India

પેટ્રોલમાં હવે 20 ટકાથી વધુ ઈથેનોલ બ્લેન્ડિંગ કરાશે? કેન્દ્રીય મંત્રીએ આપ્યો જવાબ

By GS Team
20 Jul 20262 mins read
TukuTouch Logo
પેટ્રોલમાં ઇથેનોલનું મિશ્રણ 20%થી વધુ વધારવા અંગે સરકારે સ્પષ્ટતા કરી છે. રાજ્યસભામાં પેટ્રોલિયમ રાજ્યમંત્રી સુરેશ ગોપીએ જણાવ્યું કે, હાલ કોઈ નિર્ણય લેવાયો નથી. ભવિષ્યમાં વૈજ્ઞાનિક અભ્યાસ અને ઉદ્યોગ જગત સાથે ચર્ચા બાદ જ પગલાં લેવાશે. 2014થી આ કાર્યક્રમ દ્વારા ₹1.97 ટ્રિલિયનનું વિદેશી હૂંડિયામણ બચાવવામાં આવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પેટ્રોલમાં હવે 20 ટકાથી વધુ ઈથેનોલ બ્લેન્ડિંગ કરાશે? કેન્દ્રીય મંત્રીએ આપ્યો જવાબ

Petrol Ethanol Mix Update : પેટ્રોલમાં ઈથેનોલના મિશ્રણના અહેવાલોને લઈને વાહનચાલકોની ચિંતા સામે સરકારે એક નવી સ્પષ્ટતા કરી છે. સરકારે પેટ્રોલમાં ઇથેનોલનું મિશ્રણ વર્તમાન 20 ટકાના સ્તરથી વધુ વધારવાનો હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. પેટ્રોલિયમ અને નૈસર્ગિક ગેસ રાજ્યમંત્રી સુરેશ ગોપીએ સોમવારે રાજ્યસભામાં આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભવિષ્યમાં આ મિશ્રણ વધારવા અંગેનો કોઈ પણ નિર્ણય વૈજ્ઞાનિક અભ્યાસ અને ઉદ્યોગ જગત સાથેની સલાહ-સૂચન બાદ જ લેવામાં આવશે. એક લેખિત જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે, 'પેટ્રોલમાં ઇથેનોલનું મિશ્રણ 20 ટકાથી વધુ વધારવા માટે અત્યાર સુધી સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ દિશામાં કોઈ પણ પગલું ઓટોમોબાઇલ ઉત્પાદકો, ઓઇલ માર્કેટિંગ કંપનીઓ અને સંશોધન સંસ્થાઓ સહિતના તમામ સંબંધિત હિસ્સેદારો સાથે વિગતવાર વૈજ્ઞાનિક અને તકનીકી અભ્યાસ તેમજ વિચારવિમર્શ પછી જ ભરવામાં આવશે.'

5 વર્ષ પહેલા 20 ટકા મિશ્રણનો ટાર્ગેટ હાંસલ

સુરેશ ગોપીએ જણાવ્યું હતું કે, ભારતે સમયમર્યાદા કરતાં 5 વર્ષ વહેલાં 20 ટકા મિશ્રણનો ટાર્ગેટ હાંસલ કરી લીધો છે. બે દાયકાથી વધુ સમયના તબક્કાવાર રોલઆઉટ પછી, સરેરાશ મિશ્રણ 2013-14માં લગભગ 1.53 ટકા હતું, જે વધીને 2025-26ના સપ્લાય યરમાં 20 ટકા થઈ ગયું છે. તેમણે ઉમેર્યું હતું કે, 2014-15થી આ પ્રોગ્રામ દ્વારા 1.97 ટ્રિલિયન રૂપિયાથી વધુનું વિદેશી હૂંડિયામણ બચાવવામાં આવ્યું છે. લગભગ 316 લાખ ટન ક્રૂડ ઓઇલની ક્ષમતા સ્થાનિક સ્તરે મેળવવામાં આવી છે. આશરે 952 લાખ ટન કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન અટકાવવામાં આવ્યું છે.

ખેડૂતોને 1.66 લાખ કરોડ રૂપિયાથી વધુની વધારાની આવક

મંત્રીશ્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, E20 ઇંધણના કારણે એન્જિન ખરાબ થવા, ફ્યુઅલ પંપની સમસ્યાઓ, કાટ લાગવા કે, પાણી દૂષિત થવા અંગે વાહન ઉત્પાદકો, ઓટોમોબાઇલ ઍસોસિએશનો કે, ગ્રાહક જૂથો તરફથી સરકારને કોઈ વ્યાપક અથવા પુષ્ટિ થયેલી ફરિયાદો મળી નથી. જોકે, મીડિયા અને સોશિયલ મીડિયા પર ઉઠાવવામાં આવેલી ચિંતાઓની સરકારે નોંધ લીધી છે, અને તેનું વૈજ્ઞાનિક રીતે પરીક્ષણ કર્યું છે.