VIDEO : બંગાળ વિધાનસભામાં મોટો હોબાળો, ગૃહમાંથી TMC ધારાસભ્યને ટીંગાટોળી કરીને બહાર લઈ ગયા માર્શલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Bengal Assembly High Drama : પશ્ચિમ બંગાળ વિધાનસભામાં બુધવારે એ સમયે હંગામો મચ્યો, જ્યારે TMCના ધારાસભ્ય કુણાલ ઘોષને માર્શલો દ્વારા ગૃહમાંથી બહાર કરી દેવામાં આવ્યા. ગૃહમાં TMCના બળવાખોર ધારાસભ્ય અખરુજ્જમાં ભાષણ આપી રહ્યા હતા, તે દરમિયાન કુણાલ ઘોષ વેલમાં પહોંચી ગયા, અને તેમના ભાષણમાં અવરોધ ઊભો કરવા લાગ્યા હતા. ત્યારે ભાજપના ધારાસભ્ય, તુરંત જ કુણાલ ઘોષ પાસે પહોંચી ગયા, અને તેમની સાથે ચર્ચા કરવા લાગ્યા. ગૃહમાં વધતા હંગામા વચ્ચે વિધાનસભા અધ્યક્ષે કુણાલ ઘોષને પોતાની સીટ પર પાછા ફરવા અપીલ કરી. જોકે, સ્થિતિ બેકાબૂ બની ગઈ, અને ત્યારબાદ વિધાનસભા અધ્યક્ષના આદેશ પર માર્શલોએ કુણાલ ઘોષને ગૃહમાંથી ટીંગાટોળી કરીને બહાર મોકલી દીધા. ઘટના દરમિયાન ગૃહમાં મોટાભાગના સમય સુધી અફરાતફરી અને હંગામાનો માહોલ સર્જાયો હતો.
વિધાનસભામાં ઘર્ષણની સ્થિતિ
વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, જ્યારે અખરુજ્જમાં ભાષણ આપવા ઊભા થાય છે, ત્યારે કુણાલ ઘોષ વેલમાં પહોંચે છે, અને બરાબર તેમની સામે આવીને ઊભા રહી જાય છે. તે દરમિયાન કૃણાલ ઘોષ અખરુજ્જમાં પર ટિપ્પણી કરે છે. આ જોઈ ભાજપના ધારાસભ્ય કુણાલ ઘોષની નજીક આવે છે, અને તેમની વચ્ચે ધક્કામૂક્કી જેવી સ્થિતિ સર્જાય છે. આ દરમિયાન અધ્યક્ષ કેટલીય વાર ઘોષને સીટ પર પાછા ફરવા અપીલ કરે છે. પરંતુ એવું ન થતાં, માર્શલ્સને બોલાવવામાં આવે છે, અને કુણાલ ઘોષને બહાર કાઢવા માટે કહેવામાં આવે છે. આ ઘટના પછી માર્શલ કુણાલ ઘોષને બહાર જવા માટે કહે છે, જેનો તેઓ વિરોધ કરે છે. ત્યારબાદ માર્શલ બળજબરીપૂર્વક ઘોષને ઊંચકીને ગૃહમાંથી બહાર કાઢી મૂકે છે.
મહત્વનું છે કે, પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ મમતા બેનર્જીની પાર્ટી તૂટવાના આરે છે. કેટલાય ધારાસભ્યો અને સાંસદો બળવાખોર થઈ ચૂક્યા છે. ધારાસભ્ય ઋતવ્રતે બળવો કરીને અલગ જૂથ બનાવી લીધું, જેમાં આશરે 60 ધારાસભ્યો સામેલ છે. ત્યારબાદ પશ્ચિમ બંગાળ વિધાનસભા સ્પીકર રવીન્દ્રનાથ બોસે ઋતવ્રત બેનર્જીને નેતા વિપક્ષ તરીકે માન્યતા આપી દીધી. મમતા બેનર્જીએ શોભનદેવ ચટ્ટોપાધ્યાયને નેતા વિપક્ષ ઘોષિત કર્યા હતા. ત્યારબાદ પાર્ટીમાં બળવો થઈ ગયો છે. 80 માંથી 60 ધારાસભ્યોએ શોભનદેવ ચટ્ટોપાધ્યાયને નેતા વિપક્ષ માનવાનો ઇનકાર કરી દીધો હતો.









