India

CJPના પ્રતિનિધિમંડળ સાથે મોદી સરકારની શું વાત થઈ?, કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાએ કરી સ્પષ્ટતા

By GS Team
22 Jul 20264 mins read
TukuTouch Logo
દિલ્હીમાં ભાજપ મુખ્યાલય ખાતે કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાએ પત્રકાર પરિષદ યોજી. તેમણે CJP પ્રતિનિધિમંડળ સાથેની વાતચીતની સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, વિપક્ષ પેપર લીકના મુદ્દે રાજકારણ કરી રહ્યું છે. નડ્ડાએ રાહુલ ગાંધીના આરોપોને ખોટા ગણાવ્યા. તેમણે સંસદમાં ચર્ચા માટે તૈયારી દર્શાવી અને પેપર લીકની ઘટનાઓ માટે વિપક્ષ શાસિત રાજ્યોનો પણ ઉલ્લેખ કર્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

CJPના પ્રતિનિધિમંડળ સાથે મોદી સરકારની શું વાત થઈ?, કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાએ કરી સ્પષ્ટતા

JP Nadda Press Conference : કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાએ બુધવારે સાંજે દિલ્હી સ્થિત ભાજપ મુખ્યાલયમાં એક પત્રકાર પરિષદ કરીને CJP પ્રતિનિધિમંડળ સાથે થયેલી વાતચીત અંગે સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યુ કે, વિપક્ષ પેપર લીકના મુદ્દા પર રાજકારણ કરી રહ્યુ છે. CJPના પ્રતિનિધિમંડળે અમને તેમની માગણીઓ જણાવી હતી, તે મુદ્દે અમે કાર્યવાહી કરવાનો વિશ્વાસ અપાવ્યો હતો.નડ્ડાએ કહ્યુ કે પેપર લીક મામલે રાહુલ ગાંધી ખોટા આરોપો લગાવી રહ્યા છે.

CJP સાથેની વાતચીત પર શું બોલ્યા નડ્ડા?

પત્રકાર પરિષદ દરમિયાન એક પત્રકારે પૂછ્યું કે, CJPના નેતૃત્વ સાથે તમારી શું વાત થઈ? તેના જવાબમાં જે.પી. નડ્ડાએ કહ્યું, 'ખૂબ જ સારા વાતાવરણમાં તેમની સાથે વાત થઈ. તેમણે પોતાની માંગણીઓ જણાવી. અમે તેમને પોતાની માંગણીઓ લખીને આપવા કહ્યું, જે તેમણે આપી. તેના પર અમે વિચાર કરીશું અને પછી તેમનો સંપર્ક કરીશું.'

પેપર લીક પર સંસદમાં ચર્ચા પર જે.પી. નડ્ડાનું નિવેદન

જે.પી. નડ્ડાએ કહ્યું, 'આપણે આરોપ-પ્રત્યારોપથી આગળ વધીને આના પર ચર્ચા કરવી જોઈએ. ચર્ચાનું સૌથી સારું માધ્યમ સંસદ છે, અને અમે તે ચર્ચા માટે તૈયાર છીએ. આના પર પૂરતી ચર્ચા થવી જોઈએ, જેમાં ઊંડાણપૂર્વક ચર્ચા કરીને વિગતો સમજવામાં આવે. પેપર લીક થવાના કારણો શું છે? તેમાં કયા લોકો સામેલ છે, અને કેન્દ્ર સરકારે આના પર શું જવાબ આપ્યો છે?, જ્યારે પેપર લીકનો મામલો અમારા ધ્યાનમાં આવ્યો, તો અમે આ મુદ્દાને કેવી રીતે ઉકેલ્યો છે, અને બીજી સરકારોએ તેને કેવી રીતે ઉકેલવો જોઈએ? આપણે કઈ બાબત પર ઊંડાણપૂર્વક વિચારવું જોઈએ, અને તેનો ઉકેલ કેવી રીતે લાવવો જોઈએ જેથી આપણા લાખો વિદ્યાર્થીઓ સાથે અન્યાય ન થાય?'

સોનમ વાંગચુક સાથે શું વાત થઈ?

એક્ટિવિસ્ટ સોનમ વાંગચુક સાથેની મુલાકાત પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડાએ કહ્યું, 'અમે તેમના ખબર-અંતર પૂછવા ગયા હતા. તેમને સફદરજંગ હોસ્પિટલમાંથી મેદાન્તા શિફ્ટ કરવામાં આવ્યા હતા. તેઓ ICUમાં હોવાથી ત્યાંનું વાતાવરણ મર્યાદિત હતું. અમારી મુલાકાત દરમિયાન અમે તેમના સ્વાસ્થ્ય અને ખબર-અંતર પૂછ્યા. અમે તેમને પોતાના ઉપવાસ તોડવા, મુખ્યધારામાં સામેલ થવા અને બાળકોને સાચી દિશા બતાવવા માટે વિનંતી કરી. અમારી સરકાર તમામ મુદ્દાઓ પર વાતચીત માટે તૈયાર છે, અને તેને ઉકેલવા માટે હંમેશાં તૈયાર છે. આજે તેમણે મને એક ખુલ્લો પત્ર (Open Letter) લખ્યો છે. અમે તે પત્રનો જવાબ આપીશું, અને જવાબ આપ્યા પછી વાતચીત આગળ વધે તે સુનિશ્ચિત કરીશું.'

વિપક્ષ શાસિત રાજ્યોમાં પેપર લીકની ઘટનાઓનો જે.પી. નડ્ડાએ કર્યો ઉલ્લેખ

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડાએ વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું, 'જો હું જમ્મુ-કાશ્મીરમાં સર્વિસ સિલેક્શન બોર્ડ પરીક્ષામાં પેપર લીકની વાત કરું, જ્યાં કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સની સરકાર છે. તેવી જ રીતે હિમાચલ પ્રદેશમાં, હિમાચલ પ્રદેશ સ્કૂલ એક્ઝામિનેશન બોર્ડમાં પેપર લીક થયું, જ્યાં કોંગ્રેસની સરકાર છે. ઝારખંડમાં JACમાં હિન્દી અને સાયન્સના પેપર લીક થયા, જ્યાં કોંગ્રેસ અને ઝારખંડ મુક્તિ મોરચાની સરકાર છે. તેલંગાણામાં ઇન્ટરમીડિયેટનું ભાષાનું પેપર લીક થયું, અને ત્યાં પણ આપણને ખબર છે કે, સરકાર કોંગ્રેસ અને CPIના સમર્થનવાળી છે. તેલંગાણામાં SSCમાં ભાષાનું પેપર લીક થયું, અને ત્યાં પણ સરકાર કોંગ્રેસ અને CPIના સમર્થનવાળી છે.'

જે.પી. નડ્ડાએ આગળ કહ્યું, 'તમિલનાડુમાં તમિલનાડુ ટીચર્સ એજ્યુકેશન યુનિવર્સિટી બોર્ડના B.Ed કોર્સના પેપરમાં પેપર લીક થયું, તે સમયે ત્યાં પણ વિપક્ષની સરકાર હતી. પશ્ચિમ બંગાળમાં પોલીસ કોન્સ્ટેબલની ભરતી પરીક્ષાનું પેપર લીક થયું, તે સમયે ત્યાં TMCની સરકાર હતી. પંજાબમાં પંજાબ સબઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન બોર્ડમાં ગ્રુપ B પરીક્ષામાં પેપર લીક અને ગડબડી થઈ. તેવી જ રીતે કેરળમાં ગડબડી થઈ. 26 PSC એક્ઝામ પેપર્સ લીક થયા. કર્ણાટકમાં જ્યાં કોંગ્રેસની સરકાર છે, ત્યાં પ્રિપેરેટરી બોર્ડ એક્ઝામમાં પેપર લીક થયું હતું. PUCનું પેપર લીક થયું હતું. આ એક ખૂબ લાંબી યાદી છે, જેના પર અમે સમય આવ્યે ચર્ચા કરવા માગીશું.'

રાહુલ ગાંધી પર પ્રહાર

રાહુલ ગાંધી પર પ્રહાર કરતા જે.પી. નડ્ડાએ કહ્યું, 'હું વિપક્ષના નેતા રાહુલ ગાંધીને પૂછવા માગું છું કે, તમે આટલા સિલેક્ટિવ કેમ છો? તમે UPA અને UPA સમર્થિત સરકારો પર ચર્ચા કેમ ન કરી? તમે તેમનાથી અંતર કેમ રાખ્યું? આના પરથી સ્પષ્ટપણે ખબર પડે છે કે, તમારો હેતુ વિદ્યાર્થીઓનું ભલું કરવાનો નથી. તમારો હેતુ શિક્ષણને સારું બનાવવાનો, શિક્ષણની ગુણવત્તા સુધારવાનો અને વિદ્યાર્થીઓ માટે ન્યાય સુનિશ્ચિત કરવાનો નથી. તમને તેમાં કોઈ રસ નથી. તમે વિદ્યાર્થીઓના મુદ્દાઓ અને માંગણીઓથી રાજકીય ફાયદો ઉઠાવવા માગો છો, જે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે.'