- ચૂંટણી પછી પણ પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં વધે : કેન્દ્ર
- ચૂંટણી પંચે મતદાન સમયે જનતા પર દેશી બોમ્બ ના ફેંકાય તેની ખાતરી કરવા એનઆઈએને ઉતારી
કોલકાતા : પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીમાં બુધવારે ૧૪૨ બેઠકો પર બીજા અને અંતિમ તબક્કાના મતદાન થશે. કેન્દ્ર સરકારના અનેક પ્રયત્નો છતાં મમતા બેનરજીનો તૃણમૂલ કોંગ્રેસ પક્ષ બંગાળમાં સત્તા જાળવશે કે અંતે ભાજપ માટે સત્તાનો માર્ગ મોકળો થશે તેનો નિર્ણય આ મતદાનથી થશે.
પશ્ચિમ બંગાળમાં ૨૩ એપ્રિલે યોજાયેલા પહેલા તબક્કાના મતદાનમાં ભાજપ ઉત્તર બંગાળ અને તેની આજુબાજુના જિલ્લામાં તેની પરંપરાગત બઠકો જાળવી રાખે તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે ત્યારે હવે બીજા તબક્કના મતદાનમાં તૃણમૂલ કોંગ્રેસ તેની હોમ ટર્ફ એવા કોલકાતા, હાવરા, નોર્થ અને સાઉથ ૨૪ પરગણા, નાદિઆ, હૂગલી તથા પુર્વ વર્ધનમાં પ્રભુત્વ જાળવી શકશે કે કેમ તે જોવાનું રહેશે.
બીજા તબક્કાની ૧૪૨ બેઠકોમાંથી ૧૨૩ બેઠક પર તૃણમૂલ કોંગ્રેસે ૨૦૨૧માં વિજય મેળવ્યો હતો જ્યારે ભાજપે માત્ર ૧૮ બેઠક જીતી હતી. ભાજપના આકરા પ્રચાર છતાં તેને સફળતા મળી નહોતી. તૃણમૂલ કોંગ્રેસ માટે તેના આ ગઢ પર કબજો જાળવી રાખવાનો અર્થ સતત ચોથી વખત સત્તામાં આવવું છે જ્યારે ભાજપ માટે મમતાના શાસન સામે જનતામાં અસંતોષ, ભ્રષ્ટાચારના આક્ષેપોને નાગરિકોનું સમર્થન મળે છે કે નહીં તેની પરીક્ષા થશે.
પશ્ચિમ બંગાળમાં બીજા અને અંતિમ તબક્કાની ચૂંટણીમાં હિંસા ના થાય તે માટે કેન્દ્ર સરકારે બે લાખથી વધુના કેન્દ્રીય દળો ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. આમ છતાં ચૂંટણી પંચે જનતા, રાજકીય કાર્યકરો અને ચૂંટણી અધિકારીઓ પર દેશી બોમ્બ ફેંકવામાં ના આવે તેની ખાતરી કરવા માટે દેશમાં આતંકી પ્રવૃત્તિઓ સામે લડતી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ની ટીમોને મેદાનમાં ઉતારી છે. પશ્ચિમ બંગાળમાંથી અનેક સ્થળો પરથી ક્રૂડ બોમ્બ મળી આવ્યા હોવાથી આ નિર્ણય લેવાયો હોવાનું ચૂંટણી પંચે જણાવ્યું છે. બીજીબાજુ દેશમાં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પૂરી થયા પછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરાશે તેવી અટકળોને કેન્દ્ર સરકારે ફરી એક વખત ફગાવી દીધી છે.


