને આક્રોશ આવા યુવાનને નશાના અંધકારમાં, ગુનાખોરીના રસ્તે કે પછી આત્મહત્યાના ઉંબરે ધકેલી દે છે : નીતિ આયોગનો આંકડો દર્શાવે છે કે દેશમાં માત્ર ૮.૨૫ ટકા સ્નાતકો જ એવા છે જેમને તેમની શૈક્ષણિક લાયકાત અને ડિગ્રીને અનુરૂપ વાસ્તવિક કામ મળી રહ્યું છે. બાકીના ૯૧.૭૫ ટકા ગ્રેજ્યુએટ્સ બજારની જરૂરિયાતો સામે સાવ નકામા સાબિત થઈ રહ્યા છે. તેથી જ જ્યારે સરકારી પટાવાળા, ચપરાસી કે સફાઈ કામદારની ૧૦૦ જગ્યાઓ માટે લાખો અરજીઓ આવે છે અને તેમાં બી.ટેક., એમ.બી.એ., એમ.એસસી. કે પીએચ.ડી. થયેલા લોકો હોય છે : વિશ્વ આજે ચોથી ઔદ્યોગિક ક્રાંતિના ઉંબરે ઊભું છે. આવનારા એકાદ દાયકામાં એ તમામ નોકરીઓ ધરતી પરથી ગાયબ થઈ જવાની છે જે રિપિટેટિવ છે. જૂની નોકરીઓ જશે, પણ નવી નોકરીઓનું અભૂતપૂર્વ વિશ્વ સામે આવી રહ્યું છે. પર્યાવરણ સંરક્ષણ અને ક્લાઇમેટ ચેન્જના પડકારોને કારણે આજે વૈશ્વિક સ્તરે ગ્રીન જોબ્સનું પ્રચંડ માર્કેટ ઊભું થઈ રહ્યું છે

ભારત સરકાર આજે સમગ્ર વિશ્વ સમક્ષ પોતાની સૌથી મોટી યુવા વસ્તીનું ઢોલ પીટી રહી છે. આંતરરાષ્ટ્રીય સેમિનારો, વિદેશી રોકાણકારોની બેઠકો અને રાજકીય મંચો પરથી વારંવાર એક જ આંકડો ફેંકવામાં આવે છે કે આપણી પાંસઠ ટકા વસ્તી પાંત્રીસ વર્ષથી ઓછી વયની છે. પરંતુ સત્તાધીશો અને નીતિ-ઘડવૈયાઓ એ કડવી વાસ્તવિકતા છુપાવી રહ્યા છે કે કેવળ શ્વાસ લેતી કરોડો યુવાનોની ભીડ દેશને સુપરપાવર બનાવી શકતી નથી. ઈતિહાસ સાક્ષી છે કે હાથ હોવા પૂરતા નથી, હાથમાં આવડત હોવી જરૂરી છે. જો દેશની અડધાથી વધુ વસ્તી દિશાવિહીન, બેરોજગાર અને કૌશલ્યહીન હોય, તો કહેવાતું આ ડેમોગ્રાફિક ડિવિડન્ડ કોઈ આશીર્વાદ નહીં, પરંતુ એક સળગતો સામાજિક-આર્થિક જ્વાળામુખી છે, જે ગમે ત્યારે દેશની સ્થિરતાને ભરખી શકે છે.
નીતિ આયોગના તાજેતરના અહેવાલે દેશના જર્જરિત શિક્ષણ તંત્ર અને કાગળની ડિગ્રીઓ છાપતી ફેક્ટરીઓ જેવી યુનિવર્સિટીઓના મોં પર એક એવો સણસણતો તમાચો માર્યો છે, જેનાથી આપણું બૌદ્ધિક જગત કદાચ હજી પણ અજાણ રહેવાનો ઢોંગ કરી રહ્યું છે. દેશમાં પંદરથી ઓગણત્રીસ વર્ષની વયજૂથના અંદાજે ૮.૭૫ કરોડ યુવાનો એક એવી નિષ્ક્રિય અવસ્થામાં જીવી રહ્યા છે, જેને અર્થશાની પરિભાષામાં NEET (Not in Education, Employment, or Training) કહેવામાં આવે છે. આનો સીધો, સપાટ અને નિર્દય અર્થ એ થાય છે કે આ કરોડો યુવાનો ન તો કોઈ શાળા, કૉલેજ કે યુનિવર્સિટીમાં શિક્ષણ લઈ રહ્યા છે; ન તેઓ કોઈ નાની-મોટી કાયદેસર નોકરી કે ધંધા સાથે જોડાયેલા છેત અને ન તો તેઓ ભવિષ્યમાં કામ આવી શકે તેવું કોઈ ટેકનિકલ કે વ્યાવસાયિક હુનર શીખી રહ્યા છે.
આજે આ વયના પોણા નવ કરોડ માનવ સંસાધનો સંપૂર્ણપણે 'શૂન્ય' અવસ્થામાં બેઠા છે. જ્યારે કોઈ રાષ્ટ્રની યુવા પેઢી લાચાર બનીને ઘરમાં કે ગામના ચોરે બેસી રહે છે, ત્યારે તેનાં પરિણામો માત્ર આર્થિક નથી હોતાં. ઘરમાં નવરો બેઠેલો ગ્રેજ્યુએટ યુવાન ધીમે ધીમે પોતાના જ પરિવાર પર આર્થિક બોજ બનવા લાગે છે. પિતાની આંખોમાં રહેલી લાચારી અને સમાજના મહેણાં-ટોણાં તેને ધીમે ધીમે ઊંડી લઘુતાગ્રંથિ તરફ ધકેલે છે. માનસિક હતાશા, ચિંતા અને આક્રોશ તેના મગજ પર કબજો જમાવી લે છે. આ એવી માનસિક સ્થિતિ છે જે યુવાનને નશાના અંધકારમાં, ગુનાખોરીના રસ્તે કે પછી આત્મહત્યાના ઉંબરે ધકેલી દે છે. આ આખી પેઢીના ભવિષ્યની સંભવિત પ્રતિભાની વ્યવસ્થિત હત્યા છે.
આજે દેશભરમાં ગલીએ-ગલીએ કૉલેજો અને ખાનગી યુનિવર્સિટીઓનું મશરૂમની જેમ સામ્રાજ્ય ફેલાયું છે. દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ કાળો ઝભ્ભો પહેરીને, હાથમાં લાલ રિબન બાંધેલી ડિગ્રીઓ હવામાં ઉછાળીને ફોટો પડાવે છે. પરંતુ આ ઉત્સવ જેવો માહોલ કૉલેજના દરવાજા બહાર નીકળતાં જ સ્મશાનવત સન્નાટામાં ફેરવાઈ જાય છે.
નીતિ આયોગનો આંકડો દર્શાવે છે કે દેશમાં માત્ર ૮.૨૫ ટકા સ્નાતકો જ એવા છે જેમને તેમની શૈક્ષણિક લાયકાત અને ડિગ્રીને અનુરૂપ વાસ્તવિક કામ મળી રહ્યું છે. આનો સીધો અર્થ એ થયો કે બાકીના ૯૧.૭૫ ટકા ગ્રેજ્યુએટ્સ બજારની જરૂરિયાતો સામે સાવ નકામા સાબિત થઈ રહ્યા છે. જ્યારે સરકારી પટાવાળા, ચપરાસી કે સફાઈ કામદારની ૧૦૦ જગ્યાઓ માટે લાખો અરજીઓ આવે છે અને તેમાં લાઈનમાં ઊભેલા યુવાનો બી.ટેક., એમ.બી.એ., એમ.એસસી. કે પીએચ.ડી. થયેલા હોય, ત્યારે આપણી આખી શિક્ષણ પ્રણાલીની નિષ્ફળતા પર રડવું કે હસવું તે સમજાતું નથી.
આપણે ક્યારેય વિચાર કર્યો છે કે, આ સ્થિતિ કેમ સર્જાઈ? કારણ કે આપણી યુનિવર્સિટીઓ જ્ઞાનના કેન્દ્રો મટીને 'ડિગ્રી વેચવાની દુકાનો' બની ગઈ છે. આપણી શાળાઓ અને કૉલેજોમાં આજે પણ એ જ સિલેબસ ભણાવવામાં આવે છે જે કદાચ ૧૯૮૦ કે ૧૯૯૦ના દાયકામાં પ્રસ્તુત હતો. આપણી શિક્ષણ પદ્ધતિ માત્ર સ્મૃતિ શક્તિ (ગોખપટ્ટીની આવડત) ચકાસે છે. વિદ્યાર્થીની સમસ્યા ઉકેલવાની ક્ષમતા, ક્રિટિકલ થિંકિંગ કે પછી પ્રેક્ટિકલ એપ્લિકેશનની ક્વોલિટી ઉપર ધ્યાન જ અપાયું નથી. એક એન્જિનિયર ચાર વર્ષ ભણીને બહાર આવે છે અને તેને ફેક્ટરીના સામાન્ય મશીનની ખામી પકડતાં નથી આવડતી, ત્યારે ઉદ્યોગો તેને નોકરી કેમ આપે?
આ ગંભીર અને ભયાનક રોગની સારવાર ઉપરછલ્લા મલમપટ્ટાથી શક્ય નથી. જો ભારતને સાચે જ મહાસત્તા બનવું હોય, તો આપણી શાળાકીય શિક્ષણ વ્યવસ્થાનું મૂળમાંથી સર્જિકલ આપરેશન કરવું પડશે. નીતિ આયોગે પણ આ જ વાતની ભલામણ કરી છે કે કૌશલ્ય વિકાસને કાલેજના છેલ્લા વર્ષ સુધી ટાળવાની આત્મઘાતી ભૂલ તાત્કાલિક બંધ કરવી જોઈએ. સૌપ્રથમ, ધોરણ ૬ થી જ વ્યાવસાયિક અને તકનીકી શિક્ષણ ફરજિયાત બનાવવું પડશે. બાળકોને નાનપણથી જ પુસ્તકીય કીડા બનાવવાને બદલે તેમના હાથમાં સાધનો, સર્કિટ અને ટેકનોલોજી આપવી જોઈએ. જર્મની અને જાપાન જેવા દેશો બીજા વિશ્વયુદ્ધમાં સંપૂર્ણ નષ્ટ થઈ ગયા પછી પણ આજે વિશ્વના આથક માંધાતા કેમ બન્યા? કારણ કે ત્યાંની શાળાઓમાં 'ડયુઅલ એજ્યુકેશન સિસ્ટમ' ચાલે છે. ત્યાં શાળાનો વિદ્યાર્થી અડધો સમય વર્ગખંડમાં ભણે છે અને અડધો સમય ફેક્ટરીમાં જઈને પોતાના હાથે કામ શીખે છે. ત્યાં પ્લમ્બર, સુથાર, ઈલેક્ટ્રિશિયન કે વેલ્ડરને ઉતરતી કક્ષાના ગણવામાં આવતા નથી, પરંતુ તેમને માનભેર ટેકનિશિયનનો દરજ્જો મળે છે. આપણા સમાજમાંથી શારીરિક શ્રમ પ્રત્યેની માનસિક હીનતા જ્યાં સુધી દૂર નહીં થાય, ત્યાં સુધી લાખો યુવાનો કાગળની ડિગ્રીઓ પકડીને માત્ર સરકારી બાબુ બનવાની નિરર્થક આશામાં પોતાની જિંદગીના શ્રેષ્ઠ વર્ષો વેડફતા રહેશે.
વિશ્વ આજે ચોથી ઔદ્યોગિક ક્રાંતિના ઉંબરે ઊભું છે. આવનારા એકાદ દાયકામાં એ તમામ નોકરીઓ ધરતી પરથી ગાયબ થઈ જવાની છે જે રિપિટેટિવ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ અને મશીન લર્નિંગ સામાન્ય ક્લાર્ક, ડેટા એન્ટ્રી કે બેંકિંગ સ્તરની લાખો નોકરીઓ છીનવી રહ્યા છે. પરંતુ આ સિક્કાની બીજી બાજુ પણ છે. જૂની નોકરીઓ જશે, પણ નવી નોકરીઓનું અભૂતપૂર્વ વિશ્વ સામે આવી રહ્યું છે. પર્યાવરણ સંરક્ષણ અને ક્લાઇમેટ ચેન્જના પડકારોને કારણે આજે વૈશ્વિક સ્તરે ગ્રીન જોબ્સનું પ્રચંડ માર્કેટ ઊભું થઈ રહ્યું છે.
સોલાર પેનલ્સનું ઉત્પાદન, તેનું ઇન્સ્ટોલેશન, વિન્ડ ટર્બાઇનનું સંચાલન અને પાવર ગ્રીડ મેનેજમેન્ટ માટે લાખો ટેકનિશિયનોની તાતી જરૂરિયાત છે. પરંપરાગત પેટ્રોલ-ડીઝલ એન્જિન મિકેનિક્સ હવે અપ્રસ્તુત થઈ રહ્યા છે. બજારને લિથિયમ-આયન બેટરી રિપેરિંગ, ઇલેક્ટ્રિક મોટર એસેમ્બલી, બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ્સ (BMS) અને સ્માર્ટ ચાર્જિંગ સ્ટેશનોના નિષ્ણાતોની જરૂર છે. ડ્રોન દ્વારા ખેતરોનું સર્વેક્ષણ, જંતુનાશકોનો ચોક્કસ છંટકાવ, સેન્સર આધારિત સિંચાઈ અને હાઇડ્રોપોનિક્સ જેવી નવી પદ્ધતિઓ ગામડાંના યુવાનો માટે રોજગારના નવા દરવાજા ખોલી રહી છે. જેમ જેમ અર્થતંત્ર ડિજિટલ બની રહ્યું છે, તેમ સાયબર સિક્યોરિટી અને ડેટા એનાલિટિક્સના ક્ષેત્રમાં લાખો નિષ્ણાતોની અછત વર્તાઈ રહી છે. આવા અનેક સેક્ટરમાં સ્કિલ ડેપલમેન્ટ થકી લાખો રોજગાર ઊભા કરી શકાય તેમ છે.
આટલા વિશાળ રાષ્ટ્રમાં માત્ર સરકારના બજેટ કે નીતિઓથી આ સંકટ ઉકેલી શકાય નહીં. દેશના ઔદ્યોગિક ગૃહોએ પણ પોતાની સામાજિક જવાબદારી સમજવી પડશે. ઉદ્યોગો માત્ર તૈયાર માનવબળની અપેક્ષા રાખે અને કૉલેજો માત્ર જૂનો અભ્યાસક્રમ ભણાવ્યા કરે. આ અસમંજસ હવે ચલાવી શકાય નહીં. હવે દરેક કૉલેજ અને ડિગ્રી પ્રોગ્રામમાં એક વર્ષની પેઇડ ઇન્ટર્નશિપ ફરજિયાત બનાવવી જોઈએ. ઉદ્યોગોએ પોતાના દરવાજા વિદ્યાર્થીઓ માટે ખોલવા પડશે. યુનિવર્સિટીના બોર્ડ ઓફ સ્ટડીઝમાં શિક્ષણવિદો સાથે ઉદ્યોગ જગતના ટેકનિકલ હેડ્સ બેસવા જોઈએ, જેથી બજારની જરૂરિયાત મુજબ દર છ મહિને અભ્યાસક્રમ અપડેટ થઈ શકે. કંપનીઓના કરોડો રૂપિયાના CSR ફંડને માત્ર બગીચા બનાવવા કે પ્રચાર કરવામાં વેડફવાને બદલે છેવાડાના વિસ્તારોમાં હાઇ-ટેક સ્કિલ સેન્ટર્સ સ્થાપવા માટે ફરજિયાત વાપરવું જોઈએ.

એજ્યુકેશનના કારખાનાઓમાં મધ્યમવર્ગનું શોષણ અને મોંઘી સ્કિલ ટ્રેનિંગનો વ્યાપાર
ભારતના ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે પોતાના દીકરા કે દીકરીને કૉલેજ ભણાવવી એ જીવન-મરણનો સવાલ હોય છે.
એક સામાન્ય પિતા પોતાની જમીન ગીરવે મૂકીને, પ્રોવિડન્ટ ફંડ ઉપાડીને કે ઊંચા વ્યાજે લોન લઈને સંતાનોને ડિગ્રી અપાવે છે. એ આશા સાથે કે ડિગ્રી મળશે એટલે ગરીબીના દિવસો પૂરા થશે. પરંતુ ડિગ્રી મળ્યા પછી યુવાન જ્યારે કડવી વાસ્તવિકતા સાથે અથડાય છે, ત્યારે તેને ખબર પડે છે કે આ કાગળિયાથી દસ હજારની નોકરી પણ મળવી મુશ્કેલ છે.
બજારમાં ટકી રહેવા માટે તેને ડેટા સાયન્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્લાઉડ કમ્પ્યુટિંગ, ડિજિટલ માર્કેટિંગ કે હાઇ-ટેક મશીન ઓપરેશન જેવા કૌશલ્યો શીખવા પડશે.
અહીં શરૂ થાય છે ખાનગી કોચિંગ અને ટ્રેનિંગ ઇન્સ્ટિટયૂટોની ખુલ્લો લૂંટફાટ. આ સંસ્થાઓ આધુનિક કૌશલ્ય શીખવવાના નામે લાખો રૂપિયાની ફી વસૂલે છે.
જે પરિવાર પહેલાંથી જ એજ્યુકેશન લોનના બોજ હેઠળ દબાયેલો છે, તે આ વધારાના બે-ત્રણ લાખ રૂપિયા ક્યાંથી લાવે? પરિણામે, લાચાર બનેલો યુવાન હાર માની લે છે અને પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે ફૂડ ડિલિવરી બોય, સિક્યોરિટી ગાર્ડ, કૉલ સેન્ટર એક્ઝિક્યુટિવ કે ડેટા એન્ટ્રી ઓપરેટર જેવી અસંગઠિત ક્ષેત્રની નજીવી નોકરીઓમાં જોડાઈ જાય છે. આ નોકરીઓમાં કોઈ સુરક્ષા હોતી નથી. દિવસના બાર-બાર કલાક કામ કરવા છતાં એટલું વેતન પણ નથી મળતું કે મહિને બે પૈસાની બચત થઈ શકે.
પાંચ વર્ષ પછી પણ તે એ જ સ્થાને ઊભો હોય છે જ્યાંથી તેણે શરૂઆત કરી હતી. આખરે શારીરિક અને માનસિક રીતે ભાંગી પડેલો યુવાન આ અસ્થાયી કામો પણ છોડી દે છે અને કાયમી બેરોજગારોની કતારમાં ઊભો રહી જાય છે. આ દેશની સંપત્તિનો કેટલો મોટો વ્યય છે!