- હોર્મુઝની ખાડીમાં 107 દિવસથી ફસાયેલા 562 ભારતીયોની હાલત કફોડી, વીડિયો જાહેર કરી મદદ માગી
- 14 ભારતીયો સાથે જઇ રહેલું અન્ય જહાજ ઓમાનની ખાડીમાં ડૂબ્યું, તમામ લોકોને બચાવી લેવાયાનો દાવો
- માર્યા ગયેલા ભારતીય નાવિકનો મૃતદેહ હજુ પણ જહાજ પર, વહેલા ભારત લવાશે તેવો અધિકારીઓનો દાવો
- અમેરિકા સીધા એન્જિન રૂમ પર મિસાઇલ છોડે છે, અમારા જહાજમાં તળીયે મોટું બાકોરું પડી ગયું છે, કોઇ મદદ નથી કરતું : નાવિકોની આજીજી
નવી દિલ્હી: હોર્મુઝ ખાડીએ છેલ્લા 107 દિવસોથી 13 ભારતીય ધ્વજવાળા જહાજો પર ૫૬૨ ભારતીયો ફસાયેલા છે. તેઓ હાલ અત્યંત ભયના માહોલમાં છે. કેમ કે તાજેતરમાં જ આ વિસ્તારમાં અમેરિકાના હુમલામાં ત્રણ ભારતીયો માર્યા ગયા હતા. શિપિંગ મંત્રાલયના જણાવ્યા મુજબ હોર્મુઝ ખાડીના પશ્ચિમ વિસ્તારમાં ૩૨૯ ભારતીય નાવિક, ઓમાનની ખાડીમાં (હોર્મુઝના પૂર્વમાં) ૨૩૩ ભારતીય નાવિકો ફસાયેલા છે. એવામાં ચિંતાજનક અહેવાલો સામે આવ્યા છે જે મુજબ હોર્મુઝ ખાડીમાં હાલ માત્ર ભારતીય નાવિકોને જ નિશાન બનાવી હુમલા કરાઇ રહ્યા હોવાનો દાવો કરાયો છે.
હોર્મુઝની ખાડીમાં ફસાયેલા ભારતીય નાવિકો કે શિપ પર કામ કરતા અન્ય ભારતીય કર્મચારીઓએ ચિંતાજનક માહિતી જાહેર કરી છે. તેઓએ જણાવ્યું છે કે અમેરિકાના સૈન્ય હુમલામાં માત્ર ભારતીયોને જ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. ક્રૂ મેમ્બર્સ દ્વારા જારી આ સંદેશામાં જણાવાયું છે કે ભારતીય નાવિકોને લઇને જઇ રહેલા જહાજો પર વારંવાર હુમલા કરાઇ રહ્યા છે. તેઓએ વીડિયો જાહેર કરીને પોતાની આપવીતી વર્ણવી હતી.
વીડિયોમાં એક ભારતીય નાવિક કહી રહ્યો છે કે અમે ઇરાનમાં છીએ, હાલ અહીંયા પરિસ્થિતિ બહુ જ ખરાબ છે. માત્ર ભારતીય ઝંડાવાળા જહાજોને જ ટાર્ગેટ કરાઇ રહ્યા છે. કોઇ બીજા જ દેશો વચ્ચેની લડાઇમાં ભારતીયોને કેમ નિશાન બનાવાઇ રહ્યા છે? ભારતીય ક્રૂ મેમ્બર્સને આવી પરિસ્થિતિનો સામનો કરવા માતે ટ્રેનિંગ નથી અપાયેલી. અમે અહીંયા માત્ર કામ કરવા આવ્યા છીએ કોઇ યુદ્ધ લડવા માટે નહીં. અમારા જહાજના એન્જિન રૂમ પર અમેરિકાએ મિસાઇલો છોડી છે, હાલમાં તળીયે મોટો હોલ પડી ગયો છે, જહાજ પર ૨૪ ક્રૂ છે તાત્કાલીક મદદ કરો તેવો એક સંદેશો પણ આ ભારતીય નાવિકોએ જાહેર કર્યો છે. આ હુમલાની ઇરાનના વિદેશ મંત્રાલય દ્વારા આકરી ટિકા કરવામાં આવી હતી.
આશરે ૧૦૭ દિવસથી હોર્મુઝ ખાડીની પશ્ચિમ અને પૂર્વ દિશામાં ફસાયેલા ૫૬૨ ભારતીયોના જીવનું જોખમ વધી રહ્યું છે, આ નાવિકોમાંથી એક નાવિકનું મોત નિપજ્યું છે.
મૃતક નાવિકનું નામ નિશાંત ઉર્થનાથન છે. જેનો મૃતદેહ હાલ ઓમાનના ડુક્મ પોર્ટ પર એસટી સેલેસ્ટિયલ જહાજ પર જ છે. આ વિસ્તારમાં આવેલ ભારતીય એમ્બેસીએ એક નિવેદન જાહેર કરીને દાવો કર્યો છે કે ભારતીય અધિકારીઓ સતત આ જહાજના મેનેજમેન્ટ કંપનીના સંપર્કમાં છે.
તમામ સાથે મળીને કામ કરી રહ્યા છીએ. ટૂંક સમયમાં મૃતકનો મૃતદેહ ભારત પરત લાવવામાં આવશે. આ પરિસ્થિતિ વચ્ચે ઓમાનની ઘાડીમાં એક ભારતીય જહાજ વિરાટ-૧ અચાનક ડુની ગયું હતું, આ જહાજ પર ૧૪ ભારતીયો સવાર હતા.
જોકે એવા અહેવાલો છે કે તેમને રેસ્ક્યૂ કરીને બચાવી લેવામાં આવ્યા છે. પરંતુ જહાજ કેવી રીતે ડુબ્યુ તેને લઇને અનેક સવાલો ઉઠી રહ્યા છે, એક રિપોર્ટ મુજબ જહાજનું એન્જિન ખરાબ થઇ જતા બંધ પડી ગયું જેને પગલે ડુબી ગયું હતું. ઓમાનના અધિકારીઓ અને આસપાસના અન્ય જહાજોની મદદથી તમામ લોકોને બચાવી લેવાયા છે.
- હોર્મુઝ સંકટ સમયે ભારતને જૂનો મિત્ર દેશ રશિયા મદદરૂપ થયો
- અમેરિકાના દબાણ વચ્ચે ભારતે રશિયા પાસેથી ક્રૂડની ખરીદી વધારી
- મે મહિનામાં સૌથી વધુ રશિયન ઇંધણ ખરીદીમાં ચીન બાદ ભારત બીજા ક્રમે, એપ્રિલની સરખામણીએ આયાત આઠ ટકા વધી
સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લીન એરના રિપોર્ટ મુજબ મે મહિનામાં ભારતે રશિયા પાસેથી આશરે ૫.૮ અબજ યુરો લગભગ ૬.૭ અરબ ડોલરના ઇંધણની આયાત કરી હતી, જેને પગલે ચીન બાદ રશિયા પાસેથી ઇંધણ ખરીદનારો બીજો સૌથી મોટો દેશ બની ગયો હતો. ઇરાન કે રશિયા કોઇનું પણ ઇંધણ ખરીદતા અમેરિકા હાલ ભારત સહિતના દેશોને રોકવા પ્રયાસો કરી રહ્યું છે કે જેથી પોતાના કબજાવાળા દેશોમાંથી ઇંધણ વેચી શકાય.
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વારંવારના દબાણ વચ્ચે ભારતે ગત મે મહિનામાં રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ઇંધણની ખરીદી કરી છે. એપ્રીલ મહિનાની સરખામણીએ ભારતે મે મહિનામાં રશિયા પાસેથી આઠ ટકા વધુ ઇંધણની ખરીદી કરી છે. ભારતમાં અન્ય દેશોમાંથી આવનારા કુલ ક્રૂડ ઓઇલમાં ૮૩ ટકા હિસ્સો રશિયન ક્રૂડ ઓઇલનો રહ્યો છે. જેનું મૂલ્ય આશરે ૪.૮ અબજ યૂરો હતું. સરકારી રિફાઇનરીઓએ પણ આ વર્ષની શરૂઆતમાં જ આયાત ફરી શરૂ કર્યા બાદ ખરીદી વધારી દીધી હતી. તાજેતરમાં જ અમેરિકાએ ભારત સહિતના દેશોને ઇરાનનું ક્રૂડ ઓઇલ નહીં ખરીદવાની ધમકી આપી હતી, એવા સમયે હવે ભારત રશિયા પાસેથી ખરીદી વધારી રહ્યું છે.


