મિડલ ઈસ્ટમાં ભયાનક વળાંક લેશે યુદ્ધ? ટ્રમ્પના એક આદેશ બાદ 50થી વધુ ફાઇટર જેટ્સ તૈનાત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

US Iran War : અમેરિકા-ઈરાન વચ્ચે છેલ્લા 10 દિવસ ચાલી રહેલા યુદ્ધના કારણે મધ્ય-પૂર્વમાં ભયાનક સ્થિતિ ઊભી થઈ છે. હવે અમેરિકાએ ઈરાનને ચારે કોરથી ઘેરવા માટે મહાયુદ્ધની તૈયારીઓ શરૂ કરી દીધી હોવાનો વિગતો સામે આવી છે. રિપોર્ટ મુજબ, અમેરિકાએ 50,000 સૈનિકોને ઍલર્ટ કરવાની સાથે 50થી વધુ ફાઇટર જેટ મધ્ય-પૂર્વમાં પોતાના એરબેઝ પર તહેનાત કરી દીધા છે. અમેરિકાનો આ નિર્ણય ઈરાન સાથે મહાયુદ્ધ કરવાના સંકેત હોવાનું મનાઈ રહ્યું છે. અમેરિકા ઈરાનની મિસાઇલ અને ડ્રોન ક્ષમતા તોડવા માટે હવે મોટાપાયે વિમાની હુમલાઓ કરી શકે છે.
અમેરિકાએ કયા જેટ ક્યાં તહેનાત કર્યા?
અમેરિકાએ ઈરાન વિરુદ્ધ મોટી સૈન્ય કાર્યવાહી યોજના શરૂ કરી દીધી હોય તેમ, યુરોપના અનેક એરબેઝ પર ફાઇટર જેટ તહેનાત કરી દીધા છે. અમેરિકાએ ઇંગ્લૅન્ડના સફોલ્કમાં મોટા યુએસ એર ફોર્સ બેઝ પર 15 F-35A અને 12 F-15 ફાઇટર જેટ, ઈટાલીમાં 12 F-16 ફાઇટર જેટ તહેનાત કરી દીધા છે. આ ઉપરાંત જર્મનીના સ્પાંગડાહલેમ શહેરના અમેરિકન સૈન્ય એર બેઝ પર 12 F-16 પણ તહેનાત કરી દીધા છે. જો અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આદેશ આપે ત્યારે આ તમામ જેટ ઈરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી કરવા માટે સંપૂર્ણ તૈયાર હોવાનો પણ રિપોર્ટ સામે આવ્યો છે.
ઈરાન હુમલાથી ભડક્યું અમેરિકા
ન્યૂયોર્ક ટાઇમ્સે અમેરિકન અધિકારીને ટાંકીને કહ્યું છે કે, જર્મનીમાંથી એફ-16 અને બ્રિટનમાંથી એફ-35 ફાઇટર જેટ પણ મોકલવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત લાંબા અંતરના હુમલા માટે એરિયલ રિફ્યૂલિંગ એરક્રાફ્ટ પણ તહેનાત કરી દેવાયા છે. વાસ્તવમાં ઈરાને શુક્રવારે જોર્ડનમાં અમેરિકન સૈન્ય બેઝ પર હુમલો કર્યો હતો, ત્યારબાદ આ ફાઇટર જેટ તહેનાત કરવાનો નિર્ણય લેવાયો હોવાનું મનાઈ રહ્યું છે.
અમેરિકા-ઈરાન યુદ્ધને આજે 10મો દિવસ
અમેરિકા-ઈરાન વચ્ચેના આ બીજું યુદ્ધ ચાલી રહ્યું છે, જેને આજે 10મો દિવસ થઈ ગયો છે. અમેરિકા હોર્મુઝમાંથી પસાર થતાં જહાજો પર ઈરાની હુમલાને અટકાવવા માંગે છે. ઈરાને જોર્ડન, કતર, બહેરીન જેવા દેશોમાં અમેરિકન સૈન્ય બેઝ પર હુમલા કર્યા હતા, જેમાં કેટલાક અમેરિકન સૈનિકોના મોત અને ઈજાગ્રસ્ત થતાં અમેરિકા વધુ ભડકી ઉઠ્યું છે.
એફ-35 સ્ટેલ્થ જેટ્સ સૌથી મજબૂત વિમાન
અમેરિકન ફાઇટર જેટ તહેનાત કરવાની વ્યૂહરચના મુજબ, એફ-35 સ્ટેલ્થ જેટ્સ દુશ્મનના રડારથી બચીને હુમલો કરી શકે છે. જ્યારે એફ-15 અને એફ-16 હુમલો કરવા માટે અને ડિફેન્સ કરવા માટે મજબૂત છે. આ ફાઇટર જેટ્સ પાછળ સૌથી મોટી ભૂમિકા એરિયલ રિફ્યૂલિંગ વિમાનની છે, જે આ તમામ જેટ્સને લાંબા ઊડાન માટે મદદ કરશે.
મધ્ય-પૂર્વમાં વધુ ભયાનક સ્થિતિ ઊભી થવાની આશંકા
અમેરિકાએ ઈરાન પર વધુ ચોક્કસ હુમલા કરવાની તૈયારી કરી લીધી છે. આ પહેલા અમેરિકાએ ઈરાનની બેલેસ્ટિક મિસાઇલ સાઈટો, કમાન્ડ સેન્ટર અને પોર્ટ પર હુમલા કર્યા હતા. હવે અમેરિકાએ વધુમાં વધુ ફાઇટર જેટ તહેનાત કરી દીધા છે, જેના કારણે મધ્ય-પૂર્વમાં વધુ ભયાનક સ્થિતિ ઊભી થવાની આશંકા વધી ગઈ છે.









