રામ મંદિર દાન ચોરી મામલે ટ્રસ્ટની બેઠક, ચંપત રાયનું રાજીનામું, કૃષ્ણ મોહનને સોંપાઈ કમાન, આગામી બેઠક 22 જુલાઈએ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ayodhya Ram Mandir Donation Theft : અયોધ્યા રામ મંદિરમાં દાનની ચોરીના ભારે વિવાદ વચ્ચે સોમવારે, 6 જુલાઈએ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની એક તાકીદની બેઠક યોજાઈ હતી. વિવાદ વ્યાપક બનતા 11 જુલાઈએ યોજાનારી આ બેઠક વહેલી બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં ટ્રસ્ટીઓએ એક ઐતિહાસિક નિર્ણય લેતા વર્તમાન જનરલ સેક્રેટરી (મહામંત્રી) ચંપત રાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રાના રાજીનામાને સર્વાનુમતે મંજૂર કરી દીધા છે. દાન ચોરીનો મામલો સામે આવ્યા બાદ બંને પદાધિકારીઓની ભૂમિકા પર સવાલો ઉઠી રહ્યા હતા અને SIT તપાસ શરૂ થતાં જ બંનેએ રાજીનામા આપી દીધા હતા.
દેશભરમાં બદનામી થતાં લેવાયો નિર્ણય
ટ્રસ્ટના કોષાધ્યક્ષ સ્વામી ગોવિંદ દેવ ગિરીએ જણાવ્યું કે, દાન ચોરીની આ ઘટનાથી આખું ટ્રસ્ટ અત્યંત આહત અને દુખી છે. ચોરી નાની હતી કે મોટી તે મહત્વનું નથી, પરંતુ આવું વાતાવરણ કેમ બનવા દેવાયું તે ચિંતાનો વિષય છે. આ આરોપોને કારણે દેશભરમાં મંદિરની બદનામી થઈ રહી હોવાથી, ચંપત રાય અને અનિલ મિશ્રાએ નૈતિક જવાબદારી સ્વીકારીને પોતાના રાજીનામા આપ્યા હતા, જે ટ્રસ્ટના બંધારણના નિયમો હેઠળ સ્વીકારી લેવામાં આવ્યા છે. આ બેઠકમાં બંને પદાધિકારીઓ સામેલ થયા નહોતા અને તેમને બહાર જ રોકી દેવાયા હતા.
પૂર્વ IFS અધિકારી કૃષ્ણ મોહનને સોંપાઈ જવાબદારી
ચંપત રાયની વિદાય બાદ ટ્રસ્ટે પૂર્વ IFS અધિકારી અને ટ્રસ્ટના સભ્ય કૃષ્ણ મોહનને નવા અંતરિમ જનરલ સેક્રેટરી તરીકે નિયુક્ત કર્યા છે અને ભવિષ્યની તમામ વહીવટી જવાબદારીઓ તેમને સોંપી દીધી છે. ઉલ્લેખનીય છે કે, કૃષ્ણ મોહને જ આ દાન ચોરી અંગે અયોધ્યા પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી. આ સિવાય, ટ્રસ્ટના વિશેષ આમંત્રિત સભ્ય ગોપાલ રાવ ઉર્ફે ગોપાલ નાગરકટેને પણ પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે.
2800 કીમતી વસ્તુઓ સુરક્ષિત, સીઈઓ માટે કમિટીની રચના
બેઠક દરમિયાન ટ્રસ્ટે કીમતી ભેટ અને ચડાવો ગાયબ થવાના આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા હતા. સ્વામી ગોવિંદ દેવ ગિરીએ રજિસ્ટર બતાવીને ખાતરી આપી હતી કે દાનમાં આવેલી તમામ 2800 વસ્તુઓ સુરક્ષિત છે. વધુમાં, ટ્રસ્ટમાં પ્રોફેશનલ સીઈઓ (CEO) ની નિમણૂક કરવા માટે 3 સભ્યોની કમિટી બનાવવામાં આવી છે, જેમાં નિવૃત્ત જજ પ્રમોદ કોહલી, નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ વિષ્ણુકાંત અને નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ સુરેશ હાવડેનો સમાવેશ થાય છે.
આગામી બેઠક 22 જુલાઈએ યોજાશે
ટ્રસ્ટે આ મામલે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ની દેખરેખના અભાવ સામે પણ સવાલો ઉઠાવ્યા છે. હવે ટ્રસ્ટની આગામી બેઠક 22 જુલાઈએ બોલાવવામાં આવી છે. ટ્રસ્ટીઓને આશા છે કે ત્યાં સુધીમાં એસઆઈટી (SIT) નો ફાઇનલ રિપોર્ટ આવી જશે, જેના આધારે આગળની રણનીતિ અને નવા વહીવટી પદાધિકારીઓની કાયમી નિમણૂક અંગે આખરી નિર્ણય લેવાશે.
બેઠકમાં કોણ-કોણ હાજર રહ્યું?
આ મહત્વની બેઠકમાં ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ, કોષાધ્યક્ષ સ્વામી ગોવિંદ દેવ ગિરીજી મહારાજ, યુગ પુરુષ પરમાનંદ, પેજાવર મઠના વિશ્વ પ્રસન્ન તીર્થ અને નવા અંતરિમ મહામંત્રી કૃષ્ણ મોહનની સાથે ઉત્તર પ્રદેશ સરકારના ગૃહ વિભાગના અપર મુખ્ય સચિવ સંજય પ્રસાદ અને અયોધ્યાના કલેક્ટર શશાંક ત્રિપાઠી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.









