India

અર્નબ વાવાઝોડાને કારણે ઉત્તર પ્રદેશમાં મૃત્યુઆંક 60ને પાર, બિહારમાં હજારો ગામ ટાપુ બન્યા

By GS Team
27 Sep 20262 mins read
TukuTouch Logo
અર્નબ વાવાઝોડાએ ઉત્તર પ્રદેશ અને બિહારમાં ભારે તારાજી સર્જી છે. ઉત્તર પ્રદેશમાં વરસાદ અને આંધી-તોફાન સંબંધિત દુર્ઘટનાઓમાં મૃત્યુઆંક 60 પર પહોંચ્યો છે, જ્યારે 117થી વધુ મકાનોને નુકસાન થયું છે. બિહારમાં 72 કલાકથી સતત વરસાદને કારણે હજારો ગામો ટાપુ બન્યા છે. સિક્કિમમાં ભૂસ્ખલનથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અર્નબ વાવાઝોડાને કારણે ઉત્તર પ્રદેશમાં મૃત્યુઆંક 60ને પાર, બિહારમાં હજારો ગામ ટાપુ બન્યા

Arnab Cyclone : અર્નબ વાવાઝોડાંએ ઉત્તર પ્રદેશમાં રવિવારે પણ ભારે તારાજી સર્જી હતી. ઉત્તર પ્રદેશના અનેક જિલ્લામાં મૂશળધાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા. ભારે વરસાદ અને તિવ્ર પવન ફૂંકાવાથી વૃક્ષો અને કાચા મકાન તૂટી પડયા હતા. રાજ્યમાં વરસાદ અને આંધી-તોફાન સંબંધિત દુર્ઘટનાઓમાં મૃત્યુઆંક વધીને 60 થઈ ગયો છે. બીજીબાજુ બિહારમાં અર્નબ વાવાઝોડું થોડું નબળું થયું હતું, પરંતુ છેલ્લા 72 કલાકથી સતત થઈ રહેલા વરસાદના કારણે હજારો ગામ ટાપુ બન્યા છે.

ઉત્તર પ્રદેશમાં સતત થઈ રહેલા વરસાદે અનેક જિલ્લાઓમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જતા સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું. હવામાન વિભાગે જણાવ્યું કે, દક્ષિણ-પૂર્વીય ઉત્તર પ્રદેશ પર બનેલું ડિપ્રેશન ઉત્તર-ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. જોકે, આ સિસ્ટમ સોમવાર સુધીમાં નબળી થઈ જવાની સંભાવના છે.

ઉત્તર પ્રદેશમાં છેલ્લા 60 કલાકથી થઈ રહેલા ભારે વરસાદથી 117 થી વધુ મકાનોને નુકસાન થયું હતું. બે દિવસમાં વરસાદ અને આંધી-તોફાન સંબંધિત ઘટનામાં લખીમપુરીમાં ચાર, અયોધ્યામાં બે અને અમેઠી, બહરાઈચ, બાંદા, બારાબંકી, બસ્તી, ફતેહપુર, હમીરપુર, હરદોઈ અને કાનપુર નગરમાં 1-1 સહિત કુલ 60 લોકોનાં મોત થયા છે.

દરમિયાન બિહારમાં અર્નબ વાવાઝોડું થોડું ધીમું પડી ગયું છે,પરંતુ છેલ્લા 72 કલાકથી થઈ રહેલા સતત વરસાદથી રાજ્યના અનેક જિલ્લામાં ભારે તારાજી સર્જાઈ છે અને હજારો ગામડા ટાપુ બની ગયા છે. પડોશી દેશ નેપાળના તરાઈ ક્ષેત્રોમાં સતત થઈ રહેલા મૂશળધાર વરસાદના કારણે ઉત્તર બિહારમાં ગંડક અને કોસી જેવી મહત્વની નદીઓ બે કાંઠે વહી રહી છે અને તેમાં પૂરનું જોખમ ઊભું થયું છે.

બીજીબાજુ છેલ્લા કેટલાક મહિનાથી મૂશળધાર વરસાદના કારણે સિક્કિમના રિમ્બી ક્ષેત્રમાં વારંવાર ભૂસ્ખલનની ઘટનાઓ બની રહી છે, જેનાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ભૂસ્ખલનની અસર હવે રહેણાંક વિસ્તારોમાં થવા લાગી છે. તાજેતરમાં આવેલા ભૂસ્ખલનથી અનેક મકાનોમાં કાટમાળ ઘૂસી ગયો હતો. ભૂસ્ખલનથી અસરગ્રસ્ત પરિવારો માટે રાહત અને બચાવ કાર્ય સતત ચાલુ છે.

રવિવારે હવામાનમાં આંશિક સુધારો આવતા અસરગ્રસ્ત ગ્રામીણો પોતાના ઘરો સુધી પહોંચ્યા હતા અને અંદર જમા કાટમાળ હટાવવાનું શરૂ કર્યું હતું. જોકે, વારંવારના ભૂસ્ખલનના કારણે રાજ્ય સરકાર રિમ્બી ક્ષેત્રને રહેવા માટે અયોગ્ય જાહેર કરાય તેવી શક્યતા છે. રાજ્ય સરકાર ભૂસ્ખલનના કારણે નુકસાન થયેલા ઘરો માટે રૂ. 1.3 લાખનું વળતર જાહેર કર્યું છે. આ ક્ષેત્રના લોકોને હાલ રાજ્ય સરકારે સુરક્ષિત સ્થળે ખસેડયા છે.

બીજી બાજુ છત્તીસગઢમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદને કારણે રહેણાંક વિસ્તારો, રસ્તાઓ અને હાઇવે પર પાણી ભરાયા બાદ મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાંથી ઓછામાં ઓછા 525 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા.