1997ની એ ઘટના ફરી ચર્ચામાં... જ્યારે પેપર લીક સામે રસ્તા પર ઉતર્યા હતા ધર્મેન્દ્ર પ્રધાન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Dharmendra Pradhan 1997 Protest : NEET-UG પેપર લીક મામલાને લઈને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ તેજ થઈ રહી છે. આ દરમિયાન આશરે ત્રણ દાયકા જૂની એક ઘટના ફરી ચર્ચામાં આવી ગઈ છે. સોશિયલ મીડિયા પર 2021નો એક રિપોર્ટ વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે, કે ધર્મેન્દ્ર પ્રધાને 1997માં ઓડિશામાં થયેલા એક કથિત પેપર લીક સામે આંદોલન કર્યું હતું. લોકો તેને આજની પરિસ્થિતિ સાથે જોડીને જોઈ રહ્યા છે.
આ દાવો નવો નથી. 2021માં પ્રકાશિત એક પ્રોફાઈલ રિપોર્ટમાં ધર્મેન્દ્ર પ્રધાનના એક જૂના સહયોગીના હવાલેથી કહેવામાં આવ્યું હતું કે, 1997માં ઓડિશા સચિવાલયની બહાર પેપર લીક સામે થયેલા પ્રદર્શનમાં ધર્મેન્દ્ર પ્રધાન સામેલ હતા. રિપોર્ટમાં જણાવાયું છે કે, તે દરમિયાન પોલીસના લાઠીચાર્જમાં તેમને ઈજા પણ પહોંચી હતી. જોકે આ અહેવાલો અંગે કોઈ સત્તાવાર પુષ્ટી થઈ નથી.
1997માં શું થયું હતું?
1997નો સમય એવો હતો, જ્યારે કેન્દ્રમાં અટલ બિહારી વાજપેયીની નવી સરકાર બહુમતિ સાબિત કરવાનો પ્રયાસ કરી રહી હતી. આ દરમિયાન ઓડિશામાં એક પરીક્ષાનું પ્રશ્નપત્ર લીક થવાનો મામલો સામે આવ્યો. તે સમયે ધર્મેન્દ્ર પ્રધાન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના રાષ્ટ્રીય સચિવ હતા, અને ભાજપમાં સામેલ થવાની તૈયારી કરી રહ્યા હતા. એવો દાવો કરવામાં આવે છે કે, તેમણે આશરે 1500 વિદ્યાર્થીઓ સાથે તત્કાલીન ઓડિશાની કોંગ્રેસ સરકાર સામે પ્રદર્શન કર્યું હતું. આ આંદોલન દરમિયાન પોલીસે લાઠીચાર્જ કર્યો, જેમાં ધર્મેન્દ્ર પ્રધાનને ઘણી ઈજાઓ થઈ હતી, અને શરીર પર ફ્રેક્ચર પણ થયા હતા.

ફરી કેમ ચર્ચામાં આવ્યું જૂનું આંદોલન?
સોશિયલ મીડિયા પર હવે મોટી સંખ્યામાં લોકો ધર્મેન્દ્ર પ્રધાનના તે સમયના ફોટા અને કિસ્સાઓ શેર કરી રહ્યા છે. કેટલાક લોકો તેમને એક સંઘર્ષશીલ વિદ્યાર્થી નેતા બતાવી રહ્યા છે, જ્યારે ઘણા લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જે, નેતા ક્યારેક પેપર લીક સામે આંદોલન કરતા હતા, તેઓ જ આજે શિક્ષણ મંત્રી હોવા છતાં આ સમસ્યાને કેમ રોકી શક્યા નથી.
વિદ્યાર્થી રાજકારણથી શરૂ થઈ સફર
2021 ના રિપોર્ટ મુજબ, ઓડિશા સરકાર સામે થયેલું આ આંદોલન ધર્મેન્દ્ર પ્રધાનની આગેવાનીમાં થયું હતું. પોલીસ કાર્યવાહી છતાં તેમણે પોતાનો વિરોધ ચાલુ રાખ્યો હતો. આ આંદોલન પછી તેમની ઓળખ રાજ્યના અગ્રણી વિદ્યાર્થી નેતાઓમાં થવા લાગી. ધર્મેન્દ્ર પ્રધાને 18 વર્ષની ઉંમરે વિદ્યાર્થી રાજકારણમાં પગ મૂક્યો હતો. ઉત્કલ યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન ધર્મેન્દ્ર પ્રધાન વિદ્યાર્થી આંદોલનોમાં સક્રિય રહ્યા. નવેમ્બર 1994 થી 1997 વચ્ચે તેઓ બે વાર ABVPના રાષ્ટ્રીય સચિવ પણ રહ્યા.
90 ના દાયકામાં વિદ્યાર્થી આંદોલનોમાં સતત સક્રિય રહેવાથી ધર્મેન્દ્ર પ્રધાનની સંગઠનમાં મજબૂત ઓળખ બની. બાદમાં તેમણે ઓડિશામાં ભાજપનું સંગઠન મજબૂત કરવા પર કામ કર્યું. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, રાજ્યમાં ભાજપના વિસ્તારમાં તેમની મહત્વની ભૂમિકા રહી. 2024માં ઓડિશામાં પહેલીવાર ભાજપની સરકાર બની, અને બીજુ જનતા દળનું બે દાયકાથી પણ લાંબુ શાસન સમાપ્ત થયું.
હવે શિક્ષણ મંત્રી તરીકે સવાલોના ઘેરામાં
2021 માં શિક્ષણ મંત્રી બન્યા પછી, ધર્મેન્દ્ર પ્રધાનને અનેક પડકારોનો સામનો કરવો પડ્યો. પેપર લીકથી લઈને પરીક્ષા વ્યવસ્થા સુધીના અનેક મુદ્દાઓ પર સરકારે ટીકાઓ સહન કરવી પડી છે. રિપોર્ટો અનુસાર, છેલ્લા 8 વર્ષોમાં દેશભરમાં 90 થી વધુ પેપર લીકની ઘટનાઓ સામે આવી ચૂકી છે.
હાલમાં દિલ્હીના જંતર-મંતર પર ચાલી રહેલા આંદોલનમાં વિદ્યાર્થીઓ, વાલીઓ, કેટલાક રાજકીય પક્ષોના નેતાઓ અને અન્ય લોકો શિક્ષણ મંત્રી પાસે જવાબ માગી રહ્યા છે. પ્રદર્શનકારીઓ 2026ના NEET પેપર લીક મામલે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ કરી રહ્યા છે.









