| (IMAGE - IANS) |
Vinod Jakhar NSUI National President: ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી(AICC)એ સંગઠનમાં મોટો ફેરફાર કરતા રાજસ્થાનના યુવા નેતા વિનોદ જાખડની નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા(NSUI)ના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિમણૂક કરી છે. કોંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલે શુક્રવારે આ જાહેરાત કરી હતી. અત્યાર સુધી આ જવાબદારી વરુણ ચૌધરી સંભાળી રહ્યા હતા. વિનોદ જાખડની નિમણૂક રાજસ્થાન માટે ઐતિહાસિક છે, કારણ કે NSUIના ઈતિહાસમાં પ્રથમ વખત રાજસ્થાનના કોઈ કાર્યકર્તાને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.
Congress President Shri @kharge has appointed Shri @VinodJakharIN as the President of the National Students' Union of India (NSUI), with immediate effect.
— Congress (@INCIndia) February 20, 2026
The party appreciates the contributions of the outgoing President, Shri @varunchoudhary2. pic.twitter.com/gPGl5PPaIf
વિદ્યાર્થી રાજકારણનો લાંબો અનુભવ
વિનોદ જાખડ હાલમાં રાજસ્થાન NSUIના પ્રદેશ અધ્યક્ષ તરીકે કાર્યરત હતા. તેમણે રાજસ્થાન યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘના પ્રમુખ તરીકે પણ સેવા આપી છે. રસપ્રદ વાત એ છે કે, વર્ષ 2018માં ટિકિટ ન મળતા તેમણે બળવો કરીને અપક્ષ તરીકે ચૂંટણી જીતી હતી, પરંતુ બાદમાં સંગઠનમાં વાપસી કરીને પોતાની મહેનતથી ઉચ્ચ પદ મેળવ્યું છે. તાજેતરમાં જ તેમના નેતૃત્વમાં રાજસ્થાનમાં 'એપસ્ટેઇન ફાઇલ્સ' અને વડાપ્રધાન મોદી વિરુદ્ધ કરાયેલા વિરોધ પ્રદર્શનોની ગુંજ દિલ્હી સુધી પહોંચી હતી.
પસંદગીની પ્રક્રિયા અને ઉજવણી
NSUIના રાષ્ટ્રીય પ્રવક્તા રમેશ ભાટીએ જણાવ્યું કે, આ પદ માટે સપ્ટેમ્બર 2025થી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. દેશભરમાંથી આવેલા સેંકડો આવેદનોમાંથી 15 ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા અને ઈન્ટરવ્યૂના બે રાઉન્ડ બાદ વિનોદ જાખડની પસંદગી કરવામાં આવી છે. તેમની આ નિમણૂકને પગલે રાજસ્થાનના ધારાસભ્યો મુકેશ ભાકર, રામનિવાસ ગાવડિયા અને વિપક્ષના નેતા ટીકારામ જૂલી સહિતના દિગ્ગજોએ સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓ પાઠવી છે.


