અનામત અને ક્રિમી લેયર મુદ્દે NDAના બે કેન્દ્રીય મંત્રી સામસામે, ડેમેજ કંટ્રોલ માટે ભાજપે વાપર્યો 'વીટો'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Chirag Paswan Jitan Ram Manjhi Reservation Controversy: અનામતમાં વર્ગીકરણ(કોટાની અંદર કોટા) અને 'ક્રિમી લેયર'ના મુદ્દાને લઈને બિહારમાં ગઠબંધન(NDA)ના બે મહત્ત્વપૂર્ણ ઘટક પક્ષો વચ્ચે વિવાદ વકર્યો છે. લોક જનશક્તિ પાર્ટી(રામવિલાસ)ના પ્રમુખ ચિરાગ પાસવાન અને હિંન્દુસ્તાની અવામ મોરચા(HAM)ના પ્રમુખ જીતન રામ માંઝી વચ્ચે જુબાની જંગ છેડાઈ છે, જેને પગલે ભારતીય જનતા પાર્ટીએ મધ્યસ્થી કરીને બંને નેતાઓને સંયમ જાળવવા અને NDAના હિતમાં કામ કરવા કડક સલાહ આપી છે.
શા માટે શરૂ થયો આ વિવાદ?
અનામત મુદ્દે બંને નેતાઓએ એકબીજા પાસે રાજીનામાની માંગ કરી છે.
ચિરાગ પાસવાનનું વલણ: ચિરાગે દાવો કર્યો કે, જો માંઝી અને તેમના મંત્રી પુત્ર સંતોષ કુમાર સુમન SC અનામતમાં 'ક્રિમી લેયર' કે વર્ગીકરણના પક્ષધર હોય, તો તેમણે અનામતનો લાભ લઈ ચૂક્યા હોવાના નાતે નૈતિકતાના આધારે સૌથી પહેલાં પોતાના પદ પરથી રાજીનામું આપવું જોઈએ. ચિરાગના મતે અનામતનો આધાર સામાજિક ભેદભાવ છે, આર્થિક નથી.
જીતન રામ માંઝીનો પલટવાર: માંઝીએ વળતો પ્રહાર કરતા કહ્યું કે, ચિરાગને અતિ-પછાત અને મહાદલિત ગરીબોની ચિંતા નથી. માંઝીનો તર્ક છે કે, SC અનામતનો મોટાભાગનો લાભ અમુક સક્ષમ દલિત જ્ઞાતિઓ જ લઈ જાય છે, જ્યારે મુસહર-ભુઈયાં જેવી અતિ-પછાત જ્ઞાતિઓ વંચિત રહે છે, તેથી કોટાની અંદર કોટા જરૂરી છે.
ભાજપની મધ્યસ્થી અને ચિંતા
બિહારમાં અંદાજે 20% દલિત વસ્તી છે. જીતન રામ માંઝી પોતાને 'મહાદલિત' સમાજના પ્રતિનિધિ ગણાવે છે, જ્યારે ચિરાગ પાસવાન સમગ્ર દલિત સમાજના સર્વસંમત નેતા બનવાનો પ્રયાસ કરી રહ્યા છે. દલિત વોટબૅંક પર વર્ચસ્વ જમાવવાની આ લડાઈથી ગઠબંધનને નુકસાન ન થાય તે માટે ભાજપે બંને નેતાઓને જાહેરમાં નિવેદનબાજી બંધ કરવા અને એનડીએની મજબૂતી માટે સાથે મળીને કામ કરવા સ્પષ્ટ સંદેશ આપ્યો છે.




