Uttar Pradesh Assembly Election 2027 : સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણીની અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેમણે આજે ગૌતમબુદ્ધ નગરના દાદરીમાં આયોજિત ‘સમાજવાદી સમાનતા ભાઈચારો રેલી’ દ્વારા જાહેરસભા ગજવી છે. આ દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર આકરા પ્રહારો કર્યા હતા.
ભાજપે ભીડ એકઠી કરવા સરકારી વિભાગોનો સહારો લીધો : અખિલેશ
અખિલેશ યાદવે (Akhilesh Yadav) ભાજપની રેલી પર કટાક્ષ કરતા કહ્યું કે ‘આ રેલીની ચર્ચાએ કેટલાયના હોશ ઉડાવી દીધા છે અને તેમને અમારી રેલી પહેલા રેલી કરવા મજબૂર કર્યા છે, પરંતુ જે પાર્ટી પોતાને દુનિયાની સૌથી મોટી પાર્ટી કહે છે તેમને ભીડ એકઠી કરવા માટે સરકારી વિભાગોનો સહારો લેવો પડ્યો હતો.'
‘7 એરપોર્ટનું ઉદઘાટન કર્યું, 6 બંધ થઈ ગયા’
ભાજપ સરકારની નીતિઓ પર નિશાન સાધતા તેમણે એરપોર્ટના મુદ્દે ઘેરતા જણાવ્યું કે, ‘તેમણે 7 એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું જેમાંથી 6 બંધ થઈ ગયા છે. લાગે છે કે, આ ઉદ્ઘાટન જ વેચવા માટે કરવામાં આવ્યું હતું.'
‘અમે જીતીશું તો મહિલાઓને 40,000 રૂપિયા આપીશું’
અખિલેશે યોગી સરકાર પર આક્ષેપ કર્યો કે, ‘50 લાખ કરોડના એમઓયુ માત્ર કાગળ પર જ રહ્યા અને યુવાનોને રોજગાર મળ્યો નથી.' ખેડૂતો અને સ્ત્રીઓ માટે મોટી જાહેરાતો કરતા તેમણે વાયદો કર્યો કે, '2027માં સરકાર બનશે તો લખનૌ અને ગોમતી રિવર ફ્રન્ટ પર ગુર્જર મહાપુરુષની પ્રતિમા લગાવાશે તેમજ વિકાસ કાર્યો માટે જમીન લેતી વખતે ખેડૂતોને બજાર ભાવે વળતર, 64 ટકા વળતર અને 4 ટકા પ્લોટ અપાશે.' આ ઉપરાંત તેમણે મહિલાઓ માટે 'સ્ત્રી સમૃદ્ધ સન્માન યોજના' હેઠળ 40000 રૂપિયાની સન્માન રાશિ આપવાની પણ જાહેરાત કરી હતી.


