Get The App

પશ્ચિમ બંગાળમાં આવતીકાલે 142 બેઠક પર મતદાન, ચાર મેએ પરિણામ

Updated: Apr 28th, 2026

GS TEAM

Google News
Google News
પશ્ચિમ બંગાળમાં આવતીકાલે 142 બેઠક પર મતદાન, ચાર મેએ પરિણામ 1 - image

- ભાજપ-ટીએમસીના આરોપો વચ્ચે બીજા તબક્કા માટે પ્રચાર પડઘમ શાંત

- મમતા બેનર્જી અને સુવેન્દુ અધિકારીની હાઈપ્રોફાઈલ બેઠક પર લડત : કુલ 3.21 કરોડ મતદારો મતદાન કરશે

- બંગાળમાં ચૂંટણી પછી 60 દિવસ સુધી કેન્દ્રીય સુરક્ષાદળો તૈનાત રહેશે : હિંસાના પગલે ગૃહ મંત્રાલયનો નિર્ણય

કોલકાત્તા : પશ્વિમ બંગાળમાં ૧૪૨ વિધાનસભા બેઠકો પર બીજા તબક્કાનું મતદાન થવાનું છે. બીજા તબક્કાના પ્રચારના છેલ્લાં દિવસે રાજકીય ડ્રામા અને ઉત્તેજના જોવા મળ્યાં હતા. હિંસાની ઘટનાઓ પણ બની હતી. ટીએમસી-ભાજપના કાર્યકરો વચ્ચે ઘણાં સ્થળોએ તંગદિલી થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી પહેલા ભાજપના નેતાઓ પર હુમલા થયા હતા. ટીએમસીની દલિત મહિલા સાંસદ મિતાલી બાગની કાર પર હુમલો થયો હતો. ટીએમસી-બીજેપીએ આ હુમલાઓ માટે એકબીજા પર આરોપો મૂક્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદની રેલી પશ્વિમ બંગાળના જગતદલમાં હતી. એ પહેલાં ભાજપ-ટીએમસીના કાર્યકરો સામ-સામે આવી ગયા હતા. મોડી રાતે જગતદલમાં બેનર લગાવી રહેલા ટીએમસી કાર્યકર બિટ્ટુ મહતો પર ભાજપના કાર્યકરોએ હુમલો કર્યો હતો. તેની પોલીસ ફરિયાદ કરવા ટીએમસીના કાર્યકરો પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. બરાબર તે વખતે જ ભાજપના પૂર્વ સાંસદ અર્જુન સિંહ પોલીસ સ્ટેશને આવ્યા હતા. એ પછી બંને પાર્ટીના કાર્યકરો અને નેતાઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. ભાજપના નેતાના ઘર પર ફાયરિંગ થયાની ફરિયાદ નોંધાઈ હતી. આ નેતાની સુરક્ષામાં તૈનાત સીઆરપીએફના એક જવાનને ગોળી વાગતા તેને ઈજા પહોંચી હતી.

પ્રચારના છેલ્લાં દિવસે ટીએમસી સાંસદ મિતાલી બાગ અભિષેક બેનર્જીની રેલીમાં આવવા નીકળ્યા ત્યારે રસ્તામાં તેની કાર પર હુમલો થયો હતો. આ દલિત મહિલા સાંસદે દાવો કર્યો હતો કે તેમના પર ભાજપના કાર્યકરોએ હુમલો કર્યો હતો. ભાજપે આ આરોપને નાટક ગણાવીને ટીકા કરી હતી. આવી ઘટનાઓ ઉપરાંત છૂટીછવાઈ ઘણી ઘટનાઓમાં ટીએમસી-ભાજપના કાર્યકરો વચ્ચે મારપીટ કે ઝપાઝપી થયાનું સામે આવ્યું હતું.

આવા રાજકીય ડ્રામા વચ્ચે બીજા અને છેલ્લાં તબક્કાના મતદાનનો પ્રચાર પૂરો થયો હતો. ૧૪૨ બેઠકો પર મતદાન થવાનું છે. એમાં બંગાળના સીએમ મમતા બેનર્જી અને ભાજપના નેતા સુવેન્દુ અધિકારી વચ્ચે જે ભવાનીપુરની બેઠકમાં સીધી ટક્કર છે એ બેઠકનો પણ સમાવેશ થાય છે.બીજા તબક્કાના મતદાન માટે ૩,૨૧,૭૩,૮૩૭ મતદારો મત કરશે. ૪૧,૦૦૧ મતદાન બૂથ પર વોટિંગ થશે. મતદાન શાંતિપૂર્ણ થાય તે માટે કેન્દ્રીય દળોની ૨૩૨૧ કંપનીઓ રાજ્યમાં તૈનાત છે. સૌથી વધારે કોલકાત્તામાં ૨૭૩ કંપનીઓ સુરક્ષામાં તૈનાત છે. 

ચૂંટણી વખતે થયેલી હિંસાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જાહેરાત કરી હતી કે બંગાળમાં ચૂંટણી પૂરી થઈ જશે પછી ૬૦ દિવસ સુધી કેન્દ્રીય દળોને રાજ્યમાં તૈનાત રાખવામાં આવશે.