Get The App

VIDEO : રાબડી દેવીના સરકારી બંગલામાં અધિકારીઓ-પોલીસની એન્ટ્રી, ભારે પોલીસદળ તહેનાત

Updated: May 30th, 2026

GS TEAM

Google News
Google News
VIDEO : રાબડી દેવીના સરકારી બંગલામાં અધિકારીઓ-પોલીસની એન્ટ્રી, ભારે પોલીસદળ તહેનાત 1 - image

Rabri Devi Rejects Eviction Order In Bihar : બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીને પટણા સ્થિત 10 સર્ક્યુલર રોડ ખાતેનું સરકારી નિવાસસ્થાન ખાલી કરવા માટે અલ્ટીમેટમ આપવામાં આવ્યા બાદ હવે તે નિવાસસ્થાનમાં પોલીસની એન્ટ્રી થઈ ગઈ છે. રિપોર્ટ મુજબ, સચિવાલયના અધિકારીઓ ભારે પોલીસ ફોર્સ સાથે અચાનક રાબડી દેવીના નિવાસસ્થાને પહોંચી તેમની સાથે લાંબી વાતચીત કરી હતી અને તેમને ભવન નિર્માણ વિભાગ તરફથી જારી કરાયેલી નોટિસ તેમજ ઘર ખાલી કરવાના કાનૂની આદેશોની વિગતવાર માહિતી આપી હતી. જોકે, આ હાઈપ્રોફાઈલ વાતચીત બાદ બહાર નીકળેલા અધિકારીઓએ મીડિયા સાથે કોઈ વાતચીત કરી ન હતી.

ઉતાવળમાં મકાન ખાલી કરવાનો ઈનકાર

સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીએ હાલમાં સરકારી આવાસ ખાલી કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. તેમણે અધિકારીઓને સ્પષ્ટ કહ્યું છે કે, તેઓ અત્યારે કોઈ ઉતાવળમાં આ ઘર ખાલી કરવાના નથી. મકાન ખાલી કરવાની નક્કી કરેલી સમયસીમા પૂરી થયા બાદ વિભાગ તરફથી અત્યાર સુધીમાં બે નોટિસ મોકલવામાં આવી છે. સૂત્રોના મતે જો ત્રીજી નોટિસ પછી પણ બંગલો ખાલી કરવામાં નહીં આવે, તો તંત્ર કડક વલણ અપનાવીને પોલીસ બળની મદદથી ઘર ખાલી કરાવી શકે છે.

રાબડી દેવીનો CMને પડકાર

તાજેતરમાં જ પોતાના પૌત્ર ઇરાજના જન્મદિવસની ઉજવણી કરીને દિલ્હીથી પટણા એરપોર્ટ પરત ફરેલા રાબડી દેવીનો ગુસ્સો પત્રકારોના સવાલો પર ફાટી નીકળ્યો હતો. તેમણે બિહાર સરકાર અને નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીને ખુલ્લી ચેલેન્જ આપતા કહ્યું કે, ‘સમ્રાટ ચૌધરી જેટલી પણ ફોર્સ બોલાવીને મકાન ખાલી કરાવવા માંગતા હોય તેટલી બોલાવી લે, પણ હું કોઈ પણ સંજોગોમાં આ નિવાસસ્થાન ખાલી કરવાની નથી.’

ભાજપ અને જેડીયુનો વળતો પ્રહાર

રાબડી દેવીના આ વલણ બાદ બિહારના સત્તાધારી એનડીએ (NDA) ગઠબંધનના નેતાઓએ લાલુ પરિવાર પર આકરા પ્રહારો શરૂ કરી દીધા છે. ભાજપના પ્રદેશ પ્રવક્તા નીરજ કુમારે આકરા પ્રહાર કરતા કહ્યું કે, ‘રાબડી દેવીજી, આ કોઈ જંગલરાજ નથી, અહીં કાયદાનું પાલન કરવું જ પડશે. સારવાર માટે તમે લોકો સિંગાપોર જાઓ છો, પૌત્રનો બર્થડે ઉજવવા દિલ્હી જાઓ છો અને લૂંટવાની વાત આવે ત્યારે બિહાર આવી જાઓ છો! આ બધું હવે નહીં ચાલે. આ બંગલામાં એવો કયો ખજાનો છુપાવ્યો છે? જો કોઈ ખજાનો હશે તો પણ બિહાર પોલીસ તેને શોધી કાઢશે, પરંતુ બંગલો તો ખાલી કરવો જ પડશે.’

બીજી તરફ જેડીયુ (JDU) નેતા વિજય કુમાર ચૌધરીએ જણાવ્યું કે સરકારી આવાસોના નિયમોનું પાલન દરેક વ્યક્તિએ કરવું જ પડે છે. જ્યારે ભાજપના રાજ્યસભા સાંસદ ભીમ સિંહે કહ્યું કે રાબડી દેવીનું આ નિવેદન સરકાર સાથે ટકરાવ પેદા કરનારું છે અને આ આવાસ ખાલી કરાવવા માટે આખી બિહાર પોલીસની જરૂર નથી, અમારો એક દરોગા (પોલીસ સબ-ઇન્સ્પેક્ટર) જ જઈને આ આવાસ ખાલી કરાવી દેશે.

આ પણ વાંચો : VIDEO : મમતાના ભત્રીજા અભિષેક બેનરજી પર હુમલો... કપડા ફાડ્યા, પત્થર ફેંક્યા, હેલમેટ પહેરીને બચાવ્યો જીવ

શું છે સમગ્ર વિવાદ?

આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે નીતીશ-સમ્રાટ સરકારના ભવન નિર્માણ વિભાગે '10 સર્ક્યુલર રોડ' વાળો બંગલો ભાજપ કોટાના નવા મંત્રી નંદકિશોર રામને ફાળવી દીધો. વિભાગની દલીલ છે કે રાબડી દેવીને વર્ષ 2025ના અંતમાં જ '39, હાર્ડિંગ રોડ' ખાતે અન્ય એક સરકારી આવાસ ફાળવી દેવામાં આવ્યો છે, જેને સંપૂર્ણ રીતે તૈયાર અને સુસજ્જ પણ કરી દેવાયો છે. પરંતુ લાલુ પરિવારે જૂનો બંગલો ખાલી ન કરતા હવે આ મામલો કાનૂની અને રાજકીય જંગનું મેદાન બની ગયો છે.

આ પણ વાંચો : VIDEO : રાજસ્થાનના રણપ્રદેશમાં હોલિવૂડ જેવો નજારો, શ્રીગંગાનગર-ચૂરુના રહેવાસીઓ ભયાનક બવંડરમાં ફસાયા