India

યુવાનો ચેતે! તમાકુ મુક્ત નિકોટિન પાઉચ પર સરકારે લગાવ્યો પ્રતિબંધ! હૃદય તથા મગજ માટે ખૂબ ખતરનાક

By GS Team
26 Sep 20262 mins read
TukuTouch Logo
સરકારે યુવાનોમાં પ્રચલિત તમાકુ-મુક્ત નિકોટિન પાઉચના વેચાણ, જાહેરાત અને વિતરણ પર પ્રતિબંધ મૂક્યો છે. આ પાઉચ અત્યંત નશીલા અને સ્વાસ્થ્ય માટે ખતરનાક હોવાથી કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્યોને દરોડા પાડી ઉત્પાદનો જપ્ત કરવા સૂચના આપી છે. PECA 2019 અને FSSAI હેઠળ ઓનલાઇન-ઓફલાઇન બજારો પર કાર્યવાહી થશે. આ પગલું તમાકુથી થતાં 13.5 લાખ વાર્ષિક મૃત્યુ ઘટાડવામાં મદદ કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

યુવાનો ચેતે! તમાકુ મુક્ત નિકોટિન પાઉચ પર સરકારે લગાવ્યો પ્રતિબંધ! હૃદય તથા મગજ માટે ખૂબ ખતરનાક
AI તસવીર

Nicotine Pouches Ban: યુવાનોમાં ઝડપથી લોકપ્રિય થઈ રહેલા તમાકુ મુક્ત નિકોટિન પાઉચના વેચાણ, જાહેરાત અને ડિસ્ટ્રિબ્યુશન પર સરકારે રોક લગાવી દીધી છે. સાથે જ નિકોટિન પાઉચને જપ્ત કરવાનો પણ આદેશ આપ્યો છે. તમાકુ-મુક્તના નામે વેચાઈ રહેલા આ સિન્થેટિક નિકોટિન પાઉચને આરોગ્ય નિષ્ણાતોએ યુવાનો માટે અત્યંત નશીલા અને હૃદય તથા મગજ માટે ખૂબ જ ખતરનાક ગણાવ્યા છે.

તમાકુથી દેશમાં દર વર્ષે લાખોના મોત

સરકાર દ્વારા પાનના ગલ્લા, ઈ-કોમર્સ સાઇટ્સ અને સોશિયલ મીડિયા દ્વારા યુવાનોને લક્ષ્ય બનાવતા આ નવા પ્રકારના નશાના પ્રસાર પર પૂર્ણપણે રોક લગાવવા માટે આ કડક પગલું ભરવામાં આવ્યું છે. દેશમાં તમાકુના કારણે દર વર્ષે 13.5 લાખ લોકોના મોત થાય છે.

રાજ્યોને દરોડા પાડી ઉત્પાદનો જપ્ત કરવા નિર્દેશ

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કડક સૂચનાઓ આપી છે કે તેઓ ઈ-સિગારેટ પ્રતિબંધ કાયદા(PECA 2019) અને ખાદ્ય સુરક્ષા ધોરણો(FSSAI) હેઠળ આ ઉત્પાદનોના ઓનલાઇન અને ઓફલાઇન બજારો પર તાત્કાલિક દરોડા પાડે.

સિગરેટના વિકલ્પ તરીકે નિકોટિન પાઉચનો પ્રચાર

જણાવી દઈએ કે મોટી તમાકુ કંપનીઓ હવે સિગરેટના વિકલ્પ તરીકે નિકોટિન પાઉચને પ્રોત્સાહન આપી રહી છે. આ પાઉચથી કંપનીઓને સારો નફો અને ઝડપી વૃદ્ધિ મળી રહી છે. સાથે જ તેના પર હજુ સુધી કડક નિયમો પણ લાગુ નથી. સરકારે ઈ-સિગરેટ પર તો સંપૂર્ણપણે બેન લગાવી દીધો હતો, પરંતુ નિકોટિન પેચ અને ચ્યુઈંગ ગમ જેવી વસ્તુઓને વેચવાની મંજૂરી આપી રાખેલ છે.

ગેરકાયદે રીતે થઈ રહેલું ઓનલાઇન-ઓફલાઇન વેચાણ

નિકોટિન પાઉચના નાના-નાના પેકેટ હોય છે, જેને હોઠ અને પેઢા વચ્ચે રાખવામાં આવે છે. તેમાં નિકોટિન હોય છે, પરંતુ તમાકુ હોતું નથી. તેને ભારતમાં વેચવાની કોઈ સરકારી મંજૂરી નથી, તેથી આ સંપૂર્ણપણે ગેરકાયદે છે. આમ છતાં એમની તસ્કરી કરીને તેમને ચોરી-છૂપીથી ઓનલાઇન કે સ્થાનિક દુકાનો પર વેચવામાં આવી રહ્યા છે.

વિદેશી બ્રાન્ડ્સ યુવાનો માટે ચિંતાનો વિષય

એક સરકારી અભ્યાસ મુજબ, કોઈ પણ નિયમ-કાયદા વગર વેચાઈ રહેલા આ પાઉચ લોકોના આરોગ્ય માટે ગંભીર ચિંતાનો વિષય છે. 18થી 40 વર્ષના યુવાનો વચ્ચે 'ઝિન' અને 'વ્હાઇટ ફોક્સ' જેવી વિદેશી બ્રાન્ડ્સનો ક્રેઝ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે.