India

વિજયના શપથ પર 'ગ્રહણ': ધારાસભ્ય ગુમ, નકલી સહી અને હોર્સ-ટ્રેડિંગના આરોપો બાદ રાષ્ટ્રપતિ શાસનની અટકળો

By GS TEAM
9 May 20262 mins read
TukuTouch Logo
તમિલનાડુમાં નવી સરકારની રચનાને લઈને ચાલી રહેલો રાજકીય ડ્રામા હવે ચરમસીમાએ પહોંચ્યો છે. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થવાની અટકળો તેજ બની છે, કારણ કે સરકાર બનાવવા માટે કોઈ પક્ષ પાસે સ્પષ્ટ બહુમતી દેખાઈ રહી નથી. ધારાસભ્યોના ખરીદ-વેચાણ (હોર્સ ટ્રેડિંગ), નકલી સમર્થન પત્ર અને 'ગુમ' થયેલા ધારાસભ્યોના આરોપોએ રાજ્યના રાજકારણને વધુ ગૂંચવી દીધું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વિજયના શપથ પર 'ગ્રહણ': ધારાસભ્ય ગુમ, નકલી સહી અને હોર્સ-ટ્રેડિંગના આરોપો બાદ રાષ્ટ્રપતિ શાસનની અટકળો
(IMAGE - IANS)

Tamil Nadu Political Crisis: તમિલનાડુમાં નવી સરકારની રચનાને લઈને ચાલી રહેલો રાજકીય ડ્રામા હવે ચરમસીમાએ પહોંચ્યો છે. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થવાની અટકળો તેજ બની છે, કારણ કે સરકાર બનાવવા માટે કોઈ પક્ષ પાસે સ્પષ્ટ બહુમતી દેખાઈ રહી નથી. ધારાસભ્યોના ખરીદ-વેચાણ (હોર્સ ટ્રેડિંગ), નકલી સમર્થન પત્ર અને 'ગુમ' થયેલા ધારાસભ્યોના આરોપોએ રાજ્યના રાજકારણને વધુ ગૂંચવી દીધું છે.

બહુમતીના આંકડામાં અટવાયેલું રાજકારણ

તમિલનાડુની વર્તમાન સરકારની મુદત 10 મેના રોજ પૂરી થઈ રહી છે, પરંતુ હજુ સુધી સત્તાની ચાવી કોના હાથમાં જશે તે નક્કી નથી. રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે સ્પષ્ટ કર્યું છે કે 234 સભ્યોની વિધાનસભામાં જે પક્ષ 118 ધારાસભ્યોનું સમર્થન સાબિત કરશે તેને જ સરકાર બનાવવા માટે આમંત્રણ આપવામાં આવશે. તાજેતરની ચૂંટણીમાં અભિનેતા વિજયની પાર્ટી ટીવીકે (TVK) 108 બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી છે, પરંતુ તે બહુમતીથી થોડી દૂર છે. બીજી તરફ ડીએમકે (DMK) ગઠબંધનને 73 અને એઆઈએડીએમકે (AIADMK) ગઠબંધનને 53 બેઠકો મળી છે.

સમર્થન અને બેઠકોની ગણતરી

બહુમતી સાબિત કરવા માટે વિજયની પાર્ટીએ કોંગ્રેસ, સીપીઆઇ અને સીપીઆઇ(એમ) સાથે વાતચીત શરૂ કરી હતી. કોંગ્રેસના 5 ધારાસભ્યોના ટેકા સાથે ટીવીકેનો આંકડો 113 પર પહોંચ્યો હતો અને ડાબેરી પક્ષોના ટેકા બાદ આ સંખ્યા 117 થઈ હતી. જોકે, અહીં એક ટેકનિકલ ગૂંચવણ એ છે કે વિજય પોતે બે બેઠકો પરથી ચૂંટણી જીત્યા છે અને તેમણે એક બેઠક છોડવી પડશે, જેના કારણે પ્રભાવી સંખ્યા ફરી ઘટી શકે છે.

નકલી પત્ર અને 'લાપતા' ધારાસભ્યનો વિવાદ

શુક્રવારની રાત્રે આ રાજકીય સંકટ ત્યારે વધુ ઘેરું બન્યું જ્યારે એએમએમકે(AMMK)ના વડા ટીટીવી દિનાકરને રાજભવન પહોંચીને ટીવીકે પર ધારાસભ્યોના ખરીદ-વેચાણનો ગંભીર આરોપ લગાવ્યો. તેમણે દાવો કર્યો કે તેમના ધારાસભ્ય એસ. કામરાજ 'લાપતા' છે અને તેમના નકલી હસ્તાક્ષરવાળો પત્ર રાજ્યપાલને મોકલવામાં આવ્યો છે. જોકે, થોડી જ વારમાં કામરાજ પોતે મીડિયા સમક્ષ હાજર થયા અને સ્પષ્ટ કર્યું કે તેમણે ટીવીકેને સમર્થન આપ્યું નથી. બીજી તરફ, ટીવીકેએ એક વીડિયો જાહેર કરીને દાવો કર્યો છે કે કામરાજે સ્વેચ્છાએ હસ્તાક્ષર કર્યા હતા.

આ પણ વાંચો: કૃષિપ્રધાન દેશ ભારતમાં દરરોજ 28 ખેડૂત-ખેતમજૂરોના આપઘાત, NCRBના રિપોર્ટમાં ધડાકો

રાષ્ટ્રપતિ શાસન તરફ તમિલનાડુ?

હાલમાં જે રીતે હોર્સ ટ્રેડિંગના આરોપો લાગી રહ્યા છે અને કોઈ પક્ષ બહુમતી સાબિત કરી શકતો નથી, તે જોતાં રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે કે રાજ્યપાલ કેન્દ્ર સરકારને બંધારણીય સંકટનો રિપોર્ટ મોકલી શકે છે. જો 10 મે સુધીમાં કોઈ ઉકેલ નહીં આવે, તો તમિલનાડુમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થવાની પ્રબળ શક્યતા છે. અત્યારે સરકાર પાસે માત્ર 48 કલાકથી ઓછો સમય બાકી છે અને ચેન્નાઈમાં રાજકીય હલચલ તેજ બની છે.