જંતર-મંતર પર માહોલ ગરમાયો, UGC અને અનામત સામે એકઠા થયેલા સવર્ણ સમાજના લોકોની RAFએ કરી અટકાયત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jantar Mantar UGC Reservation Protest: દિલ્હીના જંતર-મંતર ખાતે શુક્રવારે UGCના નવા નિયમો અને SC-ST અનામત પ્રથામાં સુધારાની માંગ સાથે ઘર્ષણ સર્જાયુ હતું. જંતર-મંતર પર એકઠા થયેલા સવર્ણ સમાજના પ્રદર્શનકારીઓને હટાવવા માટે દિલ્હી પોલીસ અને રેપિડ એક્શન ફોર્સ (RAF) એ મોરચો સંભાળ્યો હતો. પોલીસે પ્રદર્શન સ્થળ પરથી લોકોને હટાવવાનું શરૂ કર્યું હતું, અને સ્થિતિ વણસતાં કેટલાક વિરોધકર્તાઓની અટકાયત કરીને બસોમાં ભરીને લઈ જવામાં આવ્યા હતા.
શાંતિપૂર્ણ વિરોધ અને અનામત સમીક્ષાની માંગ
સ્થળ પર હાજર પ્રદર્શનકારીઓએ જણાવ્યું હતું કે, તેઓ શાંતિપૂર્ણ રીતે પોતાની વાત રજૂ કરવા આવ્યા હતા. તેઓ વર્તમાન અનામત વ્યવસ્થામાં સુધારો અને તેની યોગ્ય સમીક્ષા કરવાની માંગ કરી રહ્યા છે. આ ઉપરાંત પ્રદર્શનકારીઓએ અનામતમાં 'ક્રિમી લેયર' ની વ્યવસ્થા લાગુ કરવાની તેમજ SC, ST અને OBC સાથે જોડાયેલી નીતિઓમાં ફેરફાર કરવાની પણ માંગ ઉઠાવી હતી. તેમનું કહેવું હતું કે, સરકારી સહાય, સ્કોલરશિપ અને ફી માફી જેવી સુવિધાઓ જાતિના બદલે આર્થિક જરૂરિયાતના આધારે મળવી જોઈએ.
પરવાનગી વગર એકઠા થયા હતા લોકો
દિલ્હી પોલીસે ગુરુવારે જ સ્પષ્ટ કર્યું હતું કે, 21 ઓગસ્ટે જંતર-મંતર ખાતે અનામત સુધારા મુદ્દે કોઈ પણ પ્રકારના પ્રદર્શનની પરવાનગી આપવામાં આવી નથી. સોશિયલ મીડિયા પર પરવાનગી મળી હોવાના દાવા કરતા વીડિયોને પોલીસે ‘ખોટા અને ભ્રામક’ ગણાવ્યા હતા. તેમ છતાં શુક્રવારે મોટી સંખ્યામાં લોકો જંતર-મંતરે પહોંચ્યા હતા.
ધારા 163 (BNSS) લાગુ
દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે, નવી દિલ્હીમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ 163 હેઠળ મનાઈહુકમ (નિષેધાજ્ઞા) અગાઉથી જ લાગુ છે, જે મુજબ પાંચ કે તેથી વધુ લોકોના એકઠા થવા કે, સરઘસ કાઢવા પર પ્રતિબંધ છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિસ્તારમાં ભારે બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો, અને બેરિકેડ્સ લગાવી દેવાયા હતા.









