India

VIDEO : ફતેહપુરમાં ગેસ સિલિન્ડર ફાટતાં બે માળનું મકાન ધરાશાયી, 6 લોકો દટાયા, 4નાં મોતની આશંકા

By GS Team
28 Sep 20262 mins read
TukuTouch Logo
ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં સોમવારે સાંજે એક ફળ વિક્રેતાના બે માળના મકાનમાં રાંધણ ગેસ સિલિન્ડર વિસ્ફોટ થતાં ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. માલવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા આ વિસ્ફોટથી મકાન ધરાશાયી થયું હતું. કાટમાળ નીચે 5-6 લોકો દટાયા હતા, જેમાં 4 સભ્યોના મોતની આશંકા છે. 2 ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તાત્કાલિક રાહત કાર્યના આદેશ આપ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO : ફતેહપુરમાં ગેસ સિલિન્ડર ફાટતાં બે માળનું મકાન ધરાશાયી, 6 લોકો દટાયા, 4નાં મોતની આશંકા

Fatehpur Cylinder Blast : ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાં સોમવારે સાંજે એક અત્યંત દર્દનાક દુર્ઘટના સામે આવી છે. માલવા (મલવાં) પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના એક નગરમાં રાંધણ ગેસનો સિલિન્ડર બ્લાસ્ટ થતાં એક ફળ વિક્રેતાનું બે માળનું મકાન પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયું હતું. આ ભયાનક વિસ્ફોટ અને મકાન ધરાશાયી થવાને કારણે 5 થી 6 લોકો કાટમાળ નીચે દટાઈ ગયા છે, જેમાં સ્થાનિક લોકો દ્વારા એક જ પરિવારના 4 સભ્યોના મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ભીષણ ધડાકા સાથે મકાન જમીનદોસ્ત, આસપાસના ઘરોને નુકસાન

સોમવારે સાંજે ઘરમાં રસોઈ બનાવતી વખતે અચાનક સિલિન્ડરમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ ધડાકો એટલો તીવ્ર હતો કે બે માળનું પાકું મકાન ક્ષણભરમાં કાટમાળના ઢગલામાં ફેરવાઈ ગયું હતું અને આસપાસ આવેલા અન્ય 2 મકાનોને પણ મોટું નુકસાન પહોંચ્યું હતું. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.

પોલીસ અને ફાયર બ્રિગેડ દ્વારા યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન

દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સ્થાનિક ગ્રામજનોની મદદથી કાટમાળ હટાવી નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા 2 લોકોને તાત્કાલિક સારવાર અર્થે મેડિકલ કોલેજ ખસેડવામાં આવ્યા છે. જોકે કાટમાળ નીચે હજુ કેટલા લોકો દબાયેલા છે તેની સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી અને સ્થાનિક પોલીસ અધિકારી રમાશંકર સરોજે હજુ સુધી સત્તાવાર રીતે કોઈના મોતના સમાચારને સમર્થન આપ્યું નથી.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લીધી નોંધ, રાહત કામગીરી તેજ કરવા આદેશ

આ ગંભીર દુર્ઘટનાની નોંધ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લીધી છે. તેમણે ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક સ્થળ પર પહોંચીને રાહત અને બચાવ કામગીરીને વધુ ઝડપી બનાવવાના સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે. આ સાથે જ મુખ્યમંત્રીએ ઇજાગ્રસ્તોને યોગ્ય સારવાર મળી રહે તેની વ્યવસ્થા કરવા અને તેઓ ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરી છે. હાલ પોલીસ સમગ્ર મામલે સિલિન્ડર બ્લાસ્ટ પાછળના ચોક્કસ કારણોની તપાસ કરી રહી છે.