Get The App

મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે ભારતમાં ઓઈલ-ગેસની કમી? કેન્દ્ર સરકારે આપ્યો જવાબ

Updated: Mar 6th, 2026

GS TEAM

Google News
Google News
India Fuel Price Stability
(IMAGE - ENVATO)

Crude Oil Price Rise: પશ્ચિમી એશિયામાં વધી રહેલા તણાવને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે છેલ્લા છ દિવસથી ચાલી રહેલા સંઘર્ષના પરિણામે ક્રૂડ ઓઇલના ભાવ 15% વધીને 84 ડૉલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયા છે. જો આ યુદ્ધ વધુ લંબાય તો કિંમતો 90 ડૉલર સુધી પહોંચવાની આશંકા છે, જોકે બજારમાં પુરતો જથ્થો ઉપલબ્ધ હોવાથી સ્થિતિ સામાન્ય થતા જ ભાવ ઘટવાની પણ શક્યતા છે. 

ભારતમાં આજની સ્થિતિમાં તેલની કોઈ તંગી નથી: સૂત્ર

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ભારતમાં હાલના સમયે તેલ કે ઈંધણની કોઈ જ તંગી નથી અને ભવિષ્યમાં પણ આવી કોઈ અછત સર્જાય તેવી શક્યતા નહિવત છે. ભારત પાસે પોતાની જરૂરિયાતોને પહોંચી વળવા માટે પૂરતા પ્રમાણમાં તેલનો જથ્થો ઉપલબ્ધ છે. વૈશ્વિક ભૌગોલિક-રાજકીય સ્થિતિ વચ્ચે પણ ભારત પોતાની ઊર્જા સુરક્ષા જાળવી રાખવા માટે વ્યૂહાત્મક રીતે રશિયા પાસેથી મોટા પ્રમાણમાં અને રાહત દરે કાચું તેલ ખરીદી રહ્યું છે.

કેન્દ્ર સરકારે જણાવ્યો B-Plan

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે ભારતમાં તેલ અને ગેસની અછત એક મુખ્ય સમસ્યા બની રહી છે. દરમિયાન સમાચાર એજન્સી ANI એ સરકારી સ્ત્રોતને ટાંકીને મહત્ત્વપૂર્ણ માહિતી પૂરી પાડી છે. શુક્રવારે ANIએ કેન્દ્ર સરકારને ટાંકીને કહ્યું કે, 'અમારી પાસે ક્રૂડ ઓઈલ, તેલ ઉત્પાદનો અને LPGનો સારો ભંડાર છે, જે હોર્મુઝ સ્ટ્રેટમાં અવરોધિત ઉર્જા સ્ત્રોતો કરતા ઘણો વધારે છે. અમારા વર્તમાન સ્ટોકના આધારે, અમે સારી સ્થિતિમાં છીએ. અમે અન્ય વિસ્તારોમાંથી અમારો પુરવઠો વધારીશું અને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પુરવઠાની અછતને પૂર્ણ કરીશું.'

મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે ભારતમાં ઓઈલ-ગેસની કમી? કેન્દ્ર સરકારે આપ્યો જવાબ 2 - image

તેલના ભાવ પર સરકારનું આશ્વાસન

આ વધારા વચ્ચે ભારત સરકાર દ્વારા દેશના ગ્રાહકોને આશ્વાસન આપવામાં આવ્યું છે કે સ્થાનિક બજારમાં તેલની કિંમતો પર હાલમાં કોઈ અસર પડશે નહીં. ભારત પાસે પૂરતો તેલ અને ગેસનો સ્ટોક ઉપલબ્ધ છે અને સરકાર વૈકલ્પિક સપ્લાય માટે IEA અને ઓપેક(OPEC) જેવા સંગઠનો સાથે સતત સંપર્કમાં છે.

કતારના નિર્ણયની ભારત પર મર્યાદિત અસર

બીજી તરફ, કતાર દ્વારા ગેસ ઉત્પાદન બંધ કરવાના નિર્ણયની ભારત પર મર્યાદિત અસર પડશે, કારણ કે ભારત તેની જરૂરિયાતનો માત્ર 30% ગેસ જ કતારથી આયાત કરે છે. સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો ગેસની અછત સર્જાય તો પણ ઘરેલું પીએનજી(PNG) અને સીએનજી(CNG) વપરાશકર્તાઓ પર તેની કોઈ અસર થવા દેવામાં આવશે નહીં. 

આ પણ વાંચો: બિહારમાં નીતિશ યુગના અંતનો આરંભ રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવી

વૈકલ્પિક માર્ગોથી આયાત વધારવાની વ્યૂહનીતિ

ઈરાનની હોર્મુજ જળમાર્ગ બંધ કરવાની ધમકી અંગે પણ સરકારે તૈયારીઓ કરી લીધી છે. ભારતની આયાતનો 40% હિસ્સો આ માર્ગ પર નિર્ભર છે, પરંતુ સુરક્ષિત અને અન્ય વૈકલ્પિક માર્ગો દ્વારા સપ્લાય વધારીને તેની ભરપાઈ કરવાની વ્યૂહનીતિ ઘડવામાં આવી છે. આમ, વૈશ્વિક અનિશ્ચિતતા છતાં ભારત સરકાર ઊર્જા સુરક્ષા જાળવી રાખવા માટે મજબૂત રીતે કામ કરી રહી છે.

મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે ભારતમાં ઓઈલ-ગેસની કમી? કેન્દ્ર સરકારે આપ્યો જવાબ 3 - image