India

કોલકાતામાં સરકારી બિલ્ડિંગમાં આગ લાગતાં 4000 EVM ભસ્મ! રાજકીય કાવતરાનો આરોપ

By GS Team
12 Jun 20263 mins read
TukuTouch Logo
પશ્ચિમ બંગાળના કોલકાતાના અલીપુર વિસ્તારમાં એક સરકારી ઇમારતમાં લાગેલી ભીષણ આગમાં 4 હજાર EVM બળીને ખાક થઈ ગયા છે. આ અંગે વિપક્ષ દ્વારા આ ઘટનામાં 'મોટા કાવતરા'ની આશંકાઓ વ્યક્ત કરાતા હોબાળો મચી ગયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કોલકાતામાં સરકારી બિલ્ડિંગમાં આગ લાગતાં 4000 EVM ભસ્મ! રાજકીય કાવતરાનો આરોપ

4000 EVMs Destroyed in Kolkata Government Building Fire: પશ્ચિમ બંગાળના કોલકાતાના અલીપુર વિસ્તારમાં એક સરકારી ઇમારતમાં લાગેલી ભીષણ આગમાં 4 હજાર EVM બળીને ખાક થઈ ગયા છે. આ અંગે વિપક્ષ દ્વારા આ ઘટનામાં 'મોટા કાવતરા'ની આશંકાઓ વ્યક્ત કરાતા હોબાળો મચી ગયો છે.  

બીજા માળે લાગેલી આગ નવમા દસમા માળે કેવી રીતે પહોંચી ગઈ? 

આગ બુધવારે દક્ષિણ કોલકાતાના અલીપુર સરકારી ઇમારતમાં લાગી હતી. આ બિલ્ડિંગમાં અન્ય મહત્ત્વના સરકારી વિભાગો ઉપરાંત દક્ષિણ 24 પરગના જિલ્લા પરિષદની ઓફિસ પણ આવેલી છે. બંગાળના મંત્રી કૌશિક ચૌધરીએ ગુરુવારે ઘટનાસ્થળની મુલાકાત લીધા બાદ ચોંકાવનારું નિવેદન આપતા કહ્યું કે, આગ સૌથી પહેલા ઇમારતના બીજા અને ત્રીજા માળે જોવા મળી હતી. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે ચોથો, પાંચમો અને છઠ્ઠો માળ પ્રભાવિત થયા વિના જ આગ સીધી સાતમા, આઠમા, નવમા અને દસમા માળ સુધી પહોંચી ગઈ! 

કોંગ્રેસે પણ આગની ઘટના પર સવાલ ઉઠાવ્યા: 


સરકારના મંત્રીએ જ કર્યા ગંભીર સવાલ

મંત્રી કૌશિક ચૌધરીએ આ અંગે ગંભીર સવાલ ઉઠાવતા જણાવ્યું છે કે, આ આગ સામાન્ય લાગતી નથી. અમે તપાસ કરી રહ્યા છીએ કે આમાં કોઈ કાવતરું સામેલ છે કે નહીં. આગ ચોથા, પાંચમા અને છઠ્ઠા માળને નુકસાન પહોંચાડ્યા વિના સીધી સાતમા અને આઠમા માળ સુધી કેવી રીતે પહોંચી? આ સમગ્ર બાબત અત્યારે તપાસ હેઠળ છે. 

આ વર્ષની ચૂંટણીમાં વપરાયેલા 4,000 EVM બળીને ખાક

આ આગમાં સૌથી મોટું નુકસાન લોકશાહીના કિંમતી દસ્તાવેજો સમાન મશીનોને થયું છે. મંત્રીના જણાવ્યા અનુસાર, આ ઇમારતમાં રાખવામાં આવેલા આશરે 4,000 EVM સંપૂર્ણપણે નાશ પામ્યા છે. આ એ જ વોટિંગ મશીનો હતા જેનો ઉપયોગ આ વર્ષે જ રાજ્યમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન 10 વિવિધ મતવિસ્તારોમાં કરવામાં આવ્યો હતો.

ફોરેન્સિક લેબ રિપોર્ટની રાહ 

સમગ્ર મામલે પોલીસે FIR નોંધીને તપાસ હાથ ધરી છે. હાલ પૂરતી આખી બિલ્ડિંગને સુરક્ષિત કરીને ત્યાં લોકોની અવરજવર પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. અધિકારીઓનું કહેવું છે કે ફોરેન્સિક લેબના રિપોર્ટ આવ્યા બાદ જ કોઈ ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચી શકાશે.

ભાજપ નેતાઓએ વ્યક્ત કરી કાવતરાની આશંકા

કેન્દ્રીય મંત્રી સુકાંત મજુમદારે આ ઘટના અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આમાં કોઈ મોટા કાવતરાની શક્યતાને નકારી શકાય નહીં. બીજી તરફ, ભાજપના નેતા રાકેશ સિંહે પણ સીધો આરોપ લગાવ્યો છે કે આ આગ એક પૂર્વાયોજિત કાવતરું હતું.

જો કે, સત્તાવાર રીતે વહીવટી તંત્ર કે તપાસકર્તાઓ દ્વારા આવા કોઈ દાવાને સમર્થન આપતો પુરાવો હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી. અધિકારીઓ હાલમાં બિલ્ડિંગમાં રાખેલા અન્ય સરકારી રેકોર્ડ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સિક્યુરિટી સિસ્ટમને કેટલું નુકસાન થયું છે તેનો અંદાજ લગાવી રહ્યા છે.

આગ લાગવાનું અસલી કારણ ભલે ફોરેન્સિક રિપોર્ટ પછી બહાર આવે, પરંતુ એકસાથે 4,000 ઇલેક્શન મશીનોનું રાખ થઈ જવું અને આગની આ વિચિત્ર પેટર્ન વહીવટી તંત્રની સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો જરૂર ઊભા કરે છે.