વિશ્વમાં 2.71 અબજ લોકો પેસિવ સ્મોકિંગનો ભોગ બનેલા છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- વિશ્વની કુલ વસ્તીના અંદાજે ૩૪ ટકા લોકો પોતાની મરજી વિરુદ્ધ દરરોજ આ ઝેર ફેફસાંમાં ભરી રહ્યા છે
- દુનિયાભરમાં પેસિવ સ્મોકિંગનો શિકાર બનેલી કુલ વસ્તીમાંથી અડધોઅડધ હિસ્સો માત્ર ત્રણ એશિયન દેશોમાં એકત્રિત થયેલો છે. વર્ષ ૨૦૨૩ના આંકડા મુજબ ચીનમાં ૬૬.૪૦ કરોડ, ભારતમાં ૪૪.૪૦ કરોડ અને ઇન્ડોનેશિયામાં ૧૪.૨૦ કરોડ લોકો પેસિવ સ્મોકિંગના સકંજામાં સપડાયેલા છે : વૈશ્વિક સ્તરે સેકન્ડ-હેન્ડ સ્મોકના કારણે એક જ વર્ષમાં ૧૬.૬ લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે અને સમગ્ર માનવજાતે ૪.૪૮ કરોડ સ્વસ્થ વર્ષો ગુમાવવાનો વારો આવ્યો છે. ૨૦૨૩માં ભારતીય સમાજે પેસિવ સ્મોકિંગના કારણે થતી બીમારીઓ અને અપંગતાને લીધે ૯૨.૮ લાખ જેટલા સ્વસ્થ વર્ષો ગુમાવ્યા છે, જે દેશની માનવસંપત્તિ ઉપર મોટો આઘાત છે.
આજના ઝડપી અને સામાજિક જીવનમાં ઓફિસના કામ વચ્ચે સહકર્મચારી સાથે બ્રેક લેવા નીચે ઉતરવું, સ્મોકિંગ ઝોન કે ચાની કીટલી પર મિત્રો સાથે ગપ્પાં મારવાં, અથવા તો જાહેર બસ સ્ટેન્ડ, રેલવે પ્લેટફોર્મ અને રેસ્ટોરાંની બહાર ઊભા રહીને અન્ય લોકો દ્વારા હવામાં છોડવામાં આવતા સિગરેટના ધુમાડાને અનિચ્છાએ શ્વાસમાં લેવો એવી દિનચર્યા બની ગઈ છે જેને મોટાભાગના લોકો સાવ હળવાશથી લે છે. વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત મેડિકલ રિસર્ચ જર્નલ ધ લાન્સેટ પબ્લિક હેલ્થમાં પ્રકાશિત થયેલા તાજેતરના વૈશ્વિક સંશોધન અહેવાલ 'ગ્લોબલ બર્ડન ઓફ ડિસીઝ ૨૦૨૩ સેકન્ડ-હેન્ડ સ્મોક કોલેબોરેટર્સ'ના તારણોએ ભારત સહિત સમગ્ર વિશ્વને હચમચાવી મૂક્યું છે. આ અભ્યાસ દર્શાવે છે કે ભારતમાં પેસિવ સ્મોકિંગ એટલે કે પરોક્ષ ધૂમ્રપાનના કારણે થતાં અકાળ મૃત્યુની સંખ્યામાં વર્ષ ૧૯૯૦ની સરખામણીએ વર્ષ ૨૦૨૩ સુધીમાં આશરે ૫૦ ટકાનો ભયાનક ઉછાળો આવ્યો છે. સિગરેટ કોઈ બીજું ફૂંકી રહ્યું છે અને તેની કિંમત નિર્દોષ નાગરિકો પોતાનો જીવ આપીને ચૂકવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ભારતના સંદર્ભમાં ધ લાન્સેટના આંકડાઓનું વિશ્લેષણ કરવામાં આવે તો એક અત્યંત ચિંતાજનક ચિત્ર ઊભું થાય છે. વર્ષ ૧૯૯૦માં ભારતમાં પેસિવ સ્મોકિંગના કારણે વાર્ષિક ૨,૧૭,૭૦૦ લોકોનાં મોત થયા હતા. ત્રણ દાયકા પછી, એટલે કે વર્ષ ૨૦૨૩માં, આ આંકડો વધીને ૩,૨૫,૬૦૦ ઉપર પહોંચી ગયો છે, જે લગભગ ૪૯.૫૬ ટકા એટલે કે અંદાજે ૫૦ ટકાનો સીધો વધારો દર્શાવે છે. આ સમયગાળા દરમિયાન પુરુષોના મોતમાં ૬૧.૭ ટકાનો અને મહિલાઓના મોતમાં ૩૮.૩ ટકાનો વધારો થયો છે.
સંખ્યાની દ્રષ્ટિએ ૨૦૨૩માં ૧ લાખ ૬૮ હજારથી વધુ પુરુષો અને ૧ લાખ ૫૬ હજારથી વધુ મહિલાઓ પેસિવ સ્મોકનો ભોગ બનીને કાળનો કોળિયો બની ગયાં હતાં. આ ઉપરાંત, પરોક્ષ ધૂમ્રપાનના સંપર્કમાં આવતી ભારતીય વસ્તીનું પ્રમાણ ૧૯૯૦માં ૩૭.૫૦ કરોડ હતું, જે ૨૦૨૩માં ૧૮.૪ ટકા વધીને ૪૪.૪૦ કરોડ થઈ ગયું છે. આ આંકડો દર્શાવે છે કે ભારતની લગભગ એક તૃતીયાંશથી વધુ નિર્દોષ વસ્તી દરરોજ કોઈને કોઈ સ્થળે સિગરેટના ઝેરી વાતાવરણમાં શ્વાસ લેવા મજબૂર બનેલી છે.
બીજી તરફ દેશમાં સક્રિય તમાકુના સેવનથી થતાં મૃત્યુદરમાં પણ લગભગ ૩૦ ટકાનો ઘટાડો આવ્યો છે. આમ છતાં, કુલ મોતમાં ૫૦ ટકાનો ઉછાળો કેમ આવ્યો? આનું મુખ્ય કારણ છે ભારતની વસ્તીમાં થયેલો વિસ્ફોટક વધારો. ૧૯૯૦માં ભારતની કુલ વસ્તી આશરે ૮૭ કરોડ હતી, જે ૨૦૨૩ સુધીમાં વધીને ૧૪૦ કરોડને વટાવી ગઈ. વસ્તીનો આધાર એટલો વિશાળ થઈ ગયો કે ટકાવારીમાં સુધારો થયો હોવા છતાં, ધુમાડાનો ભોગ બનનારા લોકોની વાસ્તવિક સંખ્યા ૩૭.૫ કરોડથી વધીને ૪૪.૪ કરોડ થઈ ગઈ. પરિણામે, બીમાર પડનારા અને અકાળે જીવ ગુમાવનારા લોકોનો વાસ્તવિક માનવીય આંકડો અડધોઅડધ વધી ગયો. એટલું જ નહીં, ૨૦૨૩માં ભારતીય સમાજે પેસિવ સ્મોકિંગના કારણે થતી બીમારીઓ અને અપંગતાને લીધે ૯૨.૮ લાખ જેટલા સ્વસ્થ જીવન વર્ષો ગુમાવ્યા છે, જે દેશની માનવસંપત્તિ ઉપર મોટો આઘાત છે.
ચિંતાજનક બાબત એ છે કે, આ સમસ્યા માત્ર ભારતની સરહદો પૂરતી સીમિત નથી. ગ્લોબલ બર્ડન ઓફ ડિસીઝ ૨૦૨૩ના સંશોધકોએ વિશ્વના ૨૦૪ દેશો અને પ્રદેશોના ડેટાનું એનાલિસીસ કરીને જણાવ્યું કે, વર્ષ ૨૦૨૩માં સમગ્ર વિશ્વમાં અંદાજે ૨.૭૧ અબજ લોકો પેસિવ સ્મોકિંગના સીધા સંપર્કમાં જીવી રહ્યા હતા. વિશ્વની કુલ વસ્તીના ૩૩.૯૦ ટકા લોકો પોતાની મરજી વિરુદ્ધ દરરોજ આ ઝેર ફેફસાંમાં ભરી રહ્યા છે. વૈશ્વિક સ્તરે સેકન્ડ-હેન્ડ સ્મોકના કારણે એક જ વર્ષમાં ૧૬.૬ લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે અને સમગ્ર માનવજાતે ૪.૪૮ કરોડ સ્વસ્થ વર્ષો ગુમાવવાનો વારો આવ્યો છે. સૌથી સ્તબ્ધ કરી દેનારી બાબત એ છે કે દુનિયાભરમાં પેસિવ સ્મોકિંગનો શિકાર બનેલી કુલ વસ્તીમાંથી અડધોઅડધ હિસ્સો માત્ર ત્રણ એશિયન દેશોમાં એકત્રિત થયેલો છે. વર્ષ ૨૦૨૩ના આંકડા મુજબ ચીનમાં ૬૬.૪૦ કરોડ, ભારતમાં ૪૪.૪૦ કરોડ અને ઇન્ડોનેશિયામાં ૧૪.૨૦ કરોડ લોકો પેસિવ સ્મોકિંગના સકંજામાં સપડાયેલા છે. સંશોધકોએ નોંધ્યું છે કે દક્ષિણ-પૂર્વ એશિયા, પૂર્વ એશિયા અને ઓશિનિયા વિસ્તારોમાં વય-આધારિત વધારાનો દર સૌથી વધુ ૪૮.૪૦ ટકા રહ્યો છે, જે દર્શાવે છે કે એશિયા ખંડ હાલ તમાકુના પરોક્ષ ધુમાડાનું વૈશ્વિક એપીસેન્ટર બની ચૂક્યો છે.
વિશ્વમાં જે ૨૭૧ કરોડ લોકો પરોક્ષ ધૂમ્રપાનનો ભોગ બનેલા છે, તેમાં ૦ થી ૧૪ વર્ષની ઉંમરના ૭૬.૭૦ કરોડ માસૂમ બાળકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વિશ્વના ઘણા દેશોમાં પુરુષો કરતાં મહિલાઓ ૧.૮ ગણી વધુ પેસિવ સ્મોકિંગનો ભોગ બનતી જોવા મળી છે. હકિકતે સેકન્ડ-હેન્ડ સ્મોકમાં ૭,૦૦૦થી વધુ રાસાયણિક સંયોજનો રહેલાં હોય છે, જેમાંથી ઓછામાં ઓછા ૨૫૦ રસાયણો અત્યંત ઝેરી સાબિત થયેલાં છે અને ૬૯ રસાયણો સીધા માનવ શરીરમાં કેન્સર પેદા કરવા માટે વૈજ્ઞાાનિક રીતે જવાબદાર ગણાયાં છે.
આ ઝેરી રસાયણોમાં આર્સેનિક, બેન્ઝીન, કેડમિયમ, ફોર્માલ્ડિહાઇડ, પોલોનિયમ-૨૧૦ અને કાર્બન મોનોક્સાઇડ જેવા જીવલેણ ઘટકો સામેલ છે.
તે ફેફસાંથી શરૂ કરીને મલ્ટિપલ ઓર્ગનને ડેમેડ અથવા તો કાયમી ધોરણે ફેલ્યોર તરફ ધકેલી શકે છે.
શ્વસનતંત્ર પર થતા નુકસાનની વાત કરીએ તો લાંબા ગાળાના પરોક્ષ સંપર્કથી ફેફસાંની ઓક્સિજન ફિલ્ટર કરવાની ક્ષમતા કાયમ માટે નષ્ટ થઈ જાય છે. નોન-સ્મોકર્સમાં પણ ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ, ફેફસાંનું કેન્સર, બ્રોન્કાઇટિસ અને પુખ્ત વયે નવો અસ્થમા થવાના કિસ્સા ઝડપથી વધી રહ્યા છે. આ ઉપરાંત 'ધ લાન્સેટ'ના તાજેતરના અભ્યાસમાં એક નવો અને ચોંકાવનારો ખુલાસો થયો છે કે સેકન્ડ-હેન્ડ સ્મોક શરીરમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધારીને ટાઈપ-૨ ડાયાબિટીસનું જોખમ પણ વધારે છે. ભારત જેવા દેશમાં, જ્યાં પહેલેથી જ ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા વિશ્વમાં સૌથી વધુ છે, ત્યાં પેસિવ સ્મોકિંગ આ બીમારીને વકરાવવામાં ઘી હોમવાનું કામ કરી રહ્યું છે. મહિલાઓમાં આક્રમક બ્રેસ્ટ કેન્સર અને પ્રજનન ક્ષમતામાં ઘટાડો થવા પાછળ પણ આ ધુમાડો સીધો સંબંધ ધરાવે છે.
સામાજિક સ્તરે પરિવર્તન નહીં આવે ત્યાં સુધી કાયદા કાગળના વાઘ જ રહેશે
હકિકત એવી છે કે, તબીબી નિષ્ણાતો અને પોલિસી મેકર્સ ભારપૂર્વક ભલામણ કરે છે કે તમાકુ ઉત્પાદનો પરના કરવેરામાં આકરો વધારો કરવો જોઈએ જેથી સિગરેટ અને બીડી મોંઘાં બને અને યુવા પેઢી તેનું સેવન કરતાં અટકે.
આ સાથે જ ખુલ્લી સિગરેટના છૂટક વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ, કારણ કે છૂટક વેચાણને કારણે સગીરો અને યુવાનો ખૂબ જ સરળતાથી ધૂમ્રપાન તરફ આકર્ષાય છે. જે લોકો ધૂમ્રપાન છોડવા માગે છે તેમને સરકારી દવાખાનાઓમાં વિનામૂલ્યે નિકોટિન રિપ્લેસમેન્ટ થેરાપી અને યોગ્ય માનસિક કાઉન્સેલિંગની સેવાઓ વ્યાપકપણે ઉપલબ્ધ કરાવવી જોઈએ. સૌથી મોટો બદલાવ સામાજિક સ્તરે આવવો જરૂરી છે, જ્યાં બિન-ધૂમ્રપાન કરનારાઓએ પોતાનો સંકોચ છોડવો પડશે.
ઓફિસમાં કોઈ સાથી કર્મચારી કે મિત્ર જ્યારે સિગરેટ સળગાવે ત્યારે સંબંધો બગડવાના ડરે તેમની સાથે ઊભા રહેવાને બદલે સ્પષ્ટ અને નમ્રતાપૂર્વક ના પાડવાની હિંમત કેળવવી પડશે. જ્યાં સુધી સમાજ ધૂમ્રપાનને માત્ર પીનાર વ્યક્તિની 'અંગત પસંદગી' માનવાને બદલે આસપાસના લોકોના 'જીવવાના અધિકાર પરનો તરાપ' ગણવાનું શરૂ નહીં કરે, ત્યાં સુધી આ સાયલન્ટ કિલરનો નાશ શક્ય નથી. ભારતમાં દર વર્ષે ૩.૨૫ લાખથી વધુ નિર્દોષ નાગરિકોના જીવ જઈ રહ્યા છે તે કોઈ નાની આંકડાકીય વિગત નથી, પણ સમાજની સામૂહિક બેદરકારીનો જીવલેણ પુરાવો છે. હવે સમય આવી ગયો છે કે આપણે સૌ સાથે મળીને જાગૃત થઈએ, આપણા પોતાના અને આપણી આવનારી પેઢીના ફેફસાંમાં શુદ્ધ ઓક્સિજન પહોંચાડીએ અને આ અદ્રશ્ય ઝેર સામે એક મજબૂત જનઆંદોલન છેડીએ.
માત્ર શ્વાસ દ્વારા નહીં ઝેરી રસાયણો ચોંટેલી વસ્તુઓ પણ જીવલેણ બને છે
આ ભયાનક વાસ્તવિકતાને ઊંડાણપૂર્વક સમજવા માટે સૌથી પહેલાં એ જાણવું જરૂરી છે કે પેસિવ સ્મોકિંગ વાસ્તવમાં શું છે અને તે સક્રિય સ્મોકિંગ કરતાં પણ વધુ ઘાતક કેમ સાબિત થઈ શકે છે. જ્યારે કોઈ વ્યક્તિ સિગરેટ કે બીડી પીવે છે, ત્યારે વાતાવરણમાં બે પ્રવાહમાં ધુમાડો ફેલાય છે. પ્રથમ છે મેઇનસ્ટ્રીમ સ્મોક, જે સ્મોકર પોતે શ્વાસમાં ખેંચીને ફેફસાં દ્વારા બહાર કાઢે છે, જેમાં અમુક અંશે ફિલ્ટરનો ઉપયોગ થયો હોય છે. બીજો અને સૌથી ખતરનાક પ્રકાર છે સાઇડસ્ટ્રીમ સ્મોક, જે સિગરેટ કે બીડીના આગળના સળગતા છેડેથી કોઈ પણ ફિલ્ટર કે અવરોધ વિના સીધો વાતાવરણની ખુલ્લી હવામાં ભળે છે. તબીબી રાસાયણિક વિશ્લેષણ દર્શાવે છે કે સાઇડસ્ટ્રીમ સ્મોકમાં સક્રિય ધુમાડા કરતાં પણ વધુ સાંદ્રતામાં ઝેરી વાયુઓ, નિકોટિન, કાર્બન મોનોક્સાઇડ અને ટાર હોય છે. જ્યારે આ ઝેરી હવાનું મિશ્રણ નજીક ઊભેલી કોઈ બિન-ધૂમ્રપાન કરનાર વ્યક્તિના શ્વાસમાં પ્રવેશે છે, ત્યારે તેને સેકન્ડ-હેન્ડ સ્મોક અથવા પેસિવ સ્મોકિંગ કહેવામાં આવે છે.
આટલું જ પૂરતું ન હોય તેમ, વિજ્ઞાાને હવે થર્ડ-હેન્ડ સ્મોક ના ગંભીર ખતરાને પણ ઉજાગર કર્યો છે. ધૂમ્રપાન પૂરું થયા પછી પણ તેના ઝેરી રાસાયણિક કણો ઘરની દિવાલો, સોફા, કાર્પેટ, પડદા, વાહનની સીટો અને વ્યક્તિના કપડાં પર ચોંટી રહે છે. આ કણો હવામાં રહેલા વાયુઓ સાથે પ્રક્રિયા કરીને દિવસો અને મહિનાઓ સુધી ધીમે ધીમે ઝેરી ગેસ મુક્ત કરતા રહે છે, જે ઘરમાં રમતાં નાના બાળકો અને મહિલાઓને અજાણતાં જ સતત બીમાર રાખે છે.




