India

આકાશમાં કેમ ધ્રૂજે છે વિમાન? જાણો એર ટર્બ્યુલન્સ પાછળનું વિજ્ઞાન અને તેનાથી બચવાના ઉપાયો

By GS Team
5 Aug 20264 mins read
TukuTouch Logo
કૂકેટથી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI2379ને 4 ઑગસ્ટ 2026ના રોજ અચાનક 'એર ટર્બ્યુલન્સ'નો અનુભવ થયો હતો. હજારો ફૂટની ઊંચાઈએ હવાના પ્રવાહોની અશાંતિને કારણે વિમાનમાં જોરદાર આંચકા આવ્યા હતા, પરંતુ પાઇલટ્સની સુઝબુઝથી દિલ્હીમાં સુરક્ષિત લેન્ડિંગ થયું. આધુનિક વિમાનો આવા આંચકા સહન કરી શકે છે, પરંતુ મુસાફરોએ હંમેશા સીટ બેલ્ટ બાંધવો અને શાંતિ જાળવવી હિતાવહ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આકાશમાં કેમ ધ્રૂજે છે વિમાન? જાણો એર ટર્બ્યુલન્સ પાછળનું વિજ્ઞાન અને તેનાથી બચવાના ઉપાયો

Air Turbulence Science : કલ્પના કરો કે તમે હજારો ફૂટની ઊંચાઈએ આરામથી વિમાનમાં મુસાફરી કરી રહ્યા છો, અને અચાનક વિમાનમાં જોરદાર આંચકો આવે છે— જાણે રસ્તા પર કોઈ મોટો ખાડો આવી ગયો હોય! આ ક્ષણ ગમે તેવા અનુભવી મુસાફરના ધબકારા વધારી દેવા માટે પૂરતી છે. 4 ઑગસ્ટ 2026ના રોજ ફુકેટથી દિલ્હી જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI2379 સાથે પણ કંઈક આવું જ બન્યું હતું. ક્રુઝિંગ દરમિયાન વિમાનને અચાનક 'એર ટર્બ્યુલન્સ'નો સામનો કરવો પડ્યો, જેના કારણે તેની ઊંચાઈમાં ક્ષણિક ફેરફાર થયો. પાઇલટ્સની સુઝબુઝથી વિમાન દિલ્હીમાં સુરક્ષિત રીતે લેન્ડ થઈ ગયું અને મોટી દુર્ઘટના ટળી ગઈ. પરંતુ આ ઘટનાએ ફરી એકવાર સવાલ ઊભો કર્યો છે કે: આખરે આ 'એર ટર્બ્યુલન્સ' શું છે, તે કેમ થાય છે અને શું તેનાથી ડરવાની જરૂર છે?

એર ટર્બ્યુલન્સ એટલે શું?

સરળ શબ્દોમાં કહીએ તો, એર ટર્બ્યુલન્સ એટલે આકાશમાં વહેતી હવાની અશાંતિ કે અનિયમિત ગતિ. સામાન્ય સંજોગોમાં વિમાન જે હવામાંથી પસાર થાય છે તે સ્થિર (Laminar Flow) હોય છે. પરંતુ જ્યારે આકાશમાં હવાના જુદા જુદા પ્રવાહો, તાપમાન કે ઘનતા એકબીજા સાથે અથડાય છે, ત્યારે હવા તોફાની બની જાય છે.
જ્યારે વિમાન આ તોફાની હવામાંથી પસાર થાય છે, ત્યારે તેની પાંખો પરનું હવાનું દબાણ અચાનક બદલાય છે. આ કારણે મુસાફરોને અચાનક આંચકા, ઉપર-નીચે ફેંકાવાનો અથવા વિમાન ધ્રૂજવાનો અનુભવ થાય છે.

ટર્બ્યુલન્સ કેમ અને કેટલા પ્રકારના થાય છે?

વિમાન ઉડાન દરમિયાન મુખ્યત્વે 6 કારણોસર ટર્બ્યુલન્સનો સામનો કરે છે.

  1. થર્મલ ટર્બ્યુલન્સ (ગરમીને કારણે): ઉનાળામાં જમીન ખૂબ ગરમ થાય છે, જેથી નીચેની હવા ગરમ થઈને ઝડપથી ઉપર ચઢે છે અને ઉપરની ઠંડી હવા નીચે આવે છે. આ પ્રોસેસથી હવામાં કુદરતી વમળો (Eddies) બને છે.
  2. ક્લિયર એર ટર્બ્યુલન્સ (CAT - અદૃશ્ય તોફાન): આ સૌથી જોખમી પ્રકાર ગણાય છે કારણ કે તે વાદળો કે તોફાન વિના એકદમ સ્વચ્છ આકાશમાં થાય છે. તે મુખ્યત્વે જેટ સ્ટ્રીમ(30,000થી 40,000 ફૂટની ઊંચાઈ પર પશ્ચિમથી પૂર્વ તરફ અત્યંત ઝડપે વહેતા પવનો)ની કિનારીઓ પર થાય છે. તેને હવામાન રડાર પણ સરળતાથી પકડી શકતું નથી. અલબત્ત, હવે વિમાનોમાં LIDAR(Light Detection and Ranging) અને અદ્યતન સેટેલાઇટ ડેટા મોડેલિંગ આવી રહ્યા છે, જે અદૃશ્ય ક્લિયર એર ટર્બ્યુલન્સ(CAT)ને પણ થોડા કિલોમીટર પહેલાં ડિટેક્ટ કરવામાં મદદ કરે છે.
  3. પર્વતીય તરંગો (Mountain Waves): જ્યારે ઝડપી પવન મોટા પર્વતો સાથે અથડાય છે, ત્યારે હવામાં અદૃશ્ય તરંગો ઊભા થાય છે જે દૂર સુધી ફેલાઈને વિમાનના સંતુલનને અસર કરે છે.
  4. ગ્લોબલ વોર્મિંગની અસર: પર્યાવરણીય સંશોધનો અનુસાર, ક્લાયમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગને કારણે પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે, જેનાથી જેટ સ્ટ્રીમ વધુ અસ્થિર બને છે. પરિણામે, ભવિષ્યમાં ક્લિયર એર ટર્બ્યુલન્સની ઘટનાઓ વધવાની શક્યતા છે.
  5. વાવાઝોડું અને ક્યુમ્યુલોનિમ્બસ વાદળો (Convective / Thunderstorm Turbulence): વિશાળ અને કાળા વાદળો (Cumulonimbus Clouds) ની અંદર હવા ખૂબ ઝડપથી ઉપર-નીચે ફેંકાય છે. પાઇલટ્સ રડારમાં આ વાદળો જોઈને વિમાનને તેનાથી દૂર વાળી લે છે.
  6. વેક ટર્બ્યુલન્સ (Wake Turbulence): જ્યારે કોઈ મોટું વિમાન (જેમ કે Boeing 777 કે Airbus A380) આગળ ઊડતું હોય, ત્યારે તેની પાંખોમાંથી હવામાં શક્તિશાળી વમળો (Vortices) બને છે. જો તેની પાછળ ઓછું અંતર રાખીને બીજું વિમાન આવતું હોય તો તેને આંચકા અનુભવાય છે.

પાઇલટ્સ અચાનક વિમાનની ઊંચાઈ કેમ બદલે છે?

ટર્બ્યુલન્સ આવતાં જ પાઇલટ વિમાનને નીચે કે ઉપર લઈ જાય છે, જેનાથી ઘણીવાર મુસાફરો ગભરાઈ જાય છે. પરંતુ આમાં ડરવાનું નથી હોતું, કેમ કે એ સલામતી માટેની એક પ્રમાણિત પ્રક્રિયા છે.

  • ક્લિયર એર ટર્બ્યુલન્સ સામાન્ય રીતે 2,000 ફૂટ જેટલી ચોક્કસ પાતળી પટ્ટી(Layer)માં જ હોય છે.
  • પાઇલટ્સ વેધર રડાર, તાપમાનના ફેરફાર અને અન્ય વિમાનો દ્વારા મોકલાયેલા રિપોર્ટ્સ(PIREPs)ના આધારે તરત જ નિર્ણય લે છે.
  • વિમાનને 2,000થી 3,000 ફૂટ નીચે કે ઉપર લઈ જવાથી વિમાન તોફાની હવામાંથી નીકળીને શાંત હવામાં આવી જાય છે.

શું એર ટર્બ્યુલન્સથી વિમાન ક્રેશ થઈ શકે?

ના. આધુનિક પેસેન્જર વિમાનોને એન્જિનિયરિંગના એવા ઉચ્ચ ધોરણો પર ડિઝાઇન કરવામાં આવે છે કે તે અત્યંત તીવ્ર ટર્બ્યુલન્સ અને હવાના આંચકાઓને પણ આસાનીથી સહન કરી શકે છે. વિમાનની પાંખો એટલી ફ્લેક્સિબલ હોય છે કે તે હવામાં વળી શકે છે પરંતુ તૂટતી નથી.

સૌથી મોટું જોખમ શું છે અને શું સાવચેતી રાખવી?

ટર્બ્યુલન્સથી વિમાનને નુકસાન થવાનું જોખમ નહિવત છે, પરંતુ સીટ બેલ્ટ ન બાંધ્યો હોય તેવા મુસાફરો અને કેબિન ક્રૂ માટે જોખમ રહેલું છે. જો જોરદાર આંચકો આવે તો વ્યક્તિ પોતાની સીટ પરથી ઊછળીને વિમાનની છત અથવા આસપાસની વસ્તુઓ સાથે અથડાઈને ઘાયલ થાય છે.

  1. સીટ બેલ્ટ હંમેશાં બાંધીને જ રાખો: ફ્લાઇટમાં તમે તમારી સીટ પર બેઠા હો ત્યારે, સિગ્નલ ‘સબ સલામત’નું હોય તો પણ તમારો સીટ બેલ્ટ હંમેશાં બાંધીને જ રાખો, કેમ કે એર ટર્બ્યુલન્સ ગમે ત્યારે નડી શકે છે.
  2. સીટ પસંદગી: મુસાફરી દરમિયાન તમારે ઓછી ધ્રૂજારી અનુભવવી હોય તો વિમાનના મધ્ય ભાગમાંની સીટ બુક કરવી, કેમ કે વિમાનનું સેન્ટર ઑફ ગ્રેવિટી ત્યાં હોવાથી ત્યાં ટર્બ્યુલન્સના આંચકા સૌથી ઓછા અનુભવાય છે. પાછળના ભાગ(Tail section)માં સૌથી વધુ આંચકા અનુભવાય છે.
  3. સામાન (Luggage) અને છૂટી વસ્તુઓનું જોખમઃ ટર્બ્યુલન્સ વખતે કેબિનમાં રાખેલો છૂટો સામાન (જેમ કે લેપટોપ, ગરમ ચા-કોફી, કેબિન ટ્રોલી કે ઓવરહેડ બિનમાંથી પડતો સામાન) પણ ઈજાનું મોટું કારણ બને છે. તેથી ઓવરહેડ બિન યોગ્ય રીતે બંધ રાખવું અને ટર્બ્યુલન્સ દરમિયાન લેપટોપ કે ભારે વસ્તુઓ ખોળામાં ન રાખવી.
  4. શાંતિ જાળવો: પાઇલટ્સ અને ક્રૂ મેમ્બર્સ આવી પરિસ્થિતિઓ માટે સ્પેશિયલ ટ્રેનિંગ પામેલા હોય છે, તેથી ડરીને હાંફળાફાંફળા થવા કે બૂમાબૂમ કરવાને બદલે તેમના દ્વારા અપાતી સૂચનાઓનું પાલન કરવું.