'જ્યાં તર્ક અને તથ્ય હોય ત્યાં ઘોંઘાટની કોઈ જરૂર નથી..', ચોમાસું સત્રની શરૂઆતમાં PM મોદીનું સંબોધન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

PM Narendra Modi Parliament Monsoon Session 2026 Speech : સંસદના મોનસૂન સત્રના પ્રથમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મિડિયાને સંબોધિત કરતાં સત્રને અત્યંત પ્રોડક્ટિવ અને ઐતિહાસિક ગણાવ્યું છે. વડાપ્રધાને વિપક્ષી દળોને વિરોધ કરવાના બદલે સકારાત્મક વલણ અપનાવીને ગૃહની કાર્યવાહીને સુચારૂ રૂપે ચલાવવામાં મદદ કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે છેલ્લા એક મહિનામાં ભારતે રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય અને સ્પેસ ક્ષેત્રે અસંખ્ય એવી સિદ્ધિઓ મેળવી છે જે દરેક દેશવાસીને ગર્વથી ભરી દે છે.
‘ચર્ચા તથ્યો પર થાય, શોરબકોરની જરૂર નથી’
વડાપ્રધાન મોદીએ સંસદની કાર્યવાહીમાં ગંભીરતા જાળવી રાખવા અંગે ભાર મૂકતા જણાવ્યું હતું કે, “જ્યાં તર્ક અને તથ્યો મજબૂત હોય ત્યાં અવાજ ઊંચો કરવાની કે શોરબકોર કરવાની કોઈ જરૂર હોતી નથી. મને આશા છે કે સંસદમાં ચર્ચાઓ તર્ક અને તથ્યોના આધારે થશે અને ગૃહમાં દરેક અવાજને સાંભળવાની તક મળશે.” પીએમે ઉમેર્યું કે જો મોનસૂન અને મોનસૂન સત્ર બંને પ્રોએક્ટિવ હોય તો તે દેશ અને દરેક જીવમાત્રના કલ્યાણ માટે પ્રોડક્ટિવ સાબિત થાય છે.
સ્પેસ, સેમિકન્ડક્ટર અને ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનનો ઉલ્લેખ
પોતાના સંબોધનમાં પીએમે દેશની તાજેતરની તકનીકી અને ઔદ્યોગિક પ્રગતિ ગણાવતા કહ્યું કે તાજેતરમાં ભારતના યુવાનોના સ્ટાર્ટ-અપે સ્પેસ ક્ષેત્રે એવી સિદ્ધિ મેળવી છે જે દુનિયાના બહુ ઓછા દેશો પાસે છે. આ સાબિત કરે છે કે દેશના યુવાનોની ક્ષમતાઓ સ્પેસ જેટલી અસીમ છે. રાજસ્થાનમાં દેશને વિશાળ ઓઇલ રિફાઇનરી સમર્પિત કરવામાં આવી છે. દેશમાં ત્રીજો સેમિકન્ડક્ટર પ્લાન્ટ શરૂ થઈ ચૂક્યો છે. વિશ્વના બહુ ઓછા દેશો પાસે છે તેવી સૌથી શક્તિશાળી એન્જિન ધરાવતી અને સૌથી લાંબી ગ્રીન હાઇડ્રોજનથી ચાલતી ટ્રેન દેશવાસીઓને સમર્પિત કરાઈ છે.
મોનસૂન સત્રમાં રજૂ થઈ શકે છે આ મહત્વના 8 વિધેયક:
- ઇન્કમ ટેક્સ સુધારા વિધેયક, 2026: અગાઉ બહાર પાડવામાં આવેલા વટહુકમનું સ્થાન લેશે.
- સુપ્રિમ કોર્ટ સુધારા વિધેયક, 2026: સુપ્રીમ કોર્ટના જજની સંખ્યા 33 થી વધારીને 37 કરવામાં આવશે.
- રાષ્ટ્રીય સન્માનના અપમાનની અટકાયત સુધારા વિધેયક, 2026: રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ ને કાનૂની સંરક્ષણ મળશે.
- જન્મ અને મૃત્યુ નોંધણી સુધારા વિધેયક, 2026: રજિસ્ટ્રેશનમાં વિલંબ પર દંડ અને નિયમો કડક બનાવાશે.
- MSME વિકાસ સુધારા વિધેયક, 2026: નાની ઇન્ડસ્ટ્રીઝને નાણાકીય રાહત અને વેપાર સરળ બનાવવા સુધારા કરાશે.
- વિદેશી ફાળો સુધારા વિધેયક, 2026: વિદેશી ફંડિંગના વપરાશ પર આકરી દેખરેખ રખાશે.
- વિકસિત ભારત શિક્ષણ અધિષ્ઠાન વિધેયક, 2025: UGC, AICTE અને NCTE ની જગ્યાએ એક સિંગલ રેગ્યુલેટર ઓથોરિટી બનશે.
13 ઓગસ્ટ સુધી ચાલશે સત્ર
કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુના જણાવ્યા મુજબ, સંસદનું આ મોનસૂન સત્ર 20 જુલાઈથી શરૂ થઈને 13 ઓગસ્ટ 2026 સુધી ચાલશે. 25 દિવસ સુધી ચાલનારા આ સત્રમાં કુલ 19 બેઠકો યોજાશે, જેમાં દેશના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા અને નિર્ણયો લેવાશે.









