India

ભારે સુરક્ષા વચ્ચે આજે બંગાળ અને તમિલનાડુમાં મતદાન

By GS TEAM
25 Apr 20262 mins read
ભારે સુરક્ષા વચ્ચે આજે બંગાળ અને તમિલનાડુમાં મતદાન

- તમિલનાડુની તમામ 234 બેઠકોની એક સાથે ચૂંટણી

- ઇવીએમના બટનો પર પરફ્યૂમ, શાહીના નિશાન ના હોવા જોઇએ, ચેડાં રોકવા પંચનો આદેશ 

ચેન્નાઇ/કોલકાતા : પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં ગુરૂવારે મતદાન થવા જઇ રહ્યું છે, બંગાળમાં પ્રથમ તબક્કામાં ૧૫૨ બેઠકો જ્યારે તમિલનાડુમાં એક જ તબક્કામાં તમામ ૨૩૪ બેઠકો પર મતદાન થશે. ચૂંટણી પંચે ઇવીએમ મશીનોને લઇને અધિકારીઓને સાવચેત રહેવાના આદેશ આપ્યા છે. 

ચૂંટણી પંચે અધિકારીઓને આદેશ આપ્યા છે કે મતદાન માટે ઉપયોગમાં લેવાતા ઇવીએમ મશીનના બટન સાથે કોઇ પણ પ્રકારની છેડછાડ ના થાય તેની તકેદારી રાખવામાં આવે. ઇવીએમના બટન મતદારોને સ્પષ્ટ દેખાઇ એ રીતે હોવા જોઇએ. કોઇ પણ બટનને ટેપ, ગુંદર કે કોઇ પણ સામગ્રી  લગાવીને છુપાવવા પર પ્રતિબંધ છે. બટન પર કોઇ પણ પ્રકારનું પરફ્યૂમ, કલર કે શાહી ના લગાવેલી હોય તેની તકેદારી રાખવામાં આવે. આવો કોઇ મામલો સામે આવે તો તેને ચૂંટણી સાથે સંકળાયેલો ગુનો ગણવામાં આવશે. 

પશ્ચિમ બંગાળમાં ૨૯૪માંથી પ્રથમ તબક્કાની ૧૫૨ બેઠકો પર ગુરૂવારે સવારથી મતદાન શરૂ થઇ જશે, આ તબક્કામાં ૩.૬૦ કરોડ મતદારો ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કરશે. જે જિલ્લાઓમાં મતદાન થવાનું છે તેમાં મુર્દિશાબાદમાંથી ૭.૪૮ લાખ મતદારોના નામ હટાવાયા છે, નાદીયામાં ૪.૮૫ લાખ, માલદામાં ૪.૫૯ લાખ, ઉત્તર દિનાજપુરમાં ૩.૬૩ લાખ, કૂચ બિહારમાં ૨.૪૨ લાખ મતદારોના નામ કમી કરવામાં આવ્યા છે. પ્રથમ તબક્કામાં કેટલાક ટોચના નેતાઓનું ભાવી પણ નક્કી થશે જેમાં સુવેંદુ અધિકારીનો પણ સમાવેશ થાય છે. તમિલનાડુમાં ૨૩૪ બેઠકો પર મતદાન થશે. તમિલનાડુમાં ૫.૬૭ કરોડ લોકો મતદાન કરશે, જે માટે ૩૩૧૩ સેન્ટર્સ પર ૭૫ હજાર પોલિંગ બુથ તૈયાર કરાયા છે.