India

‘...તો ફરી મોટું આંદોલન કરીશું’ CJP ચીફ અભિજીત દિપકેની ચેતવણી, SCના ઓર્ડર બાદ ચિંતા વ્યક્ત કરી

By GS Team
28 Jul 20263 mins read
TukuTouch Logo
સુપ્રીમ કોર્ટના વચગાળાના આદેશ બાદ CJP એ આકરું વલણ અપનાવ્યું છે. CJP ફાઉન્ડર અભિજીત દિપકે જણાવ્યું કે, જો આંદોલનમાં સામેલ વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરાશે તો તેઓ ફરી આંદોલન શરૂ કરશે. CJP નેતા સૌરવ દાસે પણ દેશવ્યાપી આંદોલનની ચેતવણી આપી છે. સરકારે વિદ્યાર્થીઓ સામેની FIR પાછી ખેંચી, તેમને હેરાન કરવાનું બંધ કરવું જોઈએ તેવી માંગ CJP દ્વારા કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

‘...તો ફરી મોટું આંદોલન કરીશું’ CJP ચીફ અભિજીત દિપકેની ચેતવણી, SCના ઓર્ડર બાદ ચિંતા વ્યક્ત કરી

Abhijeet Dipke On Supreme Court Order Student Protests : સુપ્રીમ કોર્ટ દ્વારા કોકરોચ જનતા પાર્ટી (CJP)ના આંદોલન સાથે જોડાયેલી અરજીઓ પર આપવામાં આવેલા વચગાળાના આદેશ બાદ CJP એ આકરું વલણ અપનાવ્યું છે. CJP ના ફાઉન્ડર અભિજીત દિપકે જાહેરાત કરી છે કે, જો વિરોધ પ્રદર્શનમાં સામેલ વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરવામાં આવશે, તો તેઓ ફરીથી આંદોલન શરૂ કરશે.

અભિજીત દિપકેનું સોશિયલ મીડિયા પર મોટું નિવેદન

આ મુદ્દે પોતાના અધિકૃત X હેન્ડલ પર પોસ્ટ કરીને અભિજીત દિપકે ટ્વિટ કર્યું છે કે, 'જો પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને હેરાન કરવાનું ચાલુ રહેશે, તો કોકરોચ જનતા પાર્ટી ટૂંક સમયમાં જ મોટા પાયે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરશે. સરકારે વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરવાનું અને તેમની સામે 'વિચ-હંટિંગ' (અન્યાયી કાર્યવાહી) કરવાનું બંધ કરવું જોઈએ.'

વિરોધ પ્રદર્શન અને વિદ્યાર્થીઓની સુરક્ષા પર ભાર

અભિજીત દિપકે એ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, સરકાર અને પોલીસ પ્રશાસન દ્વારા આંદોલન કરી રહેલા યુવાનો અને વિદ્યાર્થીઓને પજવવાનું તરત જ બંધ કરવામાં આવે. જો પોલીસ તરફથી અન્યાયી પગલાં ચાલુ રહેશે, તો પક્ષ શાંતિપૂર્ણ માર્ગે જઈને પણ ઉગ્ર વિરોધ નોંધાવવા માટે મજબૂર બનશે.

CJP નેતા સૌરવ દાસની દેશવ્યાપી આંદોલનની ચેતવણી
CJP નેતા સૌરવ દાસે પણ ચેતવણી આપતા જણાવ્યું છે કે, જો સરકારે વિદ્યાર્થીઓ સાથે કરેલો પોતાનો વાયદો તોડ્યો, તો તેમની પાસે દેશવ્યાપી આંદોલન ફરીથી શરૂ કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નહીં રહે.

સુપ્રીમ કોર્ટના નિર્દેશ નંબર 4 પર ગંભીર ચિંતા

સૌરવ દાસે પોતાના નિવેદનમાં જણાવ્યું કે CJI સૂર્યકાંતની અધ્યક્ષતા વાળી બેંચ દ્વારા આપવામાં આવેલો વચગાળાનો આદેશ, ખાસ કરીને નિર્દેશ સંખ્યા 4, સમગ્ર દેશ માટે ખતરાની ઘંટડી સમાન છે. આ નિર્દેશ હેઠળ સરકારોને હાલની FIR સાથે આગળ વધવાની અને તપાસ ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે. CJP નું કહેવું છે કે આ નિર્દેશ ભારત સરકાર દ્વારા 25 જુલાઈ 2026 ના રોજ દેશના યુવાનોને આપવામાં આવેલા એ ભરોસાની સંપૂર્ણ વિરુદ્ધ છે, જેમાં તમામ FIR પાછી ખેંચવાની અને કોઈ પણ પ્રદર્શનકારીને નિશાન ન બનાવવાનો વાયદો કરાયો હતો.

'આ્વાસનના ભરોસે આંદોલન સમેટી લેવાયું હતું'

સૌરવ દાસે યાદ અપાવ્યું કે 25 જુલાઈના રોજ સરકાર તરફથી મળેલા આશ્વાસન અને પૂર્ણ વિશ્વાસના આધારે જ કોકરોચ જનતા પાર્ટીએ પોતાનું વિરોધ પ્રદર્શન પાછું ખેંચ્યું હતું. પરંતુ હવે CJP ને આશંકા છે કે કેન્દ્ર સરકાર અને ભાજપ શાસિત રાજ્ય સરકારો આ અદાલતી આદેશનો ઉપયોગ પ્રદર્શનકારીઓ સામે નોંધાયેલી FIR ચાલુ રાખવા અને તેમને હેરાન કરવા માટે કરી શકે છે. વિરોધના અવાજને દબાવવા અને રાજકીય સ્વાર્થ સાધવા અદાલતોનો સહારો લેવાઈ રહ્યો હોવાની ચિંતા તેમણે વ્યક્ત કરી હતી.

સરકારી વકીલોના વલણ સામે સવાલો

અદાલતમાં વચગાળાના આદેશનો સરકારી વકીલો તરફથી કોઈ વિરોધ ન કરાયો તે સામે પણ CJP એ વાંધો ઉઠાવ્યો છે. કેન્દ્ર સરકાર સારી રીતે જાણતી હતી કે 25 જુલાઈએ એક કરાર થઈ ચૂક્યો હતો અને CJP સાથે મોડી રાત સુધી વાતચીત ચાલતી હતી. પક્ષે ઉમેર્યું કે પૂરી માહિતી વિના આવેલો આ અદાલતી આદેશ સંપૂર્ણપણે ના મંજૂર છે અને કાનૂની દાવપેચથી યુવાનોનો ભરોસો તોડવો એ છેતરપિંડી છે.

'સરકાર પાસે હજુ પણ FIR પાછી ખેંચવાનો અધિકાર'

સૌરવ દાસે સ્પષ્ટ કર્યું કે, સુપ્રીમ કોર્ટના આ આદેશમાં એવું કંઈ જ નથી જે સરકારોને FIR પાછી ખેંચતા રોકે, જેમ કે બિહાર અને અસમની સરકારોએ કરી બતાવ્યું છે. કેસો પાછા ખેંચવાની અથવા કાર્યવાહી ન કરવાની સત્તા હજુ પણ કારોબારી (સરકાર) પાસે જ છે. માટે સરકારે પોતાના વાયદામાંથી પાછળ હટવા કોર્ટના આદેશનું બહાનું ન બનાવવું જોઈએ.

CJP ની સરકાર સમક્ષ કડક માંગણીઓ

કોકરોચ જનતા પાર્ટીએ માંગ કરી છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારો સુપ્રીમ કોર્ટ સમક્ષ લેખિત આશ્વાસનની શરતો તુરંત રજૂ કરે જેથી પારદર્શિતા જળવાઈ રહે. આ સાથે જ પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ પર નોંધાયેલી તમામ FIR તુરંત રદ કરવામાં આવે અને યુવાનોને ભવિષ્યમાં કોઈ પણ દંડાત્મક કાર્યવાહી સામે સુરક્ષાની ગેરંટી આપવામાં આવે. દાસે ચેતવણી આપી કે વાયદો પૂરો કરવા આપેલી સમયસીમા આજે પૂર્ણ થઈ રહી છે, જો સરકાર પાછળ હટશે તો દેશના રસ્તાઓ ફરી યુવાનોના અવાજથી ગુંજી ઉઠશે.