India

મહારાષ્ટ્રમાં મુશળધાર આફત : મુંબઈથી પાલઘર સુધી રેડ એલર્ટ, ફ્લાઈટ્સ રદ, રેલવે ટ્રેક ડૂબ્યા, વિદેશી જહાજ ફસાયું

By GS Team
6 Jul 20263 mins read
TukuTouch Logo
મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. મુંબઈના બોરીવલી પશ્ચિમમાં ગોરાઈ-મનોરી બીચ પાસે એક વિદેશી જહાજ ફસાયું છે, જેની ભારતીય નૌસેના અને કોસ્ટ ગાર્ડ તપાસ કરી રહ્યા છે. હવામાન વિભાગે 5 જિલ્લામાં રેડ એલર્ટ અને 4 થી 5 મીટર ઊંચા મોજાની આગાહી કરી છે. મુંબઈ એરપોર્ટ પર 17 ફ્લાઈટ્સ રદ થઈ અને 365 મોડી પડી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મહારાષ્ટ્રમાં મુશળધાર આફત : મુંબઈથી પાલઘર સુધી રેડ એલર્ટ, ફ્લાઈટ્સ રદ, રેલવે ટ્રેક ડૂબ્યા, વિદેશી જહાજ ફસાયું

Maharashtra Rain : મહારાષ્ટ્રમાં સતત થઈ રહેલા મુસળધાર વરસાદે જનજીવનને અસ્તવ્યસ્ત કરી દીધું છે. મુંબઈ અને પાલઘર સહિતના વિસ્તારોમાં સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. આ આફત વચ્ચે મુંબઈના બોરીવલી પશ્ચિમમાં આવેલા ગોરાઈ-મનોરી બીચ પાસે સમુદ્રમાં એક મોટું વિદેશી જહાજ ફસાઈ જતાં સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે. ઘટનાની જાણ થતાં જ ગોરાઈ પોલીસ, કોસ્ટ ગાર્ડ અને ભારતીય નૌસેનાની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. આ જહાજ અહીં કેવી રીતે પહોંચ્યું અને તેની પાછળ કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ છે કે નહીં, તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

5 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી અને હાઈ ટાઈડની આશંકા
હવામાન વિભાગ (IMD) દ્વારા આગામી સમય માટે રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મુંબઈ, રાયગઢ, પાલઘર, પુણે અને નાસિક એમ 5 મુખ્ય જિલ્લાઓમાં અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ દરમિયાન 80 થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાઈ શકે છે. આ ઉપરાંત સમુદ્રમાં 4 થી 5 મીટર ઊંચા મોજા ઉછળવાની અને હાઈ ટાઈડની આશંકા હોવાથી પ્રશાસને લોકોને દરિયા કિનારે ન જવાની અપીલ કરી છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક ડૉ. શશિકાંતના જણાવ્યા અનુસાર, ગુજરાત, સૌરાષ્ટ્ર, દરિયાકાંઠાના મહારાષ્ટ્ર, કર્ણાટક અને કેરળ સહિતના પશ્ચિમ કિનારે 'ખૂબ જ ભારે' થી 'અત્યંત ભારે' વરસાદની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં 21 સેમી કરતાં વધુ વરસાદ વરસી શકે છે. મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં 20 સેમીથી વધુ વરસાદ નોંધાયો છે.

પાલઘર અને વસઈમાં જળબંબોળ: 4 ફૂટ પાણી ભરાયા, માછીમારોનું રેસ્કયૂ
વરસાદની સૌથી માઠી અસર પાલઘર જિલ્લામાં જોવા મળી છે. અહીંના સફાલે વિસ્તારમાં ટ્રેક પર પાણી ફરી વળતા રેલવે સ્ટેશન તળાવમાં ફેરવાઈ ગયું હતું. બોઈસર-પાલઘર મુખ્ય માર્ગ બંધ થઈ ગયો છે અને કેટલાક ગામોનો સંપર્ક તૂટી ગયો છે.

વસઈ-વિરારમાં અનેક વાહનો ડૂબી ગયા
વસઈ-વિરારમાં ભારે વરસાદને કારણે વસઈ ઈસ્ટના મધુબન સ્માર્ટ સિટી વિસ્તારમાં 2 થી 4 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા, જેમાં અનેક વાહનો ડૂબી ગયા હતા અને લોકો ઘરોમાં કેદ થઈ ગયા હતા. આ આફત વચ્ચે જલસાર ગામની ખાડીમાં માછલી પકડવા ગયેલા 3 માછીમારો પાણીના જોરદાર વહેણમાં ફસાયા હતા, જેમને સ્થાનિક ગ્રામીણોએ ભારે જહેમત બાદ સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

લોનાવાલામાં ઇન્દ્રાયણી નદી ઉભરાઈ, કાર્લા ગામમાંથી લોકોનું સ્થળાંતર
મધ્ય મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારો જેવા કે પુણે અને મહાબળેશ્વરમાં પણ આભ ફાટ્યું છે. મહાબળેશ્વરમાં કેટલાક સ્થળોએ 40 થી 50 સેમી જેટલો ભારે વરસાદ નોંધાયો છે. લોનાવાલામાં ભારે ચોમાસુ વરસાદને કારણે ઇન્દ્રાયણી નદીના પૂરના પાણી રહેણાંક વિસ્તારોમાં ઘૂસી ગયા હતા. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબી જતાં લોનાવાલાના કાર્લા ગામમાંથી ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

મુંબઈ એરપોર્ટ પર ફ્લાઈટ ઓપરેશન ખોરવાયું: 17 ફ્લાઈટ્સ રદ, 365 મોડી
ભારે વરસાદના કારણે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વિમાની સેવાઓને મોટી અસર થઈ છે. ખરાબ હવામાનને કારણે 17 ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઈટ્સ રદ કરવી પડી છે, જ્યારે 365 થી વધુ ફ્લાઈટ્સ મોડી પડી છે. ઈન્ડિગો, અકાસા અને સ્પાઈસ જેટ જેવી એરલાઈન્સે મુસાફરો માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરીને એરપોર્ટ આવતા પહેલાં વેબસાઈટ ચેક કરવાની સલાહ આપી છે. કેટલીક ફ્લાઈટ્સને અન્ય એરપોર્ટ પર ડાયવર્ટ પણ કરવામાં આવી છે.

ટ્રેન વ્યવહાર ખોરવાયો અને પુણેના ગામોમાં પૂર
રેલવે ટ્રેક પર ઝાડની ડાળીઓ પડવાને કારણે પનવેલ તરફ જતી હાર્બર લાઇન પર ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો, જોકે સેન્ટ્રલ રેલવેએ 25 મિનિટમાં ટ્રેક સાફ કરીને સેવાઓ ફરી શરૂ કરી દીધી હતી. બીજી તરફ પુણે જિલ્લાના માલવલી ગામમાં ભારે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અને લોનાવાલામાં કાર્લાથી લોહગઢ કિલ્લા તરફ જતો રસ્તો પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે.

Maharashtra Rain-2.jpg

આ ઉપરાંત, દક્ષિણ ઝારખંડ પર સર્જાયેલા ડિપ્રેશનના કારણે છત્તીસગઢ, પૂર્વી મધ્ય પ્રદેશ અને દક્ષિણ-પૂર્વ ઉત્તર પ્રદેશ (વારાણસી અને પ્રયાગરાજ) માં પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. પ્રશાસને નાગરિકોને બિનજરૂરી પ્રવાસ ટાળવા અને સાવચેત રહેવા જણાવ્યું છે.

Maharashtra Rain-4.jpg
Maharashtra Rain-1.jpg