Get The App

'બળવા' વચ્ચે મમતા બેનર્જીની મોટી કાર્યવાહી, તૃણમૂલ કોંગ્રેસની તમામ કમિટી, સંગઠનો ભંગ

Updated: Jun 3rd, 2026

GS TEAM

Google News
Google News
'બળવા' વચ્ચે મમતા બેનર્જીની મોટી કાર્યવાહી, તૃણમૂલ કોંગ્રેસની તમામ કમિટી, સંગઠનો ભંગ 1 - image


Mamata Banerjee Dissolves All Committees : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કર્યા બાદ તૃણમૂલ કોંગ્રેસ(TMC)માં ભડકેલી આંતરિક બગાવતે પક્ષના મોવડી મંડળની ચિંતા વધારી દીધી છે. પક્ષની અંદર ચાલી રહેલી જૂથબંધી અને નેતાઓની નારાજગી વચ્ચે પક્ષ પ્રમુખ મમતા બેનર્જીએ એક મોટો રાજકીય દાવ ખેલતા તૃણમૂલ કોંગ્રેસની તમામ સમિતિઓ અને ફ્રન્ટલ ઑર્ગેનાઇઝેશન (અનુષંગિક સંગઠનો) ને તાત્કાલિક અસરથી ભંગ કરી દીધા છે. પક્ષના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ 'X' પર આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે પક્ષના હિતમાં ગહન વિચાર-વિમર્શ કર્યા બાદ જ આ આકરો નિર્ણય લેવામાં આવ્યો છે.

કઈ કઈ સમિતિઓ હતી? 

પક્ષમાં ચાલી રહેલા સત્તા સંગ્રામની વાત કરીએ તો, તૃણમૂલ કોંગ્રેસના આશરે ૧૬ જેટલા ફ્રન્ટલ ઑર્ગેનાઇઝેશન છે, જે પક્ષ માટે યુવા, મહિલા, વિદ્યાર્થીઓ, અને મજૂર વર્ગને સંગઠિત કરવાનું કામ કરે છે. આ ઉપરાંત પક્ષની મુખ્ય કાર્યકારી સમિતિ, કોર કમિટી, સ્ટેટ કમિટી, તેમજ જિલ્લા અને બ્લોક સ્તરની સમિતિઓ કાર્યરત હતી. પરંતુ ચૂંટણીમાં પરાજય બાદ પક્ષના કેટલાક આંતરિક જૂથો હાઇકમાન્ડના આદેશોને અવગણીને બાગી નેતાઓના નિર્ણયોને સમર્થન આપી રહ્યા હતા. પક્ષમાં ભંગાણ પડવાની આ સીધી સ્થિતિને રોકવા માટે મમતા બેનર્જીએ આખું માળખું જ વિખેરી નાખવાનું મુનાસિબ માન્યું છે.

હવે શું થશે? 

તૃણમૂલ કોંગ્રેસના જણાવ્યા અનુસાર, હવે પક્ષ દરેક સ્તરે આત્મનિરીક્ષણ (Self-Introspection), નેતાઓના કામકાજની સમીક્ષા અને સંગઠનાત્મક મૂલ્યાંકનની એક ખૂબ જ વ્યાપક પ્રક્રિયા હાથ ધરશે. આ તપાસ અને સમીક્ષાના તારણોને આધારે મુખ્ય સંગઠન તેમજ તમામ 16 પેટા સંગઠનોનું નવા ઉત્સાહ અને હેતુ સાથે પુનર્ગઠન કરવામાં આવશે, જેની જાહેરાત આગામી યોગ્ય સમયે કરાશે. પક્ષે સ્પષ્ટ કર્યું છે કે તેઓ સંગઠનને વધુ મજબૂત કરવા અને ભવિષ્યના રાજકીય પડકારોનો મક્કમતાથી સામનો કરવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે.