ટેટૂની શાહીથી કેન્સર અને HIVનો ખતરો! સમગ્ર દેશમાં એકસમાન કાયદો લાવવા કર્ણાટક સરકારની માંગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Karnataka Demands National Regulations For Tattoo: ટેટૂ એ આજકાલનું સ્ટાઇલ સ્ટેટમેન્ટ છે. જેણે બનાવડાવ્યું છે, તેને તો થોડો અંદાજ હોય છે, પરંતુ જે પહેલીવાર ટેટૂ બનાવવાનું વિચારે છે, તેના મનમાં ઘણા સવાલો થાય છે. જેમ કે, શું શાહી લોહીમાં ભળે છે? સોય ત્વચાની કેટલી અંદર સુધી જાય છે? તેનાથી કયા હેલ્થ રિસ્ક થઈ શકે છે, અને સૌથી તાત્કાલિક ખતરો કયો છે? આ તમામ સવાલોના જવાબો આજે અમે અહીં તમને જણાવીશું.
ટેટૂની કાર્યપદ્ધતિ સામે સવાલો
અસલી દેખાતા ચહેરાઓથી લઈને કુદરતના સુંદર નજારા શરીર પર કંડારી આપતા ટેટૂ માર્કેટે સરકારની ચિંતા વધારી દીધી છે. દેશભરમાં ટેટૂ પાર્લરોની સંખ્યા અઢળક વધી ગઈ છે, જેના કારણે તેમની કાર્યપદ્ધતિ પર સવાલો ઊભા થયા છે. આ દરમિયાન કર્ણાટકના આરોગ્ય વિભાગે કેન્દ્ર સરકારને એક રિપોર્ટ મોકલીને સમગ્ર દેશમાં એકસમાન કડક કાયદા લાગુ કરવાની માંગ કરી છે.
ટ્રેન્ડ અને રેગ્યુલેશન
ટેટૂ એ આર્ટનું એક ઉત્તમ રૂપ છે, લોકો સદીઓથી ધાર્મિક વિધિઓ કે રીત-રિવાજો માટે શરીર પર ત્રાજવડાં કરાવતા આવ્યા છે. જૂની પેઢીના લોકો હાથ પર નામ, સરનામું કે ધાર્મિક ચિહ્નો ત્રોફાવતા હતા, જે ટ્રેન્ડ આજની જનરેશન Z સુધી આવતા-આવતા 'ટેટૂ' બની ગયો છે. આજે દેશમાં ₹200થી લઈને ₹2,000 કે તેથી વધુ રકમમાં ટેટૂ બનાવતા આર્ટિસ્ટ ઉપલબ્ધ છે. અગાઉના સમયમાં આજના જેવા હાઇજીન-ફ્રેન્ડલી પાર્લર નહોતા, છતાં એલર્જી કે જીવલેણ બીમારીના કિસ્સા ઓછા બનતા. પરંતુ હવે ટેટૂ કરાવ્યા બાદ સ્કીન એલર્જીથી લઈને HIV જેવી ગંભીર બીમારીઓ થવાના અહેવાલો સતત સામે આવી રહ્યા છે.

કર્ણાટક કેમ ઇચ્છે છે આખા દેશમાં એક સરખો નિયમ?
દેશના વિવિધ શહેરોમાં નિયમો કે માર્ગદર્શિકાના અભાવે જવાબદારી નક્કી થઈ શકતી નથી. ઘણા દેશોમાં ટેટૂની શાહી અને સોય માટે સ્પષ્ટ કાયદા નથી, જેના કારણે એવી પ્રોડક્ટ્સ માર્કેટમાં વેચાઈ રહી છે, જેમાં વપરાતા કેમિકલ્સ વિશે લોકોને જાણકારી હોતી નથી. કર્ણાટક આરોગ્ય વિભાગનું માનવું છે કે, જ્યાં સુધી સમગ્ર દેશમાં ટેટૂ ઈંકની આયાત, ઉત્પાદન અને પાર્લરોના સંચાલન માટે પારદર્શક કાયદો નહીં બને, ત્યાં સુધી લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા કરવી પડકારજનક રહેશે. રિપોર્ટમાં સ્પષ્ટ લખ્યું છે કે, ટેટૂ ઈંકમાં એવા કેમિકલ્સ અને હેવી મેટલ્સ હોય છે જે બ્લડસ્ટ્રીમ(લોહીના પ્રવાહ)માં ભળી શકે છે.
ડૉક્ટરનું સૂચન અને સુરક્ષા પ્રોટોકોલ
આરએમએલ(RML) અને સફદરજંગ હૉસ્પિટલમાં સેવા આપી ચૂકેલા ડર્મેટોલોજિસ્ટ ડૉ. મનીષ જાંગડાના જણાવ્યા મુજબ:
સરકાર દેશભરમાં ટેટૂ સેન્ટર્સ માટે ક્લિનિકલ સ્ટાન્ડર્ડ નક્કી કરે.
તમામ ટેટૂ પાર્લરોનું ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ્સ ઍક્ટ હેઠળ રજિસ્ટ્રેશન ફરજિયાત હોવું જોઈએ.
મેડિકલ ડાયરેક્ટર તરીકે MD ત્વચારોગ નિષ્ણાત(Dermatologist) કે પ્લાસ્ટિક સર્જનની નિમણૂક હોવી જોઈએ.
દરેક ગ્રાહક માટે માત્ર એક જ વાર વપરાતી ડિસ્પોઝેબલ સોય અને ટ્યુબનો ઉપયોગ થવો જોઈએ.
સેન્સિટિવ સ્કીન ધરાવતા લોકો માટે ટેટૂ બનાવતા પહેલા 48 કલાક અગાઉ સ્કીન પેચ ટેસ્ટ કરવો જરૂરી છે.

ટેટૂની શાહીમાં શું ભળેલું હોય છે?
કર્ણાટક આરોગ્ય વિભાગના 2025 અને 2026ના રિપોર્ટ અનુસાર ટેટૂની શાહીથી કેન્સર અને સંક્રમિત સોયથી HIVનો ખતરો રહેલો છે.
તત્કાલીન આરોગ્ય મંત્રી ગુંડુ રાવે જણાવ્યું હતું કે, ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટની તપાસ દરમિયાન ટેટૂની શાહીમાં 22 ખતરનાક ધાતુઓ મળી આવી હતી, જેનાથી સ્કીન કેન્સર, HIV, હેપેટાઇટિસ B અને હેપેટાઈટિસ C થવાનું જોખમ રહેલું છે. આ સિવાય શાહીમાં Staphylococcus aureus જેવા બેક્ટેરિયા પણ મળ્યા હતા.
વિવિધ રંગની શાહી અને તેના જોખમો
લાલ શાહી (Red Ink): મરક્યુરી(પારો) અને કેડમિયમ હોય છે, જેનાથી ગંભીર એલર્જી થઈ શકે છે.
વાદળી અને લીલી શાહી (Blue & Green Ink): કોબાલ્ટ, તાંબુ અને લેડ(સીસું) ભળેલું હોય છે.
કાળી શાહી (Black Ink): તેમાં ભારે માત્રામાં પોલીસાયક્લિક એરોમેટિક હાઇડ્રોકાર્બન (PAHs) હોય છે, જે કાર્સિનોજેનિક (કેન્સરકારક) છે.
તમારા શરીર પર ટેટૂની શાહીની શરૂઆતી અસર
જ્યારે ટેટૂની સોય ત્વચામાં ઇન્જેક્ટ થાય છે, ત્યારે ત્વચાની બીજી પરત એટલે કે ડર્મિસ(Dermis) સુધી પહોંચે છે. તે ઉપલી પરત(એપિડર્મિસ)ને પાર કરે છે, પરંતુ નીચેના ચરબીના સ્તર(સબક્યુટેનિયસ ફેટ)ની ઉપર રહે છે.
શરીર આ શાહીના બારીક કણોને બાહ્ય હુમલાખોર ગણીને ઈમ્યુન રિસ્પોન્સ આપે છે.

તાત્કાલિક ખતરો
આ પિગમેન્ટ પાર્ટિકલ્સ પાણી કે પરસેવામાં ઓગળતા નથી. તેનાથી સૌથી પહેલો અને તાત્કાલિક ખતરો એલર્જી, સોજો, પરુ થવું અને લાલ ચકમા પડી જવાનો છે.
હેપેટાઇટિસ B, કેન્સર અને અન્ય ગંભીર જોખમો
વેક્સિનની અસર ઓછી થવી: નવી રિસર્ચ મુજબ, ઈંકની આંતરિક જમાવટથી નોર્મલ ઈમ્યુન સિસ્ટમમાં રૂકાવટ આવે છે, જેથી બાળપણમાં લીધેલી કે, અન્ય વેક્સિનની અસર ઓછી થઈ શકે છે.
બ્લડ કેન્સર / લિમ્ફોમા: યુરોપિયન કેમિકલ એજન્સી અને સ્વીડનની લુન્ડ યુનિવર્સિટીના અભ્યાસ મુજબ(ઈ-ક્લિનિકલ મેડિસિન જર્નલ), ટેટૂ બનાવવાથી લિમ્ફોમા(બ્લડ કેન્સર)નો ખતરો 21% સુધી વધી જાય છે. શાહીના સૂક્ષ્મ કણો રક્તપ્રવાહ દ્વારા લિમ્ફ નોડ્સ સુધી પહોંચીને નુકસાન પહોંચાડે છે.
HIVનો ખતરો: જો અગાઉ વાપરેલી સંક્રમિત સોયનો ફરી ઉપયોગ કરવામાં આવે તો એઇડ્સ(HIV) અને હેપેટાઇટિસ B/C ફેલાય છે. (નોંધ: એપ્રિલ 2024માં યુપીના પૂર્વાંચલમાં 40 લોકો ટેટૂ બનાવ્યા બાદ HIV સંક્રમિત થયા હતા).
કોણે સાવચેતી રાખવી જોઈએ?
જેમને પહેલા હેર ડાઈ, બ્લીચ કે કેમિકલથી સ્કીન એલર્જી થઈ હોય તેમણે ટેટૂ ન બનાવવું જોઈએ.
ગર્ભવતી મહિલાઓ.
ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર કે નબળી રોગપ્રતિકારક શક્તિ (Weak Immunity) ધરાવતા લોકો.

ભારત અને રાજ્યોમાં હાલની સ્થિતિ
ભારતમાં હાલ ટેટૂ આર્ટિસ્ટ્સ માટે કોઈ કેન્દ્રીય કાયદો કે રાષ્ટ્રીય લાઈસન્સિંગ સિસ્ટમ નથી.
કેરળ દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે, જેણે ટેટૂ આર્ટિસ્ટ્સ અને સ્ટુડિયો માટે ઓપરેટિંગ લાઈસન્સ અને બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ ફરજિયાત બનાવ્યું છે.
દિલ્હી, મુંબઈ, બેંગલુરુ જેવા શહેરોમાં હેલ્થ ટ્રેડ લાઇસન્સ અને શોપ્સ ઍન્ડ એસ્ટાબ્લિશમેન્ટ ઍક્ટ હેઠળ રજિસ્ટ્રેશન કરાવવું પડે છે.
શું સાવચેતી રાખવી?
હંમેશા સર્ટિફાઇડ અને સારી રેટિંગ ધરાવતા પાર્લરની જ પસંદગી કરો.
આર્ટિસ્ટ તમારી સામે જ નવી, સીલબંધ અને સ્ટેરાઇલ(Sterile) સોય પેકેટમાંથી બહાર કાઢે તે સુનિશ્ચિત કરો.
શાહી ઇન્ટરનેશનલ સેફ્ટી સ્ટાન્ડર્ડ મુજબની છે કે નહીં તે પૂછો.
ટેટૂ બન્યા પછી આફ્ટરકેર સૂચનાઓનું કડક પાલન કરો. જો સોજો કે લાલાશ દેખાય, તો તરત જ સ્કીન સ્પેશિયાલિસ્ટનો સંપર્ક કરો.









