‘અહંકારી સરકારની વિદાય નક્કી’ : સંસદ માર્ચ દરમિયાન વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ થતાં વિપક્ષ ભડક્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

CJP Protest Delhi : આજે સંસદમાં ચોમાસા સત્રનો પહેલો જ દિવસ છે, ત્યારે જંતર-મંતરથી લઈને સંસદ સુધી ભારે હોબાળો ચાલી રહ્યો છે. નીટ પરીક્ષા મુદ્દે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન(Dharmendra Pradhan)ના રાજીનામાની માંગ કરી રહેલા કોકરોચ જનતા પાર્ટી(CJP)ના સમર્થકોએ સંસદ તરફ માર્ચ શરૂ કરતાં જ મામલો ગંભીર બની ગયો છે. દિલ્હી પોલીસે સંસદ તરફ આવી રહેલા દેખાવકારો પર લાઠીઓ વરસાવી છે, જેને લઈને આખો વિપક્ષ ગુસ્સે થયો છે. દેખાવકારો પર લાઠીચાર્જ મામલે સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીથી લઈને ટીએમસીના નેતાઓ ગુસ્સે થયા છે.
સરકાર બાળકોની વાત સાંભળતી નથી : અખિલેશ
વિપક્ષના નેતાઓએ દેખાવ કરી રહેલા વિદ્યાર્થીઓનું સમર્થન કરવાની સાથે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે (Akhilesh Yadav) વિદ્યાર્થીઓ પર બળપ્રયોગ કરવા મામલે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, ‘અમારા સાંસદોને પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા છે, જ્યારે બહાર બાળકો પર લાઠીચાર્જ કરવામાં આવી રહ્યો છે. આ કેવી સરકાર છે? તમે બાળકોની વાત સાંભળવા જ નથી માંગતા.’
નીટ પરીક્ષામાં ધાંધલી માટે જવાબદાર કોણ? અખિલેશ
અખિલેશે નીટ પરીક્ષામાં ધાંધલી મામલે નેતાઓના રાજીનામાની માંગ કરી છે. તેમણે કહ્યું કે, જો નીટ પરીક્ષામાં ધાંધલી થઈ, તો તે માટે જવાબદાર કોણ છે? તમે વિશ્વગુરુ બનવાની આશા રાખીને બેઠા છો અને દાવો કરો છો કે, વિશ્વ અમૃતકાળમાં છે. તેમ છતાં તમે તમારા મંત્રીઓને હટાવી શકતા નથી.
‘અંગ્રેજોએ પણ દેખાવકારોની વાત સાંભળી હતી’
તેમણે રોજગાર મામલે સરકારને ઘેરતાં કહ્યું કે, ‘જો નોકરીઓ અપાઈ હોત તો આજે બાળકો રસ્તા પર ન ઉતર્યા હોત. જ્યારે લોકો વિરોધ કરવા બેઠા હતા, ત્યારે અંગ્રેજોએ પણ તેમની વાત સાંભળી હતી. તેથી જ વિરોધનો રસ્તો દેખાડનાર ગાંધીજીનું આજે વિશ્વભરમાં સન્માન કરવામાં આવે છે. જે રીતે દેખાવકારોને હટાવાઈ રહ્યા છે, તે જોતાં લાગી રહ્યું છે કે, સરકારની સન્માનજનક વિદાય ન થઈ જાય. આ સરકાર નહીં, પરંતુ અહંકાર છે.’
થરૂરે યુવાઓ પર લાઠીચાર્જને હિંસા ગણાવી
કોંગ્રેસ નેતા શશિ થરૂરે(Shashi Tharoor) પણ વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મામલે આક્રમક પ્રતિક્રિયા આપી છે. તેમણે શાંતિપૂર્વક દેખાવો કરી રહેલા યુવાઓ પર પોલીસની કાર્યવાહીને હિંસા ગણાવી છે. તેમણે કહ્યું કે, ‘અહિંસક દેખાવો થઈ રહ્યા હતા, તો લાઠીચાર્જ કરવા પાછળ શું કારણ છે? લાઠીચાર્જ કરવો તે અહિંસાનું કામ નથી. આ એક હિંસક કાર્યવાહી છે.’
‘મોદીજીએ દેશના યુવાઓ પર હુમલો કર્યો’
આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલે(Arvind Kejriwal) વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જની ઘટનાની ટીકા કરી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું છે કે, ‘અમારા બાળકો પર લાઠીચાર્જ થઈ રહ્યો છે, ટિયર ગેસના સેલ છોડવામાં આવી રહ્યા છે. એવું લાગે છે કે, મોદીજીએ શિક્ષણ અને પરીક્ષા વ્યવસ્થા યોગ્ય કરવાના બદલે દેશના યુવાઓ પર હુમલો કરી દીધો છે. યુવાઓ મોદીજીનો અહંકાર ક્યારેય સહન નહીં કરે.’
લાઠીચાર્જ એ લોકશાહી પર હુમલો : ખડગે
રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે(Mallikarjun Kharge)એ પણ સરકાર વિરુદ્ધ કડક વલણ અપનાવ્યું છે. તેમણે કહ્યું કે, ‘વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ થવો તે લોકશાહી પર હુમલો છે. આ સરકાર સત્તામાં રહેવાને લાયક નથી.’
જંગત-મંતર પર ઇન્ટરનેટ બંધ, હિંસા આચરાઈ : મહુઆ મોઈત્રા
તૃણમૂલ કોંગ્રેસ(TMC)ના સાંસદ મહુઆ મોઈત્રા(Mahua Moitra)એ પણ જંતર-મંતર પરની સ્થિતિ અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ‘હું આજે સવારે લોકસભા જતાં પહેલા જંતર-મંતર ગઈ હતી. ત્યારપછી તુરંત ઈન્ટરનેટ બંધ કરી દેવાયું અને દેખાવકારો પર ક્રૂરતા શરૂ કરવામાં આવી. કોઈપણ સરકાર જો ક્રૂરતાનો ઉપયોગ કરીને અહિંસક વિદ્યાર્થી પ્રદર્શનકારીઓ પર હુમલા કરે છે, તે પોતાના અંતિમ દિવસોમાં હોય છે.’
તેમણે વધુ એક પોસ્ટમાં લખ્યું છે કે, ‘નરેન્દ્ર મોદી અને અમિત શાહ - જોઈ લો! સારી રીતે જોઈ લો. આજે યુવાઓ કોઈપણ ડર વગર તમારી સામે ઊભા છે. હવે તમારી પાસે છુપવા માટે કોઈ જગ્યા બચી નથી.’









