India

એક સમયે PM મોદી માટે વ્યૂહનીતિ ઘડનારા નેતાએ ભાજપનો ગઢ તોડ્યો! જાણો કોણ છે એ દિગ્ગજ નેતા

By GS Team
3 Aug 20265 mins read
TukuTouch Logo
બિહારની બાંકીપુર બેઠકની પેટાચૂંટણીમાં જન સુરાજ પાર્ટીના સંસ્થાપક પ્રશાંત કિશોરે 31 વર્ષ બાદ ભાજપના ગઢમાં જીત મેળવી છે. પૂર્વે રાજકીય સલાહકાર તરીકે PM મોદીના 2014ના પ્રચારથી જાણીતા PK, હવે રાજકારણમાં સક્રિય બન્યા છે. UNICEFમાં કાર્યરત કિશોરે 2011માં કુપોષણ પરના રિપોર્ટથી મોદીનું ધ્યાન ખેંચી રાજકીય કારકિર્દી શરૂ કરી.

Summarized by AI; it may make mistakes. Check important info

એક સમયે PM મોદી માટે વ્યૂહનીતિ ઘડનારા નેતાએ ભાજપનો ગઢ તોડ્યો! જાણો કોણ છે એ દિગ્ગજ નેતા

Prashant Kishor Political History : બિહારની બાંકીપુર બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં જન સુરાજ પાર્ટીના સંસ્થાપક પ્રશાંત કિશોરે જીત મેળવી છે. આ બેઠક ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીન રાજ્યસભામાં ગયા તે પહેલાં છોડી હતી. આ પહેલાં નિતિન નવીન અહીંથી સતત 5 વખત, 4 વખત બાંકીપુર અને 1 વખત પટના પશ્ચિમથી જીત્યા હતા. નિતિનના પિતા નવીન કિશોર સિંહા સતત 4 વખત પટના પશ્ચિમ બેઠક પરથી ભાજપની ટિકિટ પર જીતી ચૂક્યા હતા. 31 વર્ષ અને 9 ચૂંટણીઓ પછી ભાજપને અહીંથી હાર મળી છે. 2025 ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં એક પણ બેઠક ન જીતનારી જન સુરાજ પાર્ટી (JSP)એ પ્રથમ વખત જીતનો સ્વાદ ચાખ્યો છે.

એવામાં એ જાણવું મહત્વપૂર્ણ છે કે પ્રશાંત કિશોર કોણ છે? તેમની રાજકારણમાં આવતા પહેલાંની પૂરી કહાની શું છે? રાજકારણમાં પ્રવેશ પછી કઈ રીતે તેમનો રસ્તો સતત બદલાતો રહ્યો? કિશોર દ્વારા જન સુરાજ પાર્ટી ઊભી કરવા પાછળનું કારણ શું રહ્યું છે? બિહારમાં વિધાનસભા ચૂંટણી ન લડ્યા પછી બાંકીપુર પેટાચૂંટણીમાં ઉતરવાનું કારણ શું રહ્યું? ચાલો જાણીએ…

કોણ છે પ્રશાંત કિશોર, રાજકારણમાં પ્રવેશતા પહેલાં કેવું હતું જીવન?

પ્રશાંત કિશોર, જેમને રાજકીય વર્તુળોમાં 'PK' પણ કહેવામાં આવે છે, ભારતના સૌથી લોકપ્રિય રાજકીય સલાહકારોમાંથી એક રહ્યા છે. તેમને પ્રથમ વખત ઓળખ 2014 માં PM મોદીના સફળ ચૂંટણી પ્રચાર પછી મળી હતી. જોકે, સમય સાથે પ્રશાંત કિશોર ઉમેદવારો અને પક્ષો માટે પ્રચાર ચલાવવાથી લઈને પોતાની પાર્ટી બનાવવા અને હવે બાંકીપુરમાં ભાજપના ગઢને તોડનારા નેતા તરીકે ઓળખ બનાવવામાં સફળ રહ્યા છે.

રાજકારણમાં આવતા પહેલાં શું હતી ઓળખ?

પ્રશાંત કિશોરનો જન્મ 20 માર્ચ-1977ના રોજ બિહારના સાસારામ જિલ્લામાં આવેલા કોનાર ગામમાં થયો હતો. તેમના પિતા શ્રીકાંત પાંડે એક તબીબ હતા અને તેમની માતા સુશીલા પાંડે ગૃહિણી હતાં. તેમનું પ્રાથમિક શિક્ષણ બક્સરમાં થયું અને બાદમાં તેઓ અભ્યાસ માટે હૈદરાબાદ ગયા હતા. તેમણે લખનૌ યુનિવર્સિટીમાંથી બેચલર્સ ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (BBA) અને જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી, અમેરિકા, હિન્દુજા હોસ્પિટલના સહયોગથી ASCI હૈદરાબાદમાંથી હેલ્થકેર મેનેજમેન્ટમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી છે. તેમની પત્ની જાનહવી દાસ આસામના વતની એક તબીબ છે.

કુપોષણ પર રિપોર્ટથી રાજકારણમાં બન્યો રસ્તો

UNICEFમાં કામ કરતી વખતે જ પ્રશાંત કિશોરે 2011માં ભારતમાં આર્થિક સમૃદ્ધિ અને કુપોષણના વિષય પર એક રિસર્ચ પેપર તૈયાર કર્યું હતું. આ રિપોર્ટ તત્કાલીન પ્રધાનમંત્રી મનમોહન સિંહને મોકલવામાં આવ્યો હતો. જણાવવામાં આવે છે કે પ્રથમ વખત આ રિપોર્ટે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. ત્યારબાદ મોદીએ પ્રશાંત કિશોરને મળવા માટે આમંત્રિત કર્યા હતા. બેઠકમાં પ્રશાંત કિશોરે મોદીને એટલા પ્રભાવિત કર્યા કે PM પદ માટે દાવેદારી રજૂ કરતા પહેલાં જ મોદીએ તેમને રાજકીય વ્યૂહરચનાકાર તરીકે પોતાની ટીમનો હિસ્સો બનાવી લીધા. અહીંથી પ્રશાંત કિશોરની રાજકીય કારકિર્દીની શરૂઆત થઈ અને તેમણે 2012 ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના સફળ ચૂંટણી પ્રચારમાં મહત્વની ભૂમિકા ભજવી.

મોદી માટે 2014 લોકસભા ચૂંટણી પ્રચારની જવાબદારી સંભાળી

2014ની લોકસભા ચૂંટણી પહેલાં પ્રશાંત કિશોરે સિટિઝન્સ ફોર એકાઉન્ટેબલ ગવર્નન્સ (CAG) નામની સંસ્થાની સહ-સ્થાપના કરી. આ સંસ્થાએ ભાજપ માટે 'ચાય પે ચર્ચા' અને '3D રેલીઓ' જેવા અનેક નવા પ્રચાર અભિયાનો ચલાવ્યા. માનવામાં આવે છે કે પ્રશાંત કિશોરની આ યોજનાઓએ ચૂંટણીમાં ભાજપને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

પછી ભાજપથી અલગ થયા અને કહેવાયા ચૂંટણી વ્યૂહરચનાકાર

2014 પછી ભાજપ સંગઠન સાથેના મતભેદોના કારણે તેઓ પક્ષથી અલગ થઈ ગયા હતા. ત્યારબાદ તેમણે ઇન્ડિયન પોલિટિકલ એક્શન કમિટી (I-PAC)ની સ્થાપના કરી. 2015માં તેમણે બિહારમાં ભાજપના નેતૃત્વવાળા NDA સામે JDU, RJD, કોંગ્રેસ વગેરે પક્ષોના નેતૃત્વવાળા મહાગઠબંધનને જીત અપાવી. ત્યારબાદ તેઓ JDU પ્રમુખ નીતિશ કુમારના ખૂબ નજીકના બનતા ગયા.

અનેક પક્ષો માટે મહત્ત્વના બન્યા પ્રશાંત કિશોર

બિહાર ચૂંટણી પછી તેમણે અલગ-અલગ રાજ્યોમાં કોંગ્રેસ, આંધ્રપ્રદેશમાં YSRCP, દિલ્હીમાં આમ આદમી પાર્ટી, પશ્ચિમ બંગાળમાં TMC અને તમિળનાડુમાં DMK જેવા અનેક પક્ષો માટે ચૂંટણી વ્યૂહરચનાઓ બનાવીને કિંગમેકર તરીકે પોતાની ઓળખ બનાવી.

JDUથી રાજકીય ઇનિંગ્સની શરૂઆત કરી

પડદા પાછળથી કામ કર્યા પછી પ્રશાંત કિશોરે 2018માં ઔપચારિક રીતે રાજકારણમાં પ્રવેશ કર્યો. તેઓ 16 સપ્ટેમ્બર 2018ના રોજ નીતિશ કુમારની પાર્ટી જનતા દળ-યુનાઇટેડ (JDU)માં જોડાયા અને તેમને પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ નિમવામાં આવ્યા. જોકે, તેમનો આ પ્રવાસ લાંબો ન ચાલ્યો. 2020માં નાગરિકતા સુધારા કાયદા (CAA)ના મુદ્દે નીતિશ કુમાર સાથે તેમને મતભેદો થયા. ત્યારબાદ તેમને શિસ્તભંગના આરોપસર પક્ષમાંથી નિષ્કાસિત કરવામાં આવ્યા.

રાજકારણમાંથી બહાર થયા, પરંતુ બિહાર પાછા ફર્યા

2021માં પશ્ચિમ બંગાળમાં TMC અને તમિળનાડુમાં DMKને પોતાની વ્યૂહરચનાથી શાનદાર જીત અપાવ્યા પછી પ્રશાંત કિશોરે 2 મે-2021ના રોજ ચૂંટણી વ્યૂહરચનાકારના કામમાંથી કાયમ માટે નિવૃત્તિ લેવાની જાહેરાત કરી. ત્યારે તેમણે જણાવ્યું કે કોવિડ-19 મહામારી દરમિયાન આટલા સંસાધનો અને સંપર્કો છતાં લોકોની મદદ ન કરી શકવાની લાચારીએ તેમને આ વિચારવા મજબૂર કર્યા. કિશોરનું કહેવું હતું કે બિહારમાં સુશાસનના પોકળ દાવાઓએ તેમને પાછા પોતાના રાજ્ય તરફ ફરવા માટે પ્રેરિત કર્યા.

બિહારમાં પોતાની પાર્ટી ઊભી કરી

બિહાર પાછા ફર્યા પછી પ્રશાંત કિશોરે સીધા જનતા વચ્ચે જઈને પોતાની રાજકીય જમીન તૈયાર કરી. તેમણે પદયાત્રાથી લઈને પાર્ટીની સ્થાપના સુધીનું કામ કરી બતાવ્યું.

બિહાર વિધાનસભા ચૂંટણીમાં પોતાના પક્ષને લડાવ્યો

જન સુરાજ પાર્ટીએ 2025 ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં પોતાના ઉમેદવારો ઉતાર્યા હતા, જોકે પ્રશાંત કિશોરે પોતે ચૂંટણી લડી નહોતી. આ ચૂંટણીમાં JSP ને ભારે હાર મળી અને તેમનો એક પણ ઉમેદવાર જીતી શક્યો નહીં. આ છતાં પ્રશાંત કિશોરે બિહારમાં પોતાનો મુકામ જાળવી રાખ્યો અને સંકેત આપ્યો કે આગામી ચૂંટણી સુધી તેઓ પાર્ટીનો પાયો મજબૂત કરવા રાજ્યની જનતા વચ્ચે પહોંચતા રહેશે.

…અને હવે બાંકીપુર પેટાચૂંટણીમાં જીત

બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-JDU ગઠબંધનની બમ્પર જીત થઈ હતી. આ ચૂંટણીના થોડા સમય પછી જ ભાજપ દ્વારા રાજ્યની બાંકીપુર બેઠક પરથી ધારાસભ્ય ચૂંટાયેલા નિતિન નવીનને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા. આ પછી પાર્ટીએ તેમને રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય કર્યો. આ ઘટનાક્રમ વચ્ચે પ્રશાંત કિશોરે જાહેરાત કરી કે તેઓ પોતે બાંકીપુરથી ચૂંટણી લડવા મેદાનમાં ઉતરશે અને વિજયી બન્યા.