Get The App

તિરુપતિના લાડવામાં ભેળસેળવાળું ઘી હતું પણ પશુ ચરબીના દાવા પોકળ

Updated: Feb 1st, 2026

GS TEAM

Google News
Google News
તિરુપતિના લાડવામાં ભેળસેળવાળું ઘી હતું પણ પશુ ચરબીના દાવા પોકળ 1 - image

- સીબીઆઇએ દાખલ કરેલી ચાર્જશીટમાં મોટો ખુલાસો

- કેમિકલ અને વેજિટેબલ ઓઇલથી ઘી તૈયાર કરાયું, શુદ્ધ દેખાડવા લેબમાં તૈયાર એસ્ટર્સ ભેળવવામાં આવ્યા હતા 

તિરુપતિ : દેશભરમાં પ્રખ્યાત યાત્રા ધામ તિરુપતિ મંદિરે ભક્તોને પ્રસાદમાં અપાતા લાડવામાં પશુની ચરબી ભેળવવામાં આવી હોવાનો આરોપ થયો હતો, આ મામલે તપાસ કરી રહેલી સીબીઆઇએ ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં દાવો કરાયો છે કે પ્રસાદમાં પશુ ચરબી ભેળવવામાં નહોતી આવી, જોકે લાડવામાં શુદ્ધ ઘીનો ઉપયોગ નહોતો થયો તેવો ખુલાસો પણ થયો છે.   

સીબીઆઇ તપાસમાં સામે આવ્યું છે કે આંધ્ર પ્રદેશના તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમને પુરુ પાડવામાં આવેલુ ઘી શુદ્ધ ગાયનું ઘી નહોતું પરંતુ સિન્થેટિક ઘી હતું, જે કેમિકલ અને વેજિટેબલ ઓઇલથી તૈયાર કરવામાં આવ્યું હતું. એટલે કે પ્રસાદ શુદ્ધ ઘીમાં આપવાના દાવા પોકળ સાબીત થયા હતા. જોકે પશુ ચરબી ભેળવવામાં આવી હતી તેવા દાવા પણ ખોટા સાબિત થયા છે. 

આંધ્ર પ્રદેશના તિરુપતિ મંદિરમાં પ્રસાદમાં પશુ ચરબીની ભેળસેળનો આરોપ અગાઉની વાયએસ જગન્ન રેડ્ડી સરકાર પર લાગ્યો હતો. જેનો સમયગાળો ૨૦૧૯થી ૨૦૨૪ સુધીનો હતો. સીબીઆઇએ નલ્લોરની એન્ટી કરપ્શન બ્યૂરો કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી જેમાં જણાવાયું છે કે ૨૦૧૯થી ૨૦૨૪ દરમિયાન તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમને સપ્લાય કરાયેલા ઘીમાં પશુ ચરબીના પુરાવા નથી, જોકે આ ઘી વેજિટેબલ ઓઇલ અને લેબમાં તૈયાર એસ્ટર્સ ભેળવાયા હતા જેથી તે શુદ્ધ ઘી જેવું જ દેખાય. બીજી તરફ એક પ્રેસ કોન્ફરંસમાં વર્તમાન ચંદ્રાબાબુ નાયડુની સરકારમાં મંત્રી પય્યાવુલા કેશવે કહ્યું હતું કે મૈસુરુ સ્થિત કેન્દ્રીય ખાદ્ય સંસ્થાન સીએફટીઆરઆઇને મોકલવામાં આવેલા નમૂનામાં પશુ ચરબીની ભેળશેળ હોવાનો ખુલાસો થયો હતો પરંતુ પૂર્વ જગન મોહન રેડ્ડીની સરકારે આ રિપોર્ટને છૂપાવીને રાખ્યો હતો.