CCTVમાં કેદ થઈ ચોરી, કપડાં-ખિસ્સાં-બૂટમાં નોટો છુપાવતા દેખાયા કર્મચારીઓ... રામ મંદિર દાન ચોરીના SIT રિપોર્ટમાં મોટો ખુલાસો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ayodhya Ram Mandir Donation Theft SIT Report : અયોધ્યાના શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં ચઢાવાની ગણતરી દરમિયાન થયેલી ચોરી અને ઉચાપત મામલે સનસનીખેજ ખુલાસો થયો છે. આ કેસની તપાસ માટે રચાયેલી વિશેષ તપાસ ટીમ એટલે કે SITના પ્રારંભિક રિપોર્ટમાં ભારે ગેરરીતિઓનો પર્દાફાશ થયો છે. ઉત્તર પ્રદેશ સરકારે 25 જૂન 2026ના રોજ આ તપાસ અહેવાલની નકલ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને મોકલીને તમામ તથ્યોથી માહિતગાર કર્યા છે.
70 વખત થઈ ચોરી, 6 આરોપીઓ પર શંકા
એસઆઈટીની તપાસ મુજબ, 27 એપ્રિલ-2026થી 5 જૂન-2026 વચ્ચેના સીસીટીવી ફૂટેજ ચકાસતા ખુલાસો થયો છે કે, નોટોની ગણતરી કરવાના રૂમમાં કર્મચારીઓ ઘણી વખત નોટોની થપ્પીઓ અને છૂટા રૂપિયા પોતાના કપડાં, ખિસ્સાં અને બૂટ-મોજામાં છુપાવતા કેમેરામાં કેદ થયા છે. રિપોર્ટમાં આવી આશરે 70 શંકાસ્પદ ઘટનાઓનો ઉલ્લેખ કરાયો છે. આ ચોરીમાં પ્રાથમિક દ્રષ્ટિએ અવિનાશ શુક્લા, અનુકૂળ મિશ્ર, લવકુશ મિશ્ર, મનીષ કુમાર યાદવ, કરુણેશ પાંડે અને રામશંકર મિશ્ર નામના 6 કર્મચારીઓની મિલીભગત સામે આવી છે.
લાખો રૂપિયાની રોકડ રકમ રિકવર કરાઈ
તપાસ અહેવાલ અનુસાર, સત્તાવાર તપાસ શરૂ થાય તે પહેલા જ કેટલાક કર્મચારીઓ પાસેથી અંદાજે 78.94 લાખ રૂપિયા રિકવર કરી લેવાયા હોવાના સંકેત મળ્યા છે. આ સિવાય 4 જૂન 2026ના રોજ ગણતરી રૂમમાંથી અન્ય 2.25 લાખ રૂપિયાની વધારાની રોકડ પણ જપ્ત કરવામાં આવી છે. તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે, આ કર્મચારીઓના બેંક ખાતામાં તેમની સત્તાવાર આવક કરતાં ઘણી વધારે રકમ જમા થયેલી છે, જેની વિગતવાર તપાસ કરવામાં આવશે.
સુરક્ષા વ્યવસ્થા અને ટ્રસ્ટની દેખરેખ પર સવાલો
રિપોર્ટમાં ટ્રસ્ટની નબળી સુરક્ષા અને ગણતરી રૂમના નિયમોના ઉલ્લંઘન પર ગંભીર સવાલો ઉઠાવાયા છે. રૂમમાં આવતા-જતા સમયે કર્મચારીઓનું કોઈ ચેકિંગ થતું નહોતું અને તેમના ખાનગી સામાન પર પણ કોઈ રોકટોક નહોતી. જોકે, સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચાંદીની ઈંટો કે અન્ય કિંમતી વસ્તુઓ ગાયબ થવાની અફવાઓની પુષ્ટિ થઈ નથી, પણ આવી કિંમતી વસ્તુઓની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવા ભલામણ કરાઈ છે.
ટ્રસ્ટના હોદ્દેદાર ડો. અનિલ મિશ્રા પર ગંભીર આક્ષેપો
બેંક અને દાનની રકમની દેખરેખની મુખ્ય જવાબદારી સંભાળતા ટ્રસ્ટના વરિષ્ઠ હોદ્દેદાર ડો. અનિલ મિશ્રાને પણ આ બેદરકારી માટે જવાબદાર ગણવામાં આવ્યા છે. રિપોર્ટમાં જણાવાયું છે કે, 'કર્મચારીઓનું ચેકિંગ નથી થઈ રહ્યું તે વાતની જાણકારી ડો. મિશ્રાને હતી, તેમ છતાં તેમણે ચેકિંગ વ્યવસ્થા કડક કરવા કોઈ લેખિત આદેશ આપ્યા નહોતા.' બાયોમેટ્રિક હાજરી, ડ્રેસ કોડ અને દૈનિક રિપોર્ટિંગ જેવા નિયમો લાગુ ન કરાવવા બદલ વરિષ્ઠ સુપરવાઈઝર સ્તરે તેમની જવાબદારી નક્કી કરવામાં આવી છે. હાલ આ મામલે આગળની કાયદાકીય કાર્યવાહી ચાલુ છે.









