‘મેલોની સમજીને તો...’ રાહુલ-સંદીપ દીક્ષિતે વિદેશ નીતિ પર કરી મિમિક્રી, RSS પર પણ કર્યા પ્રહાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rahul Gandhi On PM Modi : નવી દિલ્હીના માવલંકર હોલ ખાતે આયોજિત રચનાત્મક કોંગ્રેસ કન્વેન્શનમાં કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતાએ કેન્દ્ર સરકારની વિદેશ નીતિ પર આકરા પ્રહારો કર્યા છે. પોતાના સંબોધન દરમિયાન તેમણે વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહ મંત્રી પર નિશાન સાધતા મંચ પર જ રમુજી અંદાજમાં મિમિક્રી કરી હતી.
વિદેશ નીતિ પર મિમિક્રી અને કટાક્ષ
કાર્યક્રમમાં બોલતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ વિદેશ નીતિ અંગે પ્રહાર કરતા જણાવ્યું કે 'ખબર નહીં ક્યાંથી એમના મગજમાં ઘૂસી ગયું કે ગળે પડવું એ જ વિદેશ નીતિ છે.' આ દરમિયાન તેમણે કોંગ્રેસ નેતા સંદીપ દીક્ષિત (Sandeep Dixit)ને મંચ પર સામે બોલાવીને જોરથી ગળે લગાવી લીધા હતા. આ દ્રશ્ય જોઈને હોલમાં હાજર લોકો હસી પડ્યા હતા.

'મેલોની સમજીને તો નથી પકડ્યો ને?'
રાહુલ ગાંધી જ્યારે ગળે લગાવી રહ્યા હતા ત્યારે સંદીપ દીક્ષિતે વચ્ચે જ રોકીને રમુજી અંદાજમાં પૂછ્યું કે, 'મેલોની સમજીને તો નથી પકડ્યો ને?' આ સવાલ સાંભળીને હોલમાં ઠહાકા ગુંજી ઉઠ્યા હતા અને રાહુલ ગાંધીએ હસતા જવાબ આપ્યો હતો કે 'ના, હું હજુ સુધી ત્યાં નથી પહોંચ્યો.' આ આખી ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
…તો હું RSSની રક્ષા કરીશ : રાહુલ ગાંધી
સરકારના વલણ અંગે આગળ વાત કરતા તેમણે કહ્યું કે 'જે દિવસે દેશમાંથી આરએસએસની અભિવ્યક્તિને બહાર કરવાનો પ્રયાસ થશે, તે દિવસે હું તેમની રક્ષા કરીશ, કારણ કે તેમને પણ અભિવ્યક્તિની આઝાદી છે.' તેમણે ઉમેર્યું કે નાના વેપારીઓ એક સમયે આરએસએસની સાચી તાકાત હતા, પરંતુ નોટબંધી અને ખોટી રીતે લાગુ કરાયેલા GSTએ આ વર્ગને ભારે નુકસાન પહોંચાડ્યું છે. તેમણે દાવો કર્યો કે સંઘમાં કોર્પોરેટની અસરની શરૂઆત પ્રમોદ મહાજનના સમયથી થઈ હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ આ પ્રક્રિયા પૂર્ણ કરી દીધી છે.
જૂનું RSS હવે ખતમ થઈ ગયું છે
તેમણે આરોપ લગાવ્યો કે, હવે જૂનું આરએસએસ ખતમ થઈ ગયું છે અને આ સંગઠન માત્ર મોટા મૂડીપતિઓના હિતો માટે કામ કરતું માધ્યમ બની ગયું છે. તેમણે ઉમેર્યું કે દેશમાં મોટી સંખ્યામાં લોકો આ શક્તિ સામે અવાજ ઉઠાવતા ડરે છે, પરંતુ આજે સંગઠન અને કેન્દ્ર સરકાર બંને માત્ર મોટા ઉદ્યોગપતિઓ માટે જ કામ કરી રહ્યા છે.









