Get The App

'US-ઈઝરાયલ ગેરંટી આપે કે..', ઈરાનના રાષ્ટ્ર પ્રમુખે યુદ્ધ રોકવાનો રસ્તો વડાપ્રધાન મોદીને જણાવ્યો

Updated: Mar 21st, 2026

GS TEAM

Google News
Google News
'US-ઈઝરાયલ ગેરંટી આપે કે..', ઈરાનના રાષ્ટ્ર પ્રમુખે યુદ્ધ રોકવાનો રસ્તો વડાપ્રધાન મોદીને જણાવ્યો 1 - image

West Asia Crisis: ઈરાનના રાષ્ટ્ર પ્રમુખ મસૂદ પેજેશ્કિયાને શનિવારે 21 માર્ચ, 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. આ દરમિયાન બંને દેશોના વડાઓએ દ્વિપક્ષીય સંબંધોની સાથે પશ્ચિમ એશિયામાં પ્રવર્તી રહેલા તણાવ પર પણ ચર્ચા કરી હતી. રાષ્ટ્ર પ્રમુખ પેજેશ્કિયાને પીએમ મોદીને કહ્યું હતું કે, 'ઈરાને યુદ્ધની શરૂઆત કરી નથી, પરંતુ અમેરિકા અને ઈઝરાયલે કોઈપણ માન્ય કારણ વગર લશ્કરી હુમલા શરૂ કર્યા છે.'

ઈરાનમાં થયેલા નુકસાનનો વાતચીતમાં ઉલ્લેખ

પેજેશ્કિયાને કહ્યું કે, અમેરિકા અને ઈઝરાયલના સંયુક્ત હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈ, અનેક વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ અને શાળાના બાળકો સહિત નિર્દોષ નાગરિકો માર્યા ગયા છે અને જાહેર માળખાગત સુવિધાઓને નિશાન બનાવવામાં આવી છે. તેમણે દાવો કર્યો હતો કે અમેરિકાએ પડોશી દેશોમાં સ્થિત તેના સૈન્ય મથકો પરથી મિનાબ શહેરની એક ગર્લ્સ સ્કૂલને નિશાન બનાવી હતી, જેમાં 168 માસૂમ બાળકીઓના મોત થયા હતા.

ઈઝરાયલ અશાંતિ વધારી રહ્યું છે!

અમેરિકન રાષ્ટ્ર પ્રમુખના દાવાને ફગાવતા પેજેશ્કિયાને કહ્યું કે ઈરાનના સર્વોચ્ચ નેતૃત્વએ હંમેશા પરમાણુ હથિયારોનો વિરોધ કર્યો છે. તેમણે દાવો કર્યો હતો કે ઈરાનમાં પરમાણુ હથિયારો બનાવવા પર ધાર્મિક અને વહીવટી પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. રાષ્ટ્ર પ્રમુખ પેજેશ્કિયાને કહ્યું કે ઈરાન પર ક્ષેત્રમાં અસ્થિરતા ફેલાવવાના જે આરોપો લાગી રહ્યા છે તે ખોટા છે. તેમણે ઉમેર્યું કે ઈઝરાયલ લેબનોન, ગાઝા, ઈરાન, ઈરાક અને કતારમાં હુમલા કરીને આ વિસ્તારમાં અશાંતિ વધારી રહ્યું છે.


'અમાનવીય અને અનૈતિક ગણાવી નિદા કરી'

પીએમ મોદી સાથેની વાતચીતમાં રાષ્ટ્ર પ્રમુખ મસૂદ પેજેશ્કિયાને કહ્યું, 'ઈરાન હંમેશા આંતરરાષ્ટ્રીય સ્તરે સંવાદ અને પારદર્શિતા માટે તૈયાર રહ્યું છે, જેમાં સંયુક્ત રાષ્ટ્રના મંચ પરની વાતચીત પણ સામેલ છે.' તેમણે અમેરિકા અને ઈઝરાયલની કાર્યવાહીને અમાનવીય અને અનૈતિક ગણાવીને સખત શબ્દોમાં નિંદા કરી હતી. ઈરાની રાષ્ટ્ર પ્રમુખએ પશ્ચિમ એશિયાના દેશો વચ્ચે પ્રાદેશિક સહયોગ દ્વારા શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે એક પ્રાદેશિક સુરક્ષા માળખું બનાવવાનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો, જેમાં બહારની કોઈ દખલગીરી ન હોય.

ફરી હુમલા નહીં થાય તેની ગેરંટી આપે US-ઈઝરાયલ

સાથે જ તેમણે કહ્યું કે આ ક્ષેત્રમાં શાંતિ માટે જરૂરી છે કે અમેરિકા અને ઈઝરાયલ તાત્કાલિક તેમના હુમલા રોકે અને ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તેની ગેરંટી આપે. પીએમ મોદી સાથેની વાતચીત દરમિયાન ભારતની બ્રિક્સ (BRICS)ની અધ્યક્ષતાનો ઉલ્લેખ કરતા પેજેશ્કિયાને આ સંગઠન પાસે ઈરાન વિરુદ્ધના હુમલા રોકવા અને પ્રાદેશિક શાંતિ જાળવવામાં સ્વતંત્ર ભૂમિકા ભજવવાની અપીલ કરી હતી. બીજી તરફ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈદ-ઉલ-ફિત્ર અને નવરોઝના અવસરે ઈરાનના રાષ્ટ્ર પ્રમુખ, સરકાર અને જનતાને શુભેચ્છાઓ પાઠવી હતી અને શાંતિ તથા સમૃદ્ધિની કામના કરી હતી.

આ પણ વાંચો: કંઈક મોટું થવાના એંધાણ ! ઈરાને ‘હોર્મુઝ’ બંધ કરતા 22 દેશો ભડક્યા, કહ્યું- ‘તાત્કાલીક જળમાર્ગ ખોલો નહીં તો...’

વડાપ્રધાન મોદીએ પશ્ચિમ એશિયામાં વધતા તણાવ પર ઊંડી ચિંતા વ્યક્ત કરતા ઈરાનના ઉર્જા માળખા પર થયેલા હુમલાની સખત નિંદા કરી હતી. તેમણે કહ્યું કે આવા હુમલા વૈશ્વિક ખાદ્ય અને ઉર્જા સુરક્ષા માટે ગંભીર ખતરો છે અને આંતરરાષ્ટ્રીય વેપારને અસર કરી શકે છે. PM મોદીએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝની સુરક્ષા અને પર્સિયન ગલ્ફમાં જહાજોની અવરજવર અવિરત રહેવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. વડાપ્રધાને સ્પષ્ટ કર્યું હતું કે યુદ્ધ કોઈના હિતમાં નથી અને તમામ પક્ષોએ વહેલી તકે શાંતિના માર્ગે પાછા ફરવું જોઈએ.