Get The App

ઉજ્જવલા કનેક્શન ધારકોને મોટો ઝટકો : સરકારે સબસિડી વાળા સિલિન્ડરની સંખ્યા ઘટાડી

Updated: Jun 8th, 2026

GS TEAM

Google News
Google News
ઉજ્જવલા કનેક્શન ધારકોને મોટો ઝટકો : સરકારે સબસિડી વાળા સિલિન્ડરની સંખ્યા ઘટાડી 1 - image

Ujjwala Yojana Subsidy Slashing : કેન્દ્ર સરકારે ઉજ્જવલા યોજના હેઠળ મળતા એલપીજી (LPG) સિલિન્ડરની સબસિડીમાં મોટો કાપ મૂક્યો છે. અગાઉના વર્ષમાં જે 9 સબસિડી વાળા સિલિન્ડર મળતા હતા, તે હવે ઘટાડીને લાભાર્થીઓને વાર્ષિક માત્ર 4 સિલિન્ડર જ આપવામાં આવશે. સરકારે સબસિડી વાળા સિલિન્ડરના ક્વોટામાં આ બીજી વખત ઘટાડો કર્યો છે. ગરીબ પરિવારોની પુખ્ત વયની મહિલાઓને ડિપોઝિટ વિના મફત એલપીજી કનેક્શન આપવાના હેતુથી મે 2016માં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) શરૂ કરવામાં આવી હતી. શરૂઆતમાં લાભાર્થીઓને વર્ષમાં 12 સબસિડી વાળા 14.2 કિલોગ્રામના  ના સિલિન્ડર મળતા હતા. ગત વર્ષે આ ક્વોટા ઘટાડીને 9 કરાયો હતો, અને હવે તેને વધુ ઓછો કરીને માત્ર 4 સિલિન્ડર કરી દેવામાં આવ્યો છે.

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના એડિશનલ સેક્રેટરી પ્રવીણ મલ ખનૂજાએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, 'આ સુધારેલી મર્યાદા ઉજ્જવલા લાભાર્થીઓના વાર્ષિક સરેરાશ વપરાશને આધારે નક્કી કરવામાં આવી છે. રસોઈ માટે સ્વચ્છ ઇંધણને પ્રોત્સાહન આપવા સરકારે મે 2022 માં 14.2-kgના સિલિન્ડર પર 200 રૂપિયાની ટાર્ગેટેડ સબસિડી શરૂ કરી હતી, જેને ઓક્ટોબર 2023માં વધારીને 300 રૂપિયા કરવામાં આવી હતી. આ સબસિડી સીધી લાભાર્થીઓના બેંક ખાતામાં જમા થાય છે.'

પહેલા ભાવ વધ્યા, હવે સિલિન્ડરની સંખ્યા ઘટી

સબસિડીના ક્વોટામાં આ ઘટાડો એલપીજી (LPG)ની કિંમતોમાં થયેલા વધારા બાદ કરવામાં આવ્યો છે. દિલ્હીમાં 14.2-kg ના સિલિન્ડરની કિંમતમાં છેલ્લા 3 મહિનામાં 2 વખત થયેલા વધારાને કારણે કુલ 89 રૂપિયાનો વધારો થયો છે. છેલ્લો ભાવવધારો 7 જૂનના રોજ થયો હતો, જેનાથી તેની રિટેલ કિંમત 942 રૂપિયા પર પહોંચી ગઈ છે. 300 રૂપિયાની સબસિડી બાદ કર્યા પછી, ઉજ્જવલા લાભાર્થીઓને આ સિલિન્ડર 642 રૂપિયામાં પડે છે.

અધિકારીએ ઉમેર્યું કે, '7 જૂનના રોજ રાંધણ ગેસના ભાવમાં પ્રતિ સિલિન્ડર 29 રૂપિયાનો વધારો કરાયો હતો, જે રોજિંદા માત્ર 1 રૂપિયા જેટલો અને 5 સભ્યોના પરિવાર માટે દૈનિક માત્ર 20 પૈસા જેટલો જ વધારો છે. વેસ્ટ એશિયા (પશ્ચિમ એશિયા)ના તણાવને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે તેલ-ગેસના ભાવ વધવા છતાં, ભારતીય પરિવારો વિશ્વમાં સૌથી ઓછી કિંમતે રાંધણ ગેસ મેળવી રહ્યા છે.'

એલપીજીના પડતર ખર્ચમાં ભારે ઉછાળો

પ્રવીણ મલ ખનૂજાએ વિગત આપતા જણાવ્યું કે, 'ફેબ્રુઆરીના અંતમાં પશ્ચિમ એશિયામાં યુદ્ધ શરૂ થયા બાદ આંતરરાષ્ટ્રીય કિંમતો ખૂબ વધી ગઈ છે, જેનાથી સ્થાનિક એલપીજી સિલિન્ડરની સપ્લાય કોસ્ટ (પડતર કિંમત) વધીને 1,600 રૂપિયાથી વધુ થઈ ગઈ છે. ભારતમાં એલપીજી આયાતનો ખર્ચ 'સાઉદી કોન્ટ્રેક્ટ પ્રાઇસ' (CP) પર આધારિત છે, જેમાં ફેબ્રુઆરી પછી આશરે 46% નો ઉછાળો આવ્યો છે, કારણ કે હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) ના અવરોધોને કારણે ખાડી દેશોમાંથી સપ્લાય ઘટી છે. સરકારે 2022થી અત્યાર સુધીમાં 52,000 કરોડ રૂપિયાની સબસિડી આપી છે. ભાવવધારા છતાં, ઓઇલ કંપનીઓને દર 14.2-kg ના સિલિન્ડર પર આશરે 700 રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. આ સિવાય કંપનીઓને પેટ્રોલ પર પ્રતિ લીટર 6 રૂપિયા અને ડીઝલ પર આશરે 30 રૂપિયાનું નુકસાન (અંડર-રિકવરી) થઈ રહ્યું છે. ઓઇલ કંપનીઓને રોજનું કુલ 600-700 કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું હોવાથી કિંમતો વધારવી પડી છે. કંપનીઓએ ગયા મહિને 4 હપ્તામાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ પ્રતિ લીટર આશરે 7.50 રૂપિયા અને સીએનજી (CNG)માં પ્રતિ કિલોગ્રામ 6 રૂપિયાનો વધારો કર્યો છે.'