India

'લદાખમાં એવી બળજબરી થઈ રહી છે એના જેવું ચીન પણ તિબેટમાં નથી કરતું...', વાંગચૂકના નિવેદન પર સરકાર લાલઘૂમ

By GS Team
26 Sep 20262 mins read
TukuTouch Logo
લદ્દાખના કાર્યકર સોનમ વાંગચુકે લદ્દાખની સ્થિતિની તિબેટ સાથે સરખામણી કરતાં વિવાદ સર્જાયો છે. ધર્મશાળા સ્થિત સેન્ટ્રલ તિબેટન એડમિનિસ્ટ્રેશન(CTA)એ વાંગચુકના નિવેદનને ‘અયોગ્ય’ ગણાવ્યું. CTA મુજબ, ચીનના શાસન હેઠળ તિબેટમાં મૂળભૂત અધિકારો, ધાર્મિક સ્વતંત્રતા પર ગંભીર પ્રતિબંધો છે, જે લદ્દાખમાં નથી. વાંગચુકે 24 સપ્ટેમ્બર 2026ના રોજ લેહમાં રાજકીય મુદ્દાઓ ઉઠાવ્યા હતા, જ્યારે CTAએ તિબેટની વાસ્તવિક સ્થિતિ અલગ હોવાનું જણાવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'લદાખમાં એવી બળજબરી થઈ રહી છે એના જેવું ચીન પણ તિબેટમાં નથી કરતું...', વાંગચૂકના નિવેદન પર સરકાર લાલઘૂમ

Sonam Wangchuk : લદ્દાખના સામાજિક કાર્યકર અને લેહ એપેક્સ બોડી(LAB)ના સભ્ય સોનમ વાંગચુકના લદ્દાખની સ્થિતિની તિબેટ સાથે કરાયેલા સરખામણીના નિવેદનને લઈને વિવાદ સર્જાયો છે. ધર્મશાળા સ્થિત સેન્ટ્રલ તિબેટન એડમિનિસ્ટ્રેશન(CTA)એ વાંગચુકના નિવેદન સામે વાંધો વ્યક્ત કરીને તેને ‘અયોગ્ય અને વાસ્તવિક સ્થિતિથી દૂર’ ગણાવ્યું છે. CTAના પ્રવક્તા તેનઝિન લેકશેના જણાવ્યા મુજબ, તિબેટની વર્તમાન સ્થિતિને લદ્દાખ સાથે સરખાવવી યોગ્ય નથી.

શું કહ્યું હતું સોનમ વાંગચુકે?

24 સપ્ટેમ્બર 2026ના રોજ લેહમાં ગયા વર્ષે થયેલી હિંસાની પ્રથમ વરસી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં વાંગચુકે લદ્દાખના રાજકીય મુદ્દાઓ અને લોકોની ચિંતાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે લદ્દાખના લોકોએ ભારતને લોકશાહી અને સન્માનપૂર્વક જીવન જીવવાની આશાએ પસંદ કર્યું હતું. આ દરમિયાન તેમણે લદ્દાખની સ્થિતિની તિબેટ સાથે સરખામણી કરતાં દાવો કર્યો હતો કે લદ્દાખમાં જે પ્રકારનું દમન થઈ રહ્યું છે, તેવું ચીન તિબેટમાં પણ નથી કરી રહ્યું.

CTAએ શું વાંધો ઉઠાવ્યો?

CTAના પ્રવક્તા તેનઝિન લેકશે દ્વારા કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે વાંગચુકની સરખામણી તિબેટની વાસ્તવિક સ્થિતિ દર્શાવતી નથી. CTAના જણાવ્યા અનુસાર, તિબેટ હજુ ચીનના શાસન હેઠળ છે અને ત્યાં તિબેટીઓના મૂળભૂત અધિકારો, ધાર્મિક સ્વતંત્રતા અને સાંસ્કૃતિક ઓળખ અંગે ગંભીર પ્રતિબંધો હોવાનો તેનો દાવો છે. જ્યારે લદ્દાખમાં આવી કોઇ જ સ્થિતિ નથી.

24 સપ્ટેમ્બર 2025ની હિંસાનો મુદ્દો

વાંગચુકે આ નિવેદન લદ્દાખમાં ગયા વર્ષે થયેલી હિંસાની પ્રથમ વરસીએ આપ્યું હતું. 24 સપ્ટેમ્બર 2025ના વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ ફાયરિંગમાં ચાર લોકોના મોત થયા હતા. લદ્દાખ માટે છઠ્ઠી અનુસૂચિનું રક્ષણ અને રાજ્યનો દરજ્જો સહિતની માંગણીઓને લઈને આંદોલન ચાલી રહ્યું હતું. વાંગચુકે આ ઘટનાઓની તપાસની પણ માંગ કરી છે.

વાંગચુકની આગળની માંગણીઓ શું છે?

વાંગચુક લાંબા સમયથી લદ્દાખને બંધારણીય સુરક્ષા આપવા, છઠ્ઠી અનુસૂચિ હેઠળ રક્ષણ અને અન્ય રાજકીય અધિકારોની માંગ ઉઠાવતા રહ્યા છે. 2026માં તેમણે ફરી આ મુદ્દાઓને લઈને આંદોલન શરૂ કર્યું છે. 24 સપ્ટેમ્બરની વરસી પર તેમણે ગયા વર્ષની ઘટનાઓ માટે જવાબદારી નક્કી કરવાની પણ માંગ કરી હતી. આ મુદ્દે એક તરફ વાંગચુક લદ્દાખની વર્તમાન સ્થિતિ અંગે ગંભીર આક્ષેપો કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ CTAએ તિબેટની સ્થિતિને અલગ સંદર્ભમાં જોવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. બંને પક્ષોના નિવેદનો બાદ લદ્દાખ અને તિબેટની સ્થિતિ અંગેની ચર્ચા ફરી તેજ બની છે.