Toxic Gas Leaks in Palghar: મહારાષ્ટ્રના પાલઘરમાં MIDCમાં આવેલી એક કેમિકલ ફેક્ટરીમાંથી સોમવારે(2 માર્ચ) બપોરે અચાનક 'ઓલિયમ' (ફ્યુમિંગ સલ્ફ્યુરિક એસિડ) ગેસ લીક થવાની ઘટના બની હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર, અંદાજિત 1 કિલોમીટર સુધી ગેસની અસર અનુભવાઈ હતી, જોકે રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.
મહારાષ્ટ્રના પાલઘરની કેમિકલ કંપનીમાં ઝેરી ગેસ લીક થતા ફફડાટ
MIDC વિસ્તારમાં બનેલી ઘટના આ ઝેરી ગેસ ગળતર MIDC D-ઝોન વિસ્તારમાં આવેલી 'ભગેરીયા કેમિકલ્સ કંપની' (જે અગાઉ ઝેનિથ કેમિકલ્સ તરીકે ઓળખાતી હતી) માં થયું હતું. ગેસ લીક થવાની જાણ થતા જ જિલ્લા વહીવટી તંત્ર અને ઇમરજન્સી સેવાઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
વહીવટી તંત્રની કાર્યવાહી જિલ્લા કલેક્ટર અને જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના વડા ડો. ઈન્દુ રાની જાખરના જણાવ્યા અનુસાર, આ ઘટના બપોરે 2વાગ્યાની આસપાસ બની હતી. આ કંપની સાલવડ અને પાસ્થલ ગામોની નજીક આવેલી છે. ગેસ લીક થયા બાદ તકેદારીના તમામ પગલાં લેવામાં આવ્યા છે જેથી સ્થાનિક રહેવાસીઓને કોઈ નુકસાન ન થાય.


