22 Countries Against Iran Over Strait Of Hormuz Issue : અમેરિકા-ઈઝરાયલના હુમલાના કારણે ગુસ્સે થયેલા ઈરાને ‘સ્ટ્રેટ ઑફ હોર્મુઝ’ જળમાર્ગ બંધ કરી દઈને વિશ્વને મોટી આફતમાં મુકી દીધું છે. વિશ્વભરનું 20 ટકા ઓઈલ અને ગેસ વેપાર હોર્મુઝ જલડમરૂમધ્યમાંથી પસાર થાય છે, જોકે ઈરાનની ધમકી બાદ આ વેપાર અટકી ગયો છે, જેના કારણે હોર્મુઝને તાત્કાલીક ખોલવા માટે 22 દેશો ઈરાન વિરુદ્ધ થઈ ગયા છે.
22 દેશોનો ઈરાન પર ગંભીર આક્ષેપ
સંયુક્ત આરબ અમીરાત અને બહેરીન સહિત 22 યુરોપીયન દેશોએ સંયુક્ત નિવેદનમાં કહ્યું છે કે, ‘ઈરાન નિઃશસ્ત્ર કોમર્શિયલ જહાજો પર હુમલા કરી રહ્યું છે, નાગરિકો માટેની પાયાની સુવિધા તેલ અને ગેસને ટાર્ગેટ કરી રહ્યું છે, ઈરાની સેના દ્વારા હોર્મુઝ જલડમરૂમધ્યને બાનમાં લેવાયું છે, જે આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે. ઈરાને તાત્કાલીક અરથી ધમકીઓ, ડ્રોન અને મિસાઈલ હુમલા સહિતની કાર્યવાહીઓ અને માઈન્સ બિછાવવાનું કામ બંધ કરી દેવું જોઈએ. જો હોર્મુઝ જળમાર્ગ તાત્કાલીક ખોલવામાં નહીં આવે તો આગામી સમયમાં સંકટ વધુ ઘેરું બની જશે.’
ઈરાન જળમાર્ગ સિદ્ધાંતોનું પાલન કરે : 22 દેશોનું નિવેદન
22 દેશોએ સ્પષ્ટ કહ્યું છે કે, તેઓ હોર્મુઝ જલડમરૂમધ્યમાં સપ્લાય ચેન સુરક્ષિત રાખવાના પ્રયાસો કરવા માટે યોગદાન આપવા તૈયાર છે. આ દેશોએ વૈશ્વિક ઊર્જા સપ્લાય સુચારુરુપે ચાલે તે માટે વિશ્વને મળીને સંકટનું સમાધાન શોધવાની અપીલ કરી છે. આ દેશોએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવને ટાંકીને કહ્યું છે કે, ઈરાન આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમાઓ કે જળમાર્ગોમાં કોઈપણ દેશના જહાજો, કોઈપણ રોકટોક, અવરોધ કે ભય વગર મુક્તપણે અવરજવર કરી શકે, તે સિદ્ધાંતોનું પાલન કરવું જોઈએ.
ઈરાનના 130 જહાજો સહિત 8000 સૈન્ય ઠેકાણા પર અમેરિકાનો હુમલો
28 ફેબ્રુઆરીએ ઈરાન પર હુમલાઓ શરૂ થયા બાદ અમેરિકાએ શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં 130 ઈરાની જહાજો સહિત 8000થી વધુ સૈન્ય ઠેકાણાને ટાર્ગેટ કર્યા છે. અમેરિકન સેન્ટ્ર કમાન્ડે એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં એડમિરલ બ્રૈડ કૂપરે કહી રહ્યા છે કે, ‘અમે અત્યાર સુધીમાં ઈરામાં 8000થી વધુ સૈન્ય ઠેકાણા પર હુમલા કર્યા છે, જેમાં 130 ઈરાની જહાજ સામેલ છે. દ્વિતીય વિશ્વ યુદ્ધ બાદ ત્રણ સપ્તાહની અંદર કોઈ નૌકાદળનો સૌથી મોટો વિનાશ થયો હોય તેવો આ પહેલો મામલો છે. ઈરાનની લડવાની ક્ષમતા સતત ઘટી રહી છે, કારણ કે અમેરિકા દ્વારા હુમલાઓ તેજ થઈ રહ્યા છે.’


