'સરકારી બાબુઓના રૂમમાં AC, અમને પંખો પણ નથી મળતો!', અમેઠીમાં Gen Alphaનો અડધી રાત્રે ભારે હોબાળો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Amethi Navodaya Vidyalaya Student Protest: ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લામાં સેઠા રોડ પર આવેલી જવાહર નવોદય વિદ્યાલયમાં મંગળવારે મોડી રાત્રે જબરદસ્ત હંગામો અને વિરોધ જોવા મળ્યો હતો. હોસ્ટેલમાં ખરાબ ભોજન, પાણીની અછત અને સુવિધાઓના અભાવથી કંટાળીને નવોદય વિદ્યાલયના સેંકડો 'Gen Alpha' (ધોરણ 6થી 12ના વિદ્યાર્થીઓ) રસ્તા પર ઉતરી આવ્યા હતા, અને રાત્રે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. મંગળવારે રાત્રે 8 વાગ્યે શરૂ થયેલું વિદ્યાર્થીઓના આ ધરણાં મોડી રાત્રે લગભગ 1 વાગ્યા સુધી ચાલ્યા હતા. આખું પરિસર 'ટીચર ગો બેક' અને અન્ય નારાઓથી ગુંજી ઊઠ્યું હતું.
વિદ્યાર્થીઓના વહીવટી તંત્ર પર આરોપ
ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થીઓએ શાળા તંત્રની પોલ ખોલતાં ગંભીર આક્ષેપો કર્યા છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે, મેસમાં મળતું ભોજન એટલું ખરાબ હોય છે કે, સિનિયર વિદ્યાર્થીઓ અવારનવાર રાત્રે ભૂખ્યા જ ઊંઘી જાય છે. દૂષિત ખોરાક ખાવાથી ઘણા બાળકો બીમાર પણ પડી ચૂક્યા છે, પરંતુ સારવારની કોઈ વ્યવસ્થા નથી. નાસ્તામાં અવારનવાર માત્ર 'ફ્રાય રાઇસ' આપી દેવામાં આવે છે. જ્યારે વિદ્યાર્થીઓ આ અંગે ફરિયાદ કરે છે, ત્યારે જવાબદારો સુધારો કરવાને બદલે ટોણાં મારે છે કે, 'પસંદ ન હોય તો પોતાના ઘરે જતા રહો, ત્યાં સારું ભોજન મળશે.'
હોસ્ટેલમાં પાણીની અછતઃવિદ્યાર્થીઓ
વિદ્યાર્થીઓએ એ પણ જણાવ્યું કે, હોસ્ટેલમાં પાણીની ભારે અછત છે, ઉપરના માળના બાથરૂમ ટપકે છે, અને ઉનાળામાં પંખા એટલા ધીમા ચાલે છે કે, ઊંઘવું પણ મુશ્કેલ બની જાય છે. એક વિદ્યાર્થીએ પોતાનું દુઃખ ઠાલવતાં કહ્યું, 'અધિકારીઓની ઑફિસોમાં તો એર કન્ડીશનર (AC) લાગેલા છે, અને અમારા રૂમના પંખા હવા પણ આપતા નથી!' આ ઉપરાંત, પુસ્તકો વગર અભ્યાસ કરાવવાનો અને સવાલ પૂછવા પર શિક્ષકો દ્વારા અસભ્ય ભાષાનો ઉપયોગ કરવાનો પણ આરોપ લાગ્યો છે.
રાત્રે પહોંચ્યા અધિકારીઓ, આપ્યું આશ્વાસન
હંગામાની જાણ થતાં જ SDM ગૌરીગંજ દિશા શ્રીવાસ્તવ, SDM મુસાફિરખાના, CO ગૌરીગંજ અને કોતવાલી પોલીસના અધિકારીઓ વિદ્યાલય પહોંચ્યા હતા. રાત્રે જ અધિકારીઓએ વિદ્યાર્થીઓ સાથે સીધી વાત કરી હતી, અને તેમની માંગણીઓનું લેખિત મેમોરેન્ડમ લીધું હતું. નિષ્પક્ષ તપાસ અને તાત્કાલિક કાર્યવાહીના નક્કર આશ્વાસન બાદ જ રાત્રે આશરે 1 વાગ્યે વિદ્યાર્થીઓ શાંત થયા હતા, અને પોતાના રૂમમાં પરત ફર્યા હતા.
DMએ બાળકો સાથે મેસમાં લંચ કર્યું
મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બુધવારે જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) સંજય ચૌહાણ, SP સરવણન ટી અને SDM દિશા શ્રીવાસ્તવે નવોદય વિદ્યાલયની મુલાકાત લીધી હતી. DM અને SPએ પોતે મેસમાં જઈને બાળકો સાથે જમીન પર બેસીને લંચ કર્યું હતું, અને ભોજનની ક્વોલિટીની સમીક્ષા કરી હતી.
મામલા પર શું બોલ્યા DM સંજય ચૌહાણ?
DM સંજય ચૌહાણે કહ્યું, 'માહિતી મળતાં જ મેં જાતે વિદ્યાલય પરિસરની મુલાકાત લીધી હતી. મેનેજમેન્ટ અને વિદ્યાર્થીઓ બંને સાથે વાતચીત કરીને સમસ્યાઓ સાંભળી છે. સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ માટે SDM દિશા શ્રીવાસ્તવના અધ્યક્ષપદે 5 સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. તાત્કાલિક ઉકેલી શકાય તેવી સમસ્યાઓને તુરંત પૂરી કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે, અને જર્જરિત ઇમારતોના સમારકામ માટે બજેટની માંગ મોકલવાનો આદેશ આપ્યો છે.'









