20 રૂપિયાના લાંચ કેસમાં બે સરકારી કર્મી 30 વર્ષે નિર્દોષ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવી દિલ્હી : કહેવત છે દેવડીએ દંડાય છે ચોર મુઠી જારના, લાખો લૂંટી ખાનારા મહેફિલે મંડાય છે. તાજેતરમાં વધુ એક કિસ્સામાં આ કહેવાત સાચી પડીલાગે છે. સુપ્રીમ કોર્ટે ૨૦ રૂપિયાની લાંચના ત્રણ દાયકા સુધી ચાલેલા કેસ પછી બે જણાને નિર્દોષ છોડી મૂક્યા છે. ગુજરાત સરકારના બે કર્મચારી સામે ૧૯૯૬માં ૨૦ રુપિયાની લાંચનો કેસ હતો, જે ત્રણ દાયકા સુધી ચાલ્યો હતો.
ન્યાયાધીશ ઉજ્જલ ભુયાન અને અતુલ એસ ચંદુરકરની બેન્ચે આ કેસના આરોપી ક્લાર્ક અને પટાવાળાને નિર્દોષ છોડતા જણાવ્યું હતું કે ફક્ત ૨૦ રૂપિયા આપ્યા હોવાના આધારે લાંચ લઈ હોવાનું પુરવાર થઈ શકતું નથી.
આ કેસ છેક ફેબુ્રઆરી ૧૯૯૬નો હતો. તેમા વિદ્યાર્થીએ શૈક્ષણિક રાહત માટે આવકનું પ્રમાણપત્ર મેળવવા આણંદ જિલ્લામાં બેચરી ગ્રામ પંચાયતનો સંપર્ક સાધ્યો હતો. આ વિદ્યાર્થીનો આરોપ હતો કે આવકનું પ્રમાણપત્ર જારી કરવા ક્લાર્કે તેની પાસેથી રુ. ૧૨૦ માંગ્યા હતા અને તેમા તેના ૧૦૦ અને પટાવાળાના ૨૦ રૂપિયા હતા.
તેના પગલે વિદ્યાર્થીએ એન્ટિ કરપ્શન બ્યૂરો (એસીબી) સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. તેના પગલે એસીબીએ છટકું ગોઠવ્યું હતું. તેણે વિદ્યાર્થીને ૧૦૦ અને ૨૦ રૂપિયાની માર્ક કરેલી નોટ સાથે ગોઠવ્યો હતો. આવકનું પ્રમાણપત્ર મેળવ્યા પછી વિદ્યાર્થીએ પટાવાળાને ૨૦ રૂપિયા આપ્યા હતા. દરોડા પાડનારી એસીબીની ટીમે આ જ નોટ પટાવાળા પાસેથી મેળવી હતી, પરંતુ ક્લાર્ક પાસેથી માર્ક કરવામાં આવેલા ૧૦૦ રૂપિયા મેળવી શકાયા ન હતા.
સુપ્રીમને આ ઉપરાંત ફરિયાદીના દાવામાં પણ વિસંગતતા લાગી હતી. સુપ્રીમ કોર્ટની નોંધ હતી કે વિદ્યાર્થીએ આવી જ જુદી બાબતમાં લાંચની રકમની માંગને લઈને અલગ જ પ્રકારનું નિવેદન નોંધાવ્યું હતું. ઉદાહરણ તરીકે જોઈએ તો તેણે પહેલા જણાવ્યું હતું કે આરોપીએ પહેલા ૨૦૦ રૂપિયાની લાંચ માંગી હતી અને પછી તે ૧૨૦ રૂપિયા પર સંમત થઈ ગયો હતો. આ દાવો ્ટ્રાયલ કોર્ટ સમક્ષની જુબાનીમાં દર્શાવાયો જ ન હતો.
એસીબીએ વિદ્યાર્થીને સૂચના આપી હતી કે તે લાંચ માંગવામાં આવે તો ૧૨૦ની રકમ પૂરેપૂરી આપી દે. આમ છતાં તેણે પટાવાળાને ફક્ત ૨૦ રૂપિયા જ આપ્યા હતા. તેથી અહીં વિદ્યાર્થીએ એસીબીની સૂચનાનું પાલન કેમ ન કર્યુ તે સવાલ પણ સર્જાય છે, જ્યારે પટાવાળાને ૨૦ રૂપિયા લાંચ પેટે આપ્યા તો ક્લાર્ક પણ તેની જોડે જ હતો તો તેને ૧૦૦ રૂપિયા કેમ ન આપ્યા. જો તેને ૧૦૦ રૂપિયા આપ્યા હોત તો તે ચોક્કસપણે દોષિત ઠર્યો હોત. ઉલટતપાસમાં વિદ્યાર્થીએ કબૂલ્યું હતું કે પટાવાળાએ તેની પાસે લાંચ માંગી ન હતી. બેન્ચનું નિરીક્ષણ હતું કે વિદ્યાર્થીએ ૨૦ રપિયા આવકનું પ્રમાણપત્ર મળ્યા પછી આપ્યા હતા. કોર્ટનું તારણ છે કે આ પ્રકારના સંજોગો જોતાં ફરિયાદીએ રજૂ કરેલા ઘટનાક્રમો અને સંજોગો શંકા પ્રેરે તેવા છે. આથી સુપ્રીમે ટ્રાયલ અને ગુજરાત હાઇકોર્ટનો ચુકાદો બાજુએ મૂકી બંનેની સજા રદ કરી હતી.









