India

સાબરકાંઠા, અરવલ્લી સહિત 6 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ, 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, મહારાષ્ટ્રમાં મેઘરાજાનું તાંડવ

By GS Team
6 Jul 20262 mins read
TukuTouch Logo
દેશભરમાં, ખાસ કરીને મુંબઈ અને ગુજરાતમાં વરસાદે હાહાકાર મચાવ્યો છે. ઉજ્જૈન અને ઉત્તરાખંડમાં અતિભારે વરસાદથી નદીઓ બે કાંઠે વહે છે. જનજીવન અસ્તવ્યસ્ત થયું છે અને અનેક રસ્તાઓ તેમજ હાઈવે બંધ કરાયા છે. મુંબઈમાં ભૂસ્ખલનને કારણે હાઈવે પર વાહનવ્યવહાર રોકવામાં આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સાબરકાંઠા, અરવલ્લી સહિત 6 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ, 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, મહારાષ્ટ્રમાં મેઘરાજાનું તાંડવ

Weather Updates : મુંબઈ અને ગુજરાત સહિત દેશભરમાં વરસાદે તાંડવ મચાવવાનું શરૂ કર્યું છે. ઉજ્જૈન અને ઉત્તરાખંડમાં પણ અતિ ભારે વરસાદને પગલે નદીઓ ગાંડીતૂર બની ગઈ છે. લોકોનું જનજીવન ઠપ થઇ ગયું છે જ્યારે અનેક રસ્તા હાઈવે બંધ કરવાની ફરજ પડી છે. મુંબઈમાં પણ ભૂસ્ખલન જેવી ઘટનાને પગલે હાઈવે બંધ થયો છે.

ક્યાં કેટલો વરસાદ નોંધાયો?

  • અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં 9 ઇંચથી વધુ, ખાંભામાં 6 ઇંચથી વધુ અને સાવરકુંડલામાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે, જાફરાબાદ, બગસરા અને લીલીયા તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.
  • ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં 5 ઇંચથી વધુ અને આહવા તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
  • છેલ્લા 24 કલાકમાં અમરેલી જિલ્લામાં સરેરાશ 4 ઇંચ કરતા પણ વધારે, જ્યારે સમગ્ર ડાંગ જિલ્લામાં પણ સરેરાશ 4 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે.
  • સાબરકાંઠાના વિજયનગર અને ગીર સોમનાથના ઉના તાલુકામાં પણ 4-4 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ભાવનગરના જેસર અને નવસારીના ચીખલીમાં 3 ઇંચથી વધુ વરસાદ થયો છે.
  • ભાવનગરના મહુવા અને ગારીયાધાર, વલસાડના વાપી, ઉમરગામ અને કપરાડા,તાપીના ડોલવણ, વ્યારા અને વાલોડ, ગીર સોમનાથના ગીર ગઢડા અને કોડીનાર, નવસારીના ગણદેવી, સુરેન્દ્રનગરના ચુડા, સુરતના અંબિકા તેમજ અમરેલી તાલુકામાં પણ 2 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.

સિઝનનો સરેરાશ વરસાદ
આજે (છઠ્ઠી જુલાઈ) સવારે 6 કલાક સુધીની સ્થિતિએ રાજ્યમાં મોસમનો એકંદરે 6 ઇંચથી વધુ એટલે કે સરેરાશ 17 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં..

  • સૌરાષ્ટ્ર ઝોનમાં મોસમનો સૌથી વધુ 23 ટકાથી વધુ.
  • દક્ષિણ ગુજરાત ઝોનમાં 20 ટકાથી વધુ.
  • પૂર્વ-મધ્ય ગુજરાત ઝોનમાં 12 ટકાથી વધુ.
  • ઉત્તર ગુજરાત ઝોનમાં 10 ટકાથી વધુ.
  • કચ્છ ઝોનમાં સૌથી ઓછો માત્ર 0.42 ટકા વરસાદ નોંધાયો.

રાજ્યના જળાશયોની સ્થિતિ
ઉપરવાસમાંથી થઈ રહેલી પાણીની વિપુલ આવકના પગલે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલમાં 2.15 લાખ MCFT એટલે કે આશરે 65 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. આ સિવાય રાજ્યના અન્ય 206 જળાશયોમાં પણ 2.09 લાખ MCFT પાણીનો સંગ્રહ થયો છે.

  • રાજ્યના 02 ડેમ સંપૂર્ણ 100% ભરાયા છે, 18 ડેમ 70%થી વધુ, 20 ડેમ 50%થી વધુ, 49 ડેમ 25%થી વધુ અને 117 ડેમ 25% કરતા ઓછા ભરાયેલા છે.
  • વર્તમાન જળસપાટીને જોતાં 06 ડેમ 'હાઇ એલર્ટ' પર, 07 ડેમ 'એલર્ટ' પર અને 07 ડેમ 'વોર્નિંગ લેવલ' પર રાખવામાં આવ્યા છે.