ભારતના બેરોજગારોનો 'કોકરોચ' બનીને સિસ્ટમ સામે મોરચો, જાણો શું છે 'કોકરોચ જનતા પાર્ટી'નો ટ્રેન્ડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

What is Cockroach Janata Party? ભારતમાં એક નવો રાજકીય પક્ષ બન્યો છે. એક એવો રાજકીય પક્ષ, જે બે દિવસ પહેલાં અસ્તિત્વમાં જ નહોતો, જેની પાસે કોઈ કરોડોનું ફંડ નથી કે નથી કોઈ મોટો પાયાનો કાર્યકર્તા બેઝ, છતાં માત્ર 72 કલાકમાં 53 લાખથી વધુ સભ્યો એ પક્ષ સાથે જોડાઈ જાય છે! એટલું જ નહીં, અન્ય પક્ષના સંસદ સભ્યો પણ તેમાં જોડાવા માટે ઉત્સાહ બતાવી રહ્યા છે. સાંભળવામાં આ કોઈ કાલ્પનિક ફિલ્મી કથા જેવું લાગે, પરંતુ ભારતના સોશિયલ મીડિયામાં આ હકીકત બની ચૂક્યું છે.
બેરોજગાર યુવાનો, ડિજિટલ મીમ્સ અને સંસ્થાકીય આક્રોશના મિશ્રણમાંથી જન્મેલો આ નવો ટ્રેન્ડ એટલે 'કોકરોચ જનતા પાર્ટી' (Cockroach Janata Party- CJP). જેનું સ્લોગન છે: 'ધર્મનિરપેક્ષ, સમાજવાદી, લોકશાહી અને આળસુ!' (Secular, Socialist, Democratic, and Lazy)
ચાલો જાણીએ, કે એવું તે શું બન્યું કે રાતોરાત આવા અજીબ નામ ધરાવતી પાર્ટી બની અને લોકપ્રિયતાના સીમાડા વટાવવા લાગી.
ક્યાંથી થઈ આ અનોખા પક્ષની શરૂઆત?
આ આખી વાતની શરૂઆત 15 મે, 2026ના રોજ સુપ્રીમ કોર્ટની એક સુનાવણી દરમિયાન થઈ હતી. વરિષ્ઠ વકીલોના હોદ્દા અંગેની દિલ્હી હાઇકોર્ટની અરજી પર સુનાવણી કરતી વખતે ચીફ જસ્ટિસ સૂર્ય કાંતે એક કડક ટિપ્પણી કરી હતી.
તેમણે મીડિયા, સોશિયલ મીડિયા અને RTI કાર્યકર્તાઓ દ્વારા ન્યાયતંત્ર પર થતા હુમલા અંગે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે, 'સમાજમાં પહેલેથી જ એવા પરજીવીઓ(બીજા પર નભનારા લોકો) છે, જે સિસ્ટમ પર હુમલો કરે છે અને તમે તેમની સાથે હાથ મિલાવવા માંગો છો? આ યુવાનો 'કોકરોચ' જેવા છે, જેમને કોઈ નોકરી મળતી નથી અને કોઈ વ્યવસાયમાં તેમનું સ્થાન નથી. તેમનામાંથી કેટલાક 'મીડિયા' બની જાય છે, કેટલાક સોશિયલ મીડિયા બની જાય છે, કેટલાક RTI ઍક્ટિવિસ્ટ બની જાય છે, તો કેટલાક અન્ય પ્રકારના કાર્યકરો બની જાય છે, અને તેઓ દરેક વ્યક્તિ પર હુમલો કરે છે... અને તમે લોકો કોર્ટના તિરસ્કારની અરજીઓ દાખલ કરો છો!'
દેશના બેરોજગાર યુવાનોની સરખામણી 'કોકરોચ' સાથે
આ અંગે વિવિધ અહેવાલો આવતા, બીજા જ દિવસે 16 મેના રોજ ચીફ જસ્ટિસ સૂર્યકાંતે સ્પષ્ટતા કરી કે, મારી ટિપ્પણીને ખોટી રીતે ટાંકવામાં આવી છે. મારો ઇશારો માત્ર એવા લોકો તરફ હતો જેઓ નકલી ડિગ્રીઓ સાથે કાયદાના વ્યવસાયમાં ઘૂસી જાય છે. તેમણે દેશના સામાન્ય યુવાનોના વખાણ કરતાં તેમને 'વિકસિત ભારતના આધારસ્તંભ' પણ કહ્યા. પરંતુ, ત્યાં સુધીમાં તો ઇન્ટરનેટની દુનિયામાં આક્રોશનો વંટોળ શરૂ થઈ ચૂક્યો હતો.
આ પણ વાંચો: 'આર્થિક સંકટ માથે છે અને PM ઈટાલીમાં ચોકલેટ વહેંચે છે...', રાહુલ ગાંધીના આક્રમક પ્રહાર
બોસ્ટનના વિદ્યાર્થીનો માસ્ટરસ્ટ્રોક અને CJPનો ઉદય
ચીફ જસ્ટિસની ટિપ્પણી સામે વિરોધ નોંધાવતાં અભિજિત દીપકે એક્સ પર લખ્યું કે, 'કાયદેસર ડિગ્રી ન હોવાને કારણે કોઈને દેશના નાગરિકોને પરજીવી કહેવાનો અધિકાર નથી.' આ દરમિયાન તેમણે એક્સ પર મજાકમાં એક ગૂગલ ફોર્મ શેર કર્યું અને 'બધા વંદાઓ માટે નવું પ્લેટફોર્મ' એટલે કે 'કોકરોચ જનતા પાર્ટી'(CJP)ની જાહેરાત કરી.
આ આઇડિયા એટલો વાઇરલ થયો કે માત્ર 3 કલાકમાં 5000થી વધુ લોકોએ ફોર્મ ભરી દીધું. આગામી 48થી 72 કલાકમાં આ આંકડો 53 લાખને પાર થઈ ગયો. પક્ષે પોતાની સત્તાવાર વેબસાઇટ બનાવી, AI-જનરેટેડ પાર્ટી એન્થમ (ગીત) લોન્ચ કર્યું, જેની લાઇનો હતી: 'અમે વંદા પાર્ટી છીએ, અમે સળગતા શહેરના બાળકો છીએ...' (We are the Cockroach Party, We are the kids of the burning city...). આ પક્ષે તેમનું ચૂંટણી પ્રતીક 'મોબાઇલ ફોન' રાખ્યું છે અને જાહેર કર્યું છે કે, 'દરેક ફોન હવે હિંમતનો અવાજ છે અને દરેક પોસ્ટ પ્રતિકારનું પ્રતીક.'
આમ, સોશિયલ મીડિયામાં CJPને ધમાકેદાર સફળતા મળી. આ લખાય છે ત્યાં સુધીમાં તેને ઇન્સ્ટાગ્રામ પર 53 લાખથી વધુ ફોલોઅર્સ મળી ગયા છે, જેમાં સતત વધારો થઈ રહ્યો છે. આ પક્ષે તેમનું ચૂંટણી પ્રતીક 'મોબાઇલ ફોન' રાખ્યું છે અને જાહેર કર્યું છે કે, ‘દરેક ફોન હવે હિંમતનો અવાજ છે અને દરેક પોસ્ટ પ્રતિકારનું પ્રતીક.’
કોણ છે અભિજિત દીપક?
30 વર્ષીય અભિજિત દીપકે હાલ અમેરિકામાં છે, જ્યાં તેમણે તાજેતરમાં જ બોસ્ટન યુનિવર્સિટીમાંથી પબ્લિક રિલેશન્સમાં માસ્ટર્સનો અભ્યાસ પૂરો કર્યો છે. જો કે, 'કોકરોચ જનતા પાર્ટી'ને મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદ અને લોકોના આગ્રહને કારણે તેઓ ટૂંક સમયમાં ભારત પરત ફરવાનું આયોજન કરી રહ્યા છે, જેથી આ ઓનલાઇન ચળવળને વાસ્તવિક આંદોલન તરીકે આગળ વધારી શકાય.
મૂળ તો તેઓ મહારાષ્ટ્રના ઔરંગાબાદના વતની છે. 2020થી 2023 દરમિયાન આમ આદમી પાર્ટી(AAP)ની સોશિયલ મીડિયા ટીમ સાથે સ્વયંસેવક તરીકે કામ કરી ચૂકેલા અભિજિત પાસે ઇન્ટરનેટ કલ્ચર અને વાઇરલ ટ્રેન્ડ્સની ઊંડી સમજ છે.
CJPમાં જોડાવા માટેના અનોખા નિયમો
જો તમારે પણ આ પક્ષના સભ્ય બનવું હોય તો તેમની વેબસાઇટ અનુસાર તમારી પાસે નીચેની 'લાયકાત' હોવી જરૂરી છે.
1. તમે બેરોજગાર (Unemployed) હોવા જોઈએ.
2. તમે આળસુ (Lazy) હોવા જોઈએ.
3. તમે ક્રોનિકલી ઓનલાઇન (લાંબા સમય સુધી ઇન્ટરનેટ પર સક્રિય) રહેતા હોવા જોઈએ.
4. તમારી પાસે વ્યાવસાયિક રીતે બડબડાટની (Professional ranting) ક્ષમતા હોવી જોઈએ.
આ પણ વાંચો: રેલવેમાં વધતી જતી આગની ઘટનાઓ પર ચોંકાવનારો ખુલાસો, મુસાફરોને સતર્ક રહેવા અપીલ
નેતાઓ અને સેલિબ્રિટીઝની એન્ટ્રી
જે ચળવળ એક મીમ તરીકે શરૂ થઈ હતી, તેમાં તૃણમૂલ કોંગ્રેસના બે ફાયરબ્રાન્ડ સાંસદ મહુઆ મોઇત્રા અને કીર્તિ આઝાદ પણ જોડાઈ ગયા છે. મહુઆ મોઇત્રાએ CJPની પોસ્ટ રિ-પોસ્ટ કરીને આ પક્ષના કાર્ડ-હોલ્ડર સભ્ય બનવાની ઇચ્છા વ્યક્ત કરી, ત્યારે CJPએ તેમનું સ્વાગત કરતાં લખ્યું, 'ચૂંટણીમાં ગોટાળો કરનારા વાસ્તવિક એન્ટિ-નેશનલ છે, તમે તો લોકશાહીના સાચા લડવૈયા છો.' સામાજિક કાર્યકર્તા અંજલિ ભારદ્વાજ અને પૂર્વ સિવિલ સર્વન્ટ આશિષ જોશી પણ આ ચળવળના સમર્થનમાં આવ્યા છે.
વ્યંગ પાછળ છુપાયેલો ગંભીર 5 પોઇન્ટ મેનિફેસ્ટો
ભલે આ પક્ષ દેખાવે રમૂજી લાગે, પણ તેનો 5 મુદ્દાનો એજન્ડા દેશની વર્તમાન સિસ્ટમ પર આક્રમક પ્રહાર કરે છે.
1. નિવૃત્તિ પછીના પદ પર પ્રતિબંધ: કોઈપણ ચીફ જસ્ટિસને નિવૃત્તિ પછી પુરસ્કાર તરીકે રાજ્યસભાની સીટ કે સરકારી પોસ્ટિંગ નહીં અપાય.
2. પક્ષપલટો કરનારા પર લગામ: જે ધારાસભ્ય કે સાંસદ પક્ષપલટો કરે, તેના પર 20 વર્ષ સુધી ચૂંટણી લડવા કે જાહેર પદ ભોગવવા પર પ્રતિબંધ મૂકાશે.
3. મહિલા અનામત: સંસદ અને કેબિનેટમાં મહિલાઓ માટે બેઠકો વધાર્યા વિના જ સીધી 50% અનામત આપવી.
4. ચૂંટણી પંચની જવાબદારી: જો કોઈ કાયદેસરના મતદારોનું નામ મતદાર યાદીમાંથી કપાઈ જાય, તો મુખ્ય ચૂંટણી કમિશનરની અનલૉફૂલ ઍક્ટિવિટીઝ (પ્રિવેન્શન) ઍક્ટ (UAPA) હેઠળ આતંકવાદનો ગુનો ગણીને ધરપકડ થવી જોઈએ.
5. મીડિયાની આઝાદી: મુક્ત પત્રકારત્વ સુનિશ્ચિત કરવા માટે અંબાણી અને અદાણી જેવા મોટા કોર્પોરેટ ગૃહોની માલિકીના મીડિયા હાઉસના લાયસન્સ રદ કરવા.
કોઈપણ પ્રકારનું ફંડ ભેગું નહીં કરે
સામાજિક કાર્યકર્તા અંજલિ ભારદ્વાજના સૂચન પર આ નવા પક્ષે સ્વીકાર્યું છે કે, આ પક્ષ RTI હેઠળ લોકોને જવાબદાર રહેશે, ચૂંટણી બોન્ડ કે અનામી રોકડ દાન સ્વીકારશે નહીં, અને ક્યારેય કોઈ ગુપ્ત 'કોકરોચ કેર્સ ફંડ' (Cockroach Cares Fund) ઊભું નહીં કરે.
યુવા પ્રશ્નો પર આક્રમક વલણ
હાલમાં ચાલી રહેલા NEET પરીક્ષા પેપર લીક વિવાદ અને સીબીએસઇની રિચેકિંગ ફી મુદ્દે પણ CJPએ સોશિયલ મીડિયા પર જોરદાર અવાજ ઉઠાવ્યો છે. પક્ષે શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરી છે અને સીબીએસઇને તાત્કાલિક રિચેકિંગ ફી રદ કરવા જણાવવા કહ્યું છે અને પ્રશ્ન કર્યો છે કે, બોર્ડની ભૂલોનું નુકસાન વિદ્યાર્થીઓ કેમ ભોગવે?
ભવિષ્યનો આકાર આપવા માટેનું પ્લેટફોર્મ
CJPએ સોશિયલ મીડિયામાં જણાવ્યું છે કે, તે યુવાનો માટે ભારતીય રાજકારણના ભવિષ્યને આકાર આપવા માટેનું એક મજબૂત પ્લેટફોર્મ છે. આ માટે પક્ષ ટૂંક સમયમાં જ એક રાષ્ટ્રવ્યાપી પહેલ શરૂ કરશે, જેમાં યુવા નાગરિકો પાસેથી વિવિધ સૂચનો, વિચારો અને પ્રતિસાદ મંગાવવામાં આવશે. જેથી પક્ષે કયા મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને યુવાનો દેશમાં કેવા બદલાવો જોવા માંગે છે તે અંગે વ્યાપક ચર્ચા કરી શકાય.
શું આ પક્ષ ભારત માટે જોખમી સાબિત થશે?
જ્યારે સ્થાપક અભિજિત દીપકેને સવાલ કરાયો કે, શું આ ચળવળ ભવિષ્યમાં નેપાળ કે બાંગ્લાદેશમાં થઈ એવી હિંસક સ્થિતિમાં ફેરવાઈ શકે છે? ત્યારે તેમણે સ્પષ્ટતા કરી કે, 'આવું ક્યારેય નહીં થાય. ભારતના યુવાનો અપેક્ષા કરતાં વધુ પરિપક્વ અને રાજકીય રીતે સભાન છે. તેઓ પોતાના બંધારણીય અધિકારો જાણે છે અને શાંતિપૂર્ણ રીતે લોકશાહી ઢબે પોતાનો વિરોધ નોંધાવશે. આમાંથી ઘણાં યુવાનો અત્યારે સરકાર ચલાવતા લોકો કરતાં પણ વધુ શિક્ષિત અને સક્ષમ છે.'
કોકરોચ જનતા પાર્ટીનું ભવિષ્ય શું?
કોકરોચ જનતા પાર્ટી ભવિષ્યમાં એક સત્તાવાર રાજકીય પક્ષ તરીકે રજિસ્ટર થશે કે માત્ર એક પ્રયોગ બનીને રહી જશે, તે તો સમય જ બતાવશે. પરંતુ આજના રાજકીય માહોલમાં યુવાનોની હતાશા, બેરોજગારી અને સિસ્ટમ પ્રત્યેના આક્રોશને વ્યક્ત કરવા માટે આ પક્ષે જે 'મિમ-પોલિટિક્સ'નો સહારો લીધો છે, તે દેશની જનતા માટે ચોક્કસપણે એક નવો અને તાજગીભર્યો અનુભવ છે.









