Madhya Pradesh Traffic Challan News : મધ્યપ્રદેશના ગ્વાલિયરના ભિતરવાર વિસ્તારમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. રિપોર્ટ મુજબ પોલીસે ચેકિંગ દરમિયાન હેલમેટ ન પહેરવા બદલ એક બાઈકને અટકાવ્યો હતો, ત્યારબાદ ચાલાન બનાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, જોકે આ દરમિયાન બાઈક ચાલકની પત્નીએ પોતાના પર માતાની સવારી આવી હોવાનો દાવો કર્યો અને પોલીસ સ્ટેશનની અંદર જ ધૂણવા લાગી હતી.
પોલીસ સ્ટેશનમાં મહિલાનો ધૂણવાનો વીડિયો વાયરલ
પોલીસ સ્ટેશનમાં મહિલાનો ધૂણવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. મહિલાની હરકત જોઈને પોલીસ કર્મચારીઓ પણ ચોંકી ગયા હતા. જોકે રસપ્રદ વાત એ છે કે, હરકત બાદ પોલીસે કોઈપણ ચાલાન કાપવાની કાર્યવાહી કરી ન હતી, પરંતુ એક પોલીસ કર્મચારીએ મહિલાને રૂપિયા 50 આપીને શાંત કરાવી હતી.
બાઈક ચાલક પાસે હેલ્મેટ પણ નહીં, ડોક્યુમેન્ટ પણ પુરા નહીં
રિપોર્ટ મુજબ, ભિતરવાર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ ચેકિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન એક દંપત્તિ બાઈક પર સવાર થઈને આવી રહ્યા હતા. બાઈક ચાલકે હેલ્મેટ પહેર્યું ન હતું અને પુરા ડોક્યુમેન્ટ પણ ન હતા. ત્યારબાદ પોલીસ બાઈકને સ્ટેશન પર લઈ ગઈ હતી. પછી દંપત્તિ પોલીસ સ્ટેશન પર પહોંચ્યા અને પત્ની અચાનક જ પોલીસ સ્ટેશનમાં ધુણવા લાગી હતી. ધુણતી વખતે મહિલાએ દાવો કર્યો કે, તેના પર માતાની સવારી આવી છે.
પોલીસ કર્મચારીએ 50 રૂપિયા આપી વિદાય આપી
મહિલા પોલીસ સ્ટેશનની અંદર જોરજોરથી ધુણવા લાગી હતી. મહિલાની હરકત જોઈને સ્ટેશનમાં સૌકોઈ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. જોકે પછી એક પોલીસ કર્મચારીએ મહિલાને 50 રૂપિયા આપ્યા અને ચાલાનની કોઈપણ કાર્યવાહી કર્યા વગર દંપત્તિ અને બાઈકને જવા દેવાયા. ખાસ વાત એ છે કે, પોલીસ સ્ટેશનમાં ઉભેલા લોકોએ મહિલાનો વીડિયો બનાવી લીધો અને આ જ વીડિયો હવે સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.


