Get The App

દેશના 166 મોટા જળાશયોમાં પાણી ઘટ્યું, કાળઝાળ ગરમી વચ્ચે કેન્દ્રીય જળ પંચનો રિપોર્ટ

Updated: Apr 13th, 2026

GS TEAM

Google News
Google News
દેશના 166 મોટા જળાશયોમાં પાણી ઘટ્યું, કાળઝાળ ગરમી વચ્ચે કેન્દ્રીય જળ પંચનો રિપોર્ટ 1 - image


Water Levels News: ભારે ગરમી વચ્ચે પાણી અંગે એક ચિંતાજનક અહેવાલ સામે આવ્યો છે. દેશના 166 મોટા જળાશયોમાં પાણીનું સ્તર બહુ જ ઝડપથી નીચે આવી રહ્યું છે. કેન્દ્રીય જળ આયોગ દ્વારા જાહેર કરાયેલા તાજેતરના રિપોર્ટમાં આ ખુલાસો કરાયો છે. જે મુજબ આ જળાશયોમાં કુલ સ્ટોરેજ ઘટીને 82 અબજ ઘન મીટર રહી ગયું છે. જે કુલ ક્ષમતાના માત્ર 44.71 ટકા છે. 

ઘટાડામાં પંજાબ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, હિમાચલ, ગુજરાત, મધ્ય પ્રદેશ સહિતના રાજ્યોના જળાશયો સામેલ 

આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ફેબુ્રઆરી મહિના બાદથી જ જળાશયોનું પાણી બહુ જ તેજીથી ઘટી રહ્યું છે. બે મહિનામાં જ તેમાં 22 ટકાનો ઘટાડો નોંધાયો છે. એવામાં હવે ગરમીની સીઝનમાં જળ સંકટ વધી શકે છે. મોટાભાગના નદી બેસિન હવે 30 ટકાથી 60 ટકાની ક્ષમતા સુધી રહ્યા છે. બિહારનો ચંદન ડેમ પુરી રીતે સુકાઇ ગયો છે. પંચનું કહેવું છે કે સ્થિતિ ગયા વર્ષ અને 10 વર્ષના સરેરાશથી સારી છે, પરંતુ પાણીનું સ્તર જે ઝડપથી ઘટી રહ્યું છે તે ચિંતાજનક છે.

આસામનું ખાંગોડ 28 ટકા, કર્ણાટકનું તાતિહલ્લા 16 ટકા, કેરળનું પેરિયાર 33 ટકા, તમિલનાડુનું શોલાયર 13 ટકા, બંગાળનું કાંગ્સાબાતી 34 ટકા રહ્યું છે. પંજાબ અને રાજસ્થાનના જળાશયોનું પાણી વધુ ઝડપથી ઘટી રહ્યું છે. રાજ્યો પર નજર કરીએ તો પંજાબમાં 73 ટકાનો ઘટાડો, રાજસ્થાનમાં 47 ટકા, મહારાષ્ટ્રમાં 45 ટકા, હિમાચલમાં 30 ટકા, ગુજરાતમાં 26 ટકા, મધ્ય પ્રદેશમાં 23 ટકા, બિહારમાં 22 ટકા ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત તાપી નદીના તટપ્રદેશમાં પાણીમાં 60 ટકા, ગંગા નદીમાં 53 ટકા, નર્મદા નદીમાં 46 ટકા, કાવેરીમાં 42 ટકા, કૃષ્ણા નદીમાં 31 ટકાનો ઘટાડો નોંધાયો છે.